ગ્રાહક હંમેશા તંદુરસ્ત અને સારી ગુણવત્તા ધરાવતા શાકભાજીની પસંદગી કરે છે અને હાલના વિકસિત બજારોમાં વ્યાજબી ભાવ પણ આપે છે. ખેડૂતો સારા બિયારણની સમયસર વાવણી કરીનેયોગ્ય ખેતીકાર્ય કરીને સારુ ઉત્પાદન મેળવતા થયા છે. પરંતુ, જીવાતોના ઉપદ્રવથી ઉત્પાદન, ગુણવત્તા અને બજારભાવ પર વિપરીત અસર થતા ખેડૂતોને ખુબ જ આર્થિક નુકસાન વેઠવું પડે છે.
ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળ,તડતડિયા, સફેદમાખી, પાનકથીરી, મોલો, લેઈસ વિંગ બગ, એપીલેકના બીટલ અને થડ કોરી ખાનાર ઈયળ આ પાકની મુખ્ય જીવતો ગણાવી શકાય. જયારે પણ ખેતરમાં જીવાતરૂપી સમસ્યા હોય ત્યારે તેના નિરાકરણ માટે તજજ્ઞો અને વિસ્તરણ કાર્યકરોનો સંપર્ક કરી પછી જ તેના પગલા લેવા જોઈએ, પરંતુ ખેડૂતો દેખાદેખીથી ઉત્પાદન વધારવા માટે આડેધડ પગલા ભરતા હોય છે. તેથી જ જીવાતોના ઉપદ્રવની શરૂઆત હોય કે ન પણ હોય તો પણ ખેડૂતો દેખાદેખીથી આડેધડ રાસાયણિક જંતુનાશકોનો બેફામ વપરાશ કરતા હોય છે. ખાસ કરીને શાકભાજીના પાકોમાં આડેધડ રાસાયણિક જંતુનાશકોનો વપરાશ કરવાથી શાકભાજીમાં તેના અવશેષ રહી જાય છે જે માનવ સ્વાસ્થ્યને હાનિકારક નીવડે છે. રસાયણિક દવાઓનો નહિવત્ ઉપયોગ કરી આ જીવાતોનું સંકલિત નિયંત્રણ કઈ રીતે કરી શકાય તે અંગેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે જે ખેડૂતમિત્રોને ઉપયોગી પુરવાર થશે.
(૧) ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળ
ઓળખ
આ જીવાતનું ફૂદું મધ્યમ કદનું, સફેદ પાંખોવાળુ અને આગળની પાંખોમાં ભૂખરા રંગના અનિયમિત આકારના ટપકાઓ ધરાવતું હોય છે. માદા ડાળી, ફૂલ અને કયારેક નવવિકસિત ફળ પર છુટાંછવાયા ઈંડા મૂકે છે. શરૂઆતની અવસ્થામાં ઈયળ ઝાંખા સફેદ રંગની હોય છે જે મોટી થતા આછા ગુલાબી રંગની થાય છે.
નુકશાન
ઈયળ પાકની શરૂઆતની અવસ્થાએ મધ્યડૂંખમાં દાખલ થઈ પર્ણદંડ કોરી ખાય છે જેથી ઉપદ્રવીત ડૂંખ ચીમળાયને સુકાય જાય છે. ફૂલ અવસ્થાએ ઈયળ કળી તેમજ ફળને કોરીને નુકશાન કરે છે,પરીણામે કળીઓ ખરી પડે છે. ઈયળ ફળમાં ડીંટાના નીચેના ભાગેથી દાખલ થઈ ફળને અંદરથી કોરીને નુકશાન કરે છે. પડેલા કાણામાં તેની હગાર હોય છે જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી. ઇયળનો વિકાસ પુર્ણ થતા ફળમાં કાણું પાડી બહાર નીકળી આવે છે જેના લીધે ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે.
જીવાત વ્યવસ્થાપન
૧. આ જીવાતનો ઉપદ્રવ ગોળ રીંગણની જાત (મોરબી-૪-૨) કરતા લંબગોળ જાતમાં (ડોલી ૫) ઓછો જોવા મળે છે. ગુજરાત સંકર રીંગણ-૨ મધ્યમ પ્રતિકારકશક્તિ ધરાવતી જાત છે તેથી શક્ય હોય ત્યાં આવી જાતની પસંદગી કરવી.
૨. રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળના ભારે અસરગ્રસ્ત વિસ્તારમાં સામૂહિક ધોરણે પાક ફેરબદલી કરવી.
- પાક પૂરો થયા બાદ ઉખેડી નાંખવામાં આવેલા છોડનો વહેલી તકે બાળીને નાશ કરવો.
