માનવવસ્તી દિવસે ને દિવસે વધી રહી છે. અને અગામી ૪૦ વર્ષોમાં ૭.૦ અબજ થી ૯.૫ અબજ લોકો સુધી વિસ્તરણ થવાની આગાહી કરવામાં આવી રહી છે.એક અંદાજ પ્રમાણે આ વસ્તીવધારાને લીધે ખાદ્યપાકો નું ઉત્પાદન બમણું કરવાની જરૂરિયાત ઉભી થશે, પરંતુ વર્તમાનપ્રણાલીની ખેતપધ્ધતિ થી સ્પષ્ટ થાય છે કે અથાગ પ્રયત્નો કરવા છતાં પણ લગભગ ૧.૨ અબજ લોકો ભૂખમરા થી મ્રૃત્યુ પામશે. વધતી જતી વસ્તી અને મર્યાદિત ખેતીલાયક જમીન ને લીધે ખાદ્યપાકો નું ઉત્પાદન એ એક વાસ્ત્વિક પડકાર બની રહ્યો છે અને એ માટે હાઇડ્રોપોનિક્સ એ આધુનિક ખેતી નો શ્રેષ્ઠ વિકલ્પ છે.
ભારતીય ખેડૂતો માટે હાઇડ્રોપોનિક્સ એ એક નવીન પ્ધ્ધતિ છે. આ ટેકનોલોજી વિકાસશીલ દેશો અને હાઇટેક સ્પેસ સ્ટેશનો માટે યોગ્ય છે.આ ટેકનોલોજીથી રણમાં, બિનફ્ળદ્રુપ જમીનોમાં, પર્વતીય વિસ્તારો માં અને શહેરો માં મકાનોની છત પર પણ અસરકારક રીતે ખેતી કરી શકાય છે.ગીચ વસ્તી વાળા વિસ્તારો કે જ્યાં જમીનની કિંમતમાં વધારાને લીધે પરંપરાગત ખેતી શક્ય નથી ત્યાં પણ આ ટેકનોલોજી ઉપયોગી છે. હાઇડ્રોપોનિક્સ એ સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા ઉચ્ચ મૂલ્ય પાકો ટામેટા, કાકડી, મરી અને લીલા શાકભાજી માટે આર્દશ છે.
હાઇડ્રોપોનિક્સ શબ્દ ડૉ. ડબલ્યુ એફ ગેરીક એ પાણી અને પાણી માં ઓગાળેલ પોષકદ્રવ્યો થી ખાદ્યપાક અને સુશોભિત છોડની ખેતી માટે ૧૯૩૬ માં વાપર્યો હતો. હાઇડ્રોપોનિક્સનો શાબ્દિક અર્થ ‘હાઇડ્રો` એટલે પાણી અને `પોનોસ` એટલે શ્રમ. ટૂંક માં હાઇડ્રોપોનિક્સ એટલે જમીન વગરની ખેતી. પ્રથમ હાઇડ્રોપોનિક્સ યુનિટ ગેરીક એ બનાવ્યું અને અમેરિકન દળો એ એનો ઉપયોગ બીજા વિશ્વયુધ્ધ દરમિયાન શાકભાજી ઉગાડવા માટે કર્યો હતો.
આ પધ્ધતિ માં પાણીની જગ્યાએ બીજા વિવિધ માધ્યમો પણ વાપરી શકાય છે, જેવા કે પરલાઇટ, કોકોપીટ, વર્મીક્યુલાઇટ, રેતી, ગ્રેનાઇટનો ભૂકો, કાંકરી વગેરે. આ માધ્યમો છોડ નાં મૂળની વ્રૃધ્ધિ કરે અને એને પર્યાપ્ત ઓક્સિજન આપી ધોવાણ અટકાવે એવા હોવા જોઇએ.
પોષકદ્રવ્યો
છોડની વ્રૃધ્ધિ માટે સત્તર ઘટકો જરૂરી છે
૧) મેક્રોન્યૂટ્રિયન્ટસ કે જે વધારે માત્રા માં જરૂરી છે તેમાં કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ,મેગ્નેશિયમ અને સલ્ફર નો સમાવેશ થાય છે.
૨) માઇક્રોન્યૂટ્રિયન્ટસ છે જે અલ્પમાત્રામાં જરૂરી છે જેમાં આયર્ન, બોરોન, ક્લોરીન, કોપર, મેગેંનીઝ, ઝીંક, મોલિબ્ડેનમ, કોબાલ્ટ, સોડિયમ અને નિકલ નો સમાવેશ થાય છે.
