ધરતી પર માનવી માટે કંઈ જ પણ અશક્ય નથી, તેવું તમને સાંભળવા મળ્યુ હતું, પણ આજે અમે તમને એક એવા સમાચાર આપવા જઈ રહ્યા છીએ કે જે વાંચીને તમે કહેશો કે અંતિરક્ષમાં પણ માનવી માટે કંઈ જ અશક્ય નથી. હકીકતમાં નાસા (NASA)ના અંતરિક્ષ યાત્રીઓએ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર મૂળા ઉગાડીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ પ્રયોગનું નામ પ્લાંટ હૅબિટૅટ-02 રાખવામાં આવ્યુ છે, જેને કૃષિ વિજ્ઞાનમાં નવા અધ્યાયના ઉદય તરીકે જોવામાં આવે છે.
ચેમ્બરમાં મૂળા ઉગાડવામાં આવ્યા
આ મૂળાને એડવાંસ્ડ પ્લાંટ હૅબિટૅટમાં ઉગાડવામાં આવ્યા છે, અત્રે ઉલ્લેખનીય છે કે એડવાન્સ્ડ પ્લાંટ હૅબિટૅટને અંતરિક્ષમાં છોડ પર સંશોધન કરવા માટે તૈયાર કરવામાં આવ્યુ છે, જે કોઈ ચેમ્બરની માફક છે. આ ચેમ્બરમાં LED પ્રકાશ અને નિયંત્રિત ખાતર સાથે પાણી તથા ઑક્સિજન વગેરેનો આ સંશોધન માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ રીતે મૂળાને ઉગાડવામાં આવ્યા
નાસાના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં મૂળાને ઉગાડવા માટે ખાસ પ્રકારના બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ધરતી પરથી લાવવામાં આવેલી માટી અને અન્ય પોષક તત્વો છે, આ બૉક્સમાં રહેલા છોડોને ઇંજેક્શન દ્વારા પાણી આપવામાં આવે છે. એટલું જ નહીં તે માટે ખાસ પ્રકારનું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં તેમની જરૂરિયાત પ્રમાણે તાપમાન, પોષક તત્વો તથા હવામાન જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
મૂળા સુરક્ષિત છે
વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે આગામી 27 દિવસોમાં તે સંપૂર્ણ પણે ઉગાડીને ભોજન માટે તૈયાર થઈ જશે. અત્યાર સુધીમાં મળેલી માહિતી પ્રમાણે તે સંપૂર્ણપણે સુરક્ષિત અને પોષક તત્વોથી ભરપૂર છે. આ અંગે વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે કોઈ પણ અન્ય શાકભાજીની સરખામણીમાં મૂળાને અંતરિક્ષમાં લગાવવા મુશ્કેલ છે. માટે આ સફળતા ઘણુ મહત્વ ધરાવે છે.
આ અગાઉ લેટસ ઉગાડવામાં આવી હતી
અલબત આ પ્રથમ વખત નથી કે અંતરિક્ષમાં કોઈ શાકભાજીને ઉગાડવામાં આવેલ હોય. આ અગાઉ નાસા લેટસ (Lettuce) નામની શાકભાજી ઉગાડવામાં આવી છે. લેટસ એક વિદેશી શાકભાજી છે, જે મોટાભાગે સલાડ અથવા બર્ગરમાં ઉપયોગ કરવામાં આવે છે. તેને ઉગાડ્યા બાદ જાણવા મળ્યુ કે ધરતી અને અંતરિક્ષમાં ઉગાડવામાં આવેલ લેટસમાં ઘણો તફાવત છે. અંતરિક્ષમાં ઉગાડવામાં આવેલ લેટસમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ, સોડિયમ, ઝીંક જેવા તત્વો રહેલા હોય છે.
અંતરિક્ષમાં ભોજનનો વિકલ્પ ઉપલબ્ધ બનશે
નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અંતરિક્ષમાં પાકોને ઉગાડવા જરૂરી છે, જેથી ભવિષ્યમાં ત્યાં કામ કરી રહેલા વૈજ્ઞાનિકોને ભોજન માટે ફક્ત ધરતી પર આધાર ન રાખવો પડે. ધરતીથી અંતરિક્ષ સુધી ભોજન લાવવા, રાખવા તથા ડસ્પોઝ કરવામાં કરોડોનો ખર્ચ થાય છે. આ ખર્ચને ઓછો કરી શકાય છે, જો આપણી પાસે ભોજન ઉગાડવાનો યોગ્ય વિકલ્પ અંતરિક્ષમાં ઉપલબ્ધ હોય તો.
ભવિષ્યમાં અંતરિક્ષમાં ખેતી થશે
જો વૈજ્ઞાનિકો તેમના ભોજનને લગતી વ્યવસ્થા અંતરિક્ષમાં જ કરી શકતા હોય તો આગામી દિવસોમાં સંશોધન કાર્યમાં ઝડપ મળી શકે છે. અત્યારની માફક પૅકેજ્ડ ફૂડ (Packaged Food) પર આધાર રાખવો પડશે નહીં. નાસા (NASA)ના મતે અત્યારે મૂળાની માફક અંતરિક્ષમાં ટામેટા, કાકડી, ડુંગળી તથા અન્ય પાંદળાવારા શાકભાજી ઉગાડવાની તૈયારી થઈ રહી છે.
Share your comments