૪. ઉનાળામાં ગરમીના સમયે બે વખત ઊંડી ખેડ કરવાથી જીવાતના સુષુપ્ત રહેલા કોશેટાનો નાશ થાય છે.
૫.રીંગણીની ફેરરોપણી જાન્યુઆરીના બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બરનીશરૂઆતમાં કરવી જોઈએ જેથી જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
૬. રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળના નર ફૂદાને આકર્ષવા ફેરરોપણીના ૨૦ થી ૨૫ દિવસ બાદ ખેતરમાં હેક્ટરદીઠ ૪૦ ફેરોમોન ટ્રેપ સામુહિક ધોરણે મુકવાથી આ જીવાતનો ઉપદ્રવ કાબૂમાં રાખી શકાય છે. લ્યુર દર ત્રણ અઠવાડિયા બાદ બદલવી.
૭. રીંગણના પાકમાં દરેક વીણી સમયે સડેલાં રીંગણ પણ ઉતારી લેવા અને આવા સડેલાં રીંગણના ફળ ઉપર ઓછોમાં ઓછું એક ફુટનું આવરણ રહે તેટલી ઊંડાઈએ જમીનમાં દાટી દેવાથી જીવાતના ઉપદ્રવનો ફેલાવો આગળ વધતો અટકાવી શકાય છે.
૮. રાસાયણિક નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લી. દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છોડ સારી રીતે ભીંજાય તેમ છંટકાવ કરવો. જરૂર જણાયે ૧૫ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
(૨) તડતડિયા
ઓળખ
આ જીવાતના બચ્ચાં પાંખો વગરના, આછા લીલા રંગના અને પાન પર ત્રાંસા ચાલતા હોય છે. જયારે પુખ્ત પાંખોવાળા લીલા રંગના અને ફાચર આકારના હોય છે.
નુકશાન
બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસે છે. જેથી પાન ધારેથી પીળા પડી જાય છે. વધુ ઉપદ્રવમાં પાન કોડિયા જેવા થઇ ઉપરની તરફ કોકડાય છે. આ જીવાત ગટ્ટિયા પાનના રોગનો ફેલાવો કરે છે.
જીવાત વ્યવસ્થાપન
૧. આ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે લીંબોળીના મીંજમાંથી બનાવેલ ૫% અર્ક અથવા લીમડા આધારિત દવા ૨૦ મિલી (૧ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૨. ફેરરોપણીના ૧૫ દિવસ બાદ છોડના મૂળ પાસે કાર્બોફ્યુરાન ૩% દાણાદાર દવા ૧૦ કી.ગ્રા. પ્રતિ હેકટર મુજબ આપવાથી ૩૦ થી ૩૫ દિવસ સુધી પાકને જીવાત સામે રક્ષણ મળે છે.
૩. ગટ્ટિયા પાનવાળા રોગિષ્ટ છોડ અથવા છોડનો રોગિષ્ટ ભાગ તાત્કાલિક ખેતરમાં દુર કરવો અને તેનો બાળીને નાશ કરવો.
૪. રાસાયણિક નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ થાયમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રિન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
(૩) સફેદમાખી
ઓળખ
આ જીવાત કદમાં નાની, શરીર પીળા રંગનું અને પાંખો સફેદ રંગના મીણના પાવડરથી ઢંકાયેલ હોય છે.
નુકશાન
આ કીટકની બંન્ને અવસ્થા બચ્ચાં અને પુખ્ત પાનમાંથી રસ ચૂસે છે જેને કારણે પર્ણ ફિક્કાં પડે છે. વધુ ઉપદ્રવે છેવટે પાન સુકાય જાયછે. બચ્ચાં ચીકણો મધ જેવો પ્રવાહીનો સ્ત્રાવ કરે છે જે પાનની સપાટી અને ફુલો પર પ્રસરે છે. તેથી પ્રકાશસંશ્ર્લેષણની ક્રિયામાં વિક્ષેપ કરે છે. છોડની વૃદ્ધિ ઉપર અસર થાય છે.
જીવાત વ્યવસ્થાપન
૧. ધરૂને રોપતા પહેલા ધરૂના મૂળિયાને ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલી ૧૦ લિટર પાણીમાં ભેળવી બનાવેલા
દ્રાવણમાં ૨ કલાક સુધી બોળ્યા બાદ રોપણી કરવાથી શરૂઆતમાં જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે.
૨. ઉપદ્રવને ઓછો કરવા માટે પીળા રંગના સ્ટીકી ટ્રેપ ઉપદ્રવની માત્રાને ધ્યાને રાખીને હેક્ટરે ૧૦ થી ૪૦ની સંખ્યામાં
ગોઠવવા.
૩. સફેદમાખીનો ઉપદ્રવ હોય ત્યારે નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ કરવો હિતાવહ નથી.