આ દ્રાવણ બનાવવા માટેનું પાણી સારી ગુણવાત્તાવાળુ હોવું જરૂરી છે કે જેની વિદ્યુત વાહકતા ૨.૫ જેટલી હોય અને pH ૫.૫ થી ૬.૫ જેટલી હોય.
લાક્ષણિકતાઓ:
૧) હાઇડ્રોપોનિક્સથી ઉત્પાદિત શાકભાજી ઉચ્ચ ગુણવત્તાની હોય છે અને ઉપજ ૩ થી ૫ ગણી વધી જાય છે.
૨) જમીન તૈયાર કરવાની જરૂર નથી હોતી અને નિંદણ ની સમસ્યા નથી.
૩) નાના વિસ્તાર માં વધારે ઉત્પાદન લેવું શક્ય છે કારણકે એમાં છોડની વ્રૃધ્ધિ માટે શ્રેષ્ઠ વાતાવરણ આપવામાં આવે છે અને બધા પોષકતત્વો જે તે સમયે ઉપલબ્ધ હોય છે.
૪) પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે છે જેથી જમીનનું પ્રદૂષણ ઘટે છે.
૫) હાઇડ્રોપોનિક્સ વડે ઉગાડવામાં આવેલી વનસ્પતિ, માટીમાંથી આવતા જંતુઓ અને રોગોના સંપર્કમાં આવતી નથી આથી જંતુનાશકો અને ફૂગનાશકો નો ખર્ચ ૫૦ થી ૮૦% ઘટી જાય છે.
૬) પોષકતત્વો છોડને સીધા મૂળમાં મળે છે તેથી ધોવાણ કે બાષ્પીભવન ના લીધે પાણીનો બગાડ પણ થતો નથી.
હાઇડ્રોપોનિક્સ યુનિટ શરૂ કરવા ધ્યાનમાં રાખવાની બાબતો:
૧) પાણી એ સૌથી આગત્યની જરૂરિયાત છે પાણીનો આવશ્યક જથ્થો અને ગુણવત્તા જળવાય એ જરૂરી છે.
૨) જે પાક ઉગાડવા માંગતા હોઇએ એની બજારમાં માંગ જાણવી જરૂરી છે.
સફળ ઉદાહરણ
ગોવા સ્થિત અજય નાયક કે જે પોતે સોફ્ટ્વેર ઇજનેર છે એમણે પોતાની કંપની વેચીને ભારતભરમાં ખેડૂતો ને ખેતીની આ પધ્ધતિનો ઉપયોગ કરવા માટે મદદ કરવાનું નક્કી કર્યું. એમણે પોતાનું હાઇડ્રોપોનિક્સ ફાર્મ કરસવાડા(ગોવા) માં ૬ વ્યક્તિ સાથે શરૂ કર્યું હતુ. પ્રાથમિક ધોરણે એમના ૧૫૦ ચોરસ મીટરના ફાર્મ માં દર મહિને ૩ ટન લેટસ નુ ઉત્પાદન કર્યુ હતુ. અજયભાઇ પોતે બીજા ખેડૂતો ને આ ટેકનોલોજી અપનાવવા માટે સમજાવી રહ્યા છે. તેઓ કહે છે કે આ માટે યુનિટનો પ્રારંભિક ખર્ચ ઉંચો છે પરંતુ સારી ગુણવત્તા અને વધારે ઉત્પાદન ને લીધે ખર્ચેલી મૂડી ફરી પુન: પ્રાપ્ત કરી શકાય છે.
ભારતમાં ચેરી ટમેટાનું બહોળુ ઉત્પાદન હાઇડ્રોપોનિક્સ પધ્ધતિથી ”સ્પર્શ બાયો” નામ ની કંપની કરે છે.
વિશ્વક્ષેત્રે હાઇડ્રોપોનિક્સથી ઉત્પાદિત પાક્ની કિંમત ૨૦૨૨ સુધીમાં૨૭.૨૯ બિલિયન ડૉલર વધવાની ધારણા છે. વધુ ઉત્પાદક્તા,ખર્ચ સામે વળતર અને સંરક્ષિત પર્યાવરણમાં ખેતી, એના લીધે હાઇડ્રોપોનિક્સથી ઉત્પાદિત પાક નું બજાર વધારે છે.
Share your comments