૪. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે લીંબોળીના મીંજમાંથી બનાવેલ ૫% અર્ક અથવા લીમડા આધારિત દવા
૨૦ મિલી (૧ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૫. રાસાયણિક નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ ડાયફેનથાયુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી
વારાફરતી છંટકાવ કરવો.
(૪) મોલો
ઓળખ
શરીરે પીળાશ પડતાં ભૂખરા રંગના, પોચા અને ૧ થી ૧.૫ મીમી લંબાઈના હોય છે. તેના ઉદરના પાછળના ભાગે એક જોડ ભૂંગળી આવેલી હોય છે. મોલોના પુખ્ત કીટકો પાંખોવાળા કે પાંખો વગરના હોય છે.
નુકશાન
બચ્ચાં અને પુખ્ત પોતાના મુખાંગો પાનમાં દાખલ કરી રસ ચૂસે છે. તેઓ પોતાના શરીરમાંથી મધ જેવા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. જે પાન પર પડવાથી તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. જેનાથી પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયા અવરોધાય છે અને છોડનો વિકાસ અટકે છે.
જીવાત વ્યવસ્થાપન
૧. ધરૂને રોપતા પહેલા ધરૂના મૂળિયાને ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલી ૧૦ લિટર પાણીમાં ભેળવી બનાવેલા દ્રાવણમાં ૨ કલાક સુધી બોળ્યા બાદ રોપણી કરવાથી શરૂઆતમાં જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે.
૨. ઉપદ્રવને ઓછો કરવા માટે પીળા રંગના સ્ટીકી ટ્રેપ ઉપદ્રવની માત્રાને ધ્યાને રાખીને હેક્ટરે ૧૦ થી ૪૦ ની સંખ્યામાં ગોઠવવા.
૩. રીંગણના ખેતરમાં પરભક્ષી કીટકો જેવા કે લેડી બર્ડ બીટલ (દાળીયા) કે સીરફીડ ફ્લાયની સંખ્યા તેમજ સક્રિયતા વધારે હોય ત્યારે કીટનાશી દવાનો ઉપયોગ ટાળવો.
૪. રાસાયણિક નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ ડાયફેનથાયુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી વારાફરતી છંટકાવ કરવો.
(૫) પાનકથીરી
ઓળખ
આ જીવાત લાલ રંગની અને આઠ પગ ધરાવે છે.
નુકશાન
બચ્ચાં તેમજ પુખ્ત પાનની નીચેની સપાટીએ રહીને રસ ચૂસે છે. વધુ ઉપદ્રવ હોય તો તે પાનની ઉપરની બાજુએ પણ જોવા મળે છે. જેને લીધે પાન પર સફેદ ધાબા જોવા મળે છે. વધુમાં આ જીવાત કરોળિયાના ઝાળા જેવા ઝાળા બનાવે છે, જો વધુ ઉપદ્રવ હોય તો પાન પીળા પડી છેવટે છોડ સંપુર્ણપણે સુકાય જાય છે.
જીવાત વ્યવસ્થાપન
૧. વધુ ઉપદ્રવવાળા છોડને ઉપાડી કોથળામાં નાંખી ખેતરમાં અન્ય છોડ ઉપર કથીરીના પડે તે રીતે ખેતરમાંથી બહાર કાઢવા.
૨. ડાયકોફોલ ૧૮.૫% ઈસી ૨૦ મી.લી. અથવા ફેનાઝાક્વીન ૧૦% ઈસી ૧૦ મી.લી. અથવા ડાયફેનથાયુરોન ૫૦% ઈસી ૧૦ મિ.લી. અથવા પ્રોપરગાઈટ ૫૭% ઈસી ૨૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી રીંગણ ઉતાર્યા બાદ છંટકાવ કરવો.
(૬) ઇરીયોફાઇડમાઇટ
ઓળખ
તે અતિ સુક્ષ્મ કદની હોય છે. તે બે જોડી પગ ધરાવે છે. તેને નરી આંખે જોઇ શકાતી નથી, તેને સુક્ષ્મ દર્શક યંત્રમાં જોઇ શકાય છે. તેનુ શરીર લાંબુ ત્રાકાકાર હોય છે. તેના શરીરનો આગળનો ભાગ જાડો અને પાછળનો ભાગ પાતળો હોય છે.
નુકશાન
શરૂઆતમાં બચ્ચાં સમુહમાં રહીને રસ ચૂસે છે. બચ્ચાં અને પુખ્ત બન્ને પાનમાંથી રસ ચૂસે છે જેથી પાન પર સફેદ પડતા પીળા રંગના ધાબા દેખાય છે. ખેતરમાં ઇરીયોફાઇડ માઇટનુ નુકશાન શરૂઆતમાં નાના કુંડાળામાં જોવા મળે છે અને ત્યારબાદ આ નાના કુંડાળાનો વિસ્તાર વધતો જાય છે.
જીવાત વ્યવસ્થાપન
૧. શરૂઆતમાં ઇરીયોફાઇડ માઇટનુ નુકશાન નાના કુંડાળામાં જોવા મળે ત્યારે નાના કુંડાળામાં પગલા હાથ ધરવા.
૨. ભલામણ પ્રમાણે ખાતર અને પિયત પાણીનો ઉપયોગ કરવો.
૩. ફેનાઝાક્વીન ૧૦% ઈસી ૧૦ મી.લી. અથવા પ્રોપરગાઈટ ૫૭% ઈસી ૨૦ મિ.લી. અથવા ડાયફેનથાયુરોન ૫૦% ઈસી ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી રીંગણ ઉતાર્યા બાદ છોડના દરેક ભાગ ભીંજાય તે રીતે બારિક ફુવારાથી છંટકાવ કરવો.
૪. આ જીવાત નિયંત્રણ માટે સિંથેટિક પાઇરેથ્રોઇડ્સ દવાઓનો ઉપયોગ શક્ય તેટલો ટાળવો.
(૭) લેઈસ વિંગ બગ
ઓળખ
આ જીવાતના બચ્ચાં આછા લીલા રંગના અને કાળા ટપકાંવાળા હોય છે. પુખ્ત બદામી રંગના અને સફેદ રંગની જાળીવાળી પાંખો ધરાવે છે.
નુકશાન
બચ્ચાં અને પુખ્ત બન્ને પાનની નીચેની બાજુ રહીને રસ ચૂસે છે જેથી પાન પર સફેદ પડતા પીળા રંગના ડાઘા પડે છે.
જીવાત વ્યવસ્થાપન
૧. ડાયમિથોએટ ૩૦% ઈસી ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી રીંગણ ઉતાર્યા બાદ છંટકાવ કરવો.
(૮) એપીલેકના બીટલ
ઓળખ
આ જીવાતના પુખ્ત ચણાની દાળ જેવા અર્ધ ગોળાકાર અને કથ્થાઈ રંગના હોય છે. તેની પાંખો પર ઘણા કાળા ગોળ ટપકાં હોય છે.
નુકશાન
ઈયળ અને પુખ્ત પાનની નસોની વચ્ચેનો લીલો ભાગ ખાય છે. જેથી પાન ચારણી જેવા બની જાય છે. ઉપદ્રવ વધારે હોય તો પાન ઝાંખરા જેવા થઈ જાય છે.
જીવાત વ્યવસ્થાપન
૧. આ જીવાતના નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ ક્લોરપાયફોસ ૨૦ ઇસી અથવા સાયપરમેથ્રીન ૨૫ ઈસી ૪ મી.લી. ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.
(૯) થડ કોરી ખાનાર ઇયળ
ઓળખ
આ જીવાતનાં ઈંડા સફેદ રંગના, ચપટા હોય છે. પુખ્ત ઈયળ દુધિયા સફેદ રંગની હોય છે. પુખ્ત બદામી રંગના હોય છે અને તેની અગ્રપાંખ પર ત્રાંસી લાઈનો હોય છે, જયારે પશ્વપાંખ સફેદ રંગની હોય છે.
નુકશાન
ઈયળ નાના છોડની ટોચના ભાગમાં નુકસાન કરતી હોવાથી છોડ વાંકો વળી જાય છે અને કરમાઈ જાય છે. આ ઈયળ થડના ભાગમાં બોગદા બનાવી તેમાં રહે છે. જેમાં એક કરતા વધારે ઈયળો એક જ થડમાં જોવા મળતી હોય છે. વધુ ઉપદ્રવ હોય તો છોડનો વિકાસ અટકી જાય છે. ફળના બેસવા પર અસર પડે છે.
જીવાત વ્યવસ્થાપન
૧. ઉનાળામાં ગરમીના સમયે બે વખત ઊંડી ખેડ કરવાથી જીવાતની સુષુપ્ત અવસ્થાઓ રહેલા (ઈયળ અને કોશેટા) નો નાશ થાય છે.
૨. નુકસાનગ્રસ્ત છોડ ભેગા કરી તેને નાશ કરવો.
૩. ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશપીંજર ગોઠવવા.
૪.નુકસાનગ્રસ્ત છોડ ભેગા કરી તેને નાશ કરવો
૫. થડ કોરી ખાનાર ઇયળના ભારે અસરગ્રસ્ત વિસ્તારમાં સામૂહિક ધોરણે પાક ફેરબદલી કરવી.
૬. પાક પૂરો થયા બાદ ઉપડેલા છોડને ખેતરના શેઢા-પાળા પર ઢગલો કરી તેનો તાત્કાલિક બાળીને નાશ કરવો.
Share your comments