Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Eggplant Farming: રીંગણની જીવાતો અને તેનું સંકલિત વ્યવસ્થાપન

ભારત દેશ શાકભાજી ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ખેડૂતો રોકડીયા પાક તરીકે તેમજ શહેરી વિસ્તારમાં કિચન ગાર્ડનિંગ તરીકે શાકભાજીની ખેતી ઓછા-વત્તા પ્રમાણમાં દરેક જિલ્લામાં કરવામાં આવે છે. શાકભાજી પાકોમાં મુખ્યત્વે વિટામીન્સ, ખનિજ પદાર્થો તથા સૂક્ષ્મતત્વો વિપુલ પ્રમાણમાં હોવાથી ખોરાકમાં આગવું સ્થાન ધરાવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
રીંગણના પાક પર દેખાતા રોગ જીવાત અને તેનું વ્યવસ્થાપન
રીંગણના પાક પર દેખાતા રોગ જીવાત અને તેનું વ્યવસ્થાપન

ભારત દેશ શાકભાજી ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ખેડૂતો રોકડીયા પાક તરીકે તેમજ શહેરી વિસ્તારમાં કિચન ગાર્ડનિંગ તરીકે શાકભાજીની ખેતી ઓછા-વત્તા પ્રમાણમાં દરેક જિલ્લામાં કરવામાં આવે છે. શાકભાજી પાકોમાં મુખ્યત્વે વિટામીન્સ, ખનિજ પદાર્થો તથા સૂક્ષ્મતત્વો વિપુલ પ્રમાણમાં હોવાથી ખોરાકમાં આગવું સ્થાન ધરાવે છે. એશિયામાં રીંગણ એક અગત્યનો શાકભાજી પાક છે. રીંગણ એ શાકભાજીનો બારેમાસ ઉપલબ્ધતા ધરાવતો અગત્યનો પાક છે. રીંગણમાં મુખ્યત્વે ચાવીને ખાનાર અને ચૂસિયા એમ બન્ને પ્રકારની જીવાતો નુકસાન કરે છે જેમાં ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ રીંગણની મુખ્ય જીવાત છે જે આશરે ૮૫ થી ૯૦ ટકા જેટલું નુકસાન કરે છે તેમજ ચૂસીયાં પ્રકારની જીવાત જેવી કે તડતડીયાં, સફેદમાખી, મોલો, પાનકથીરી ઇત્યાદી આશરે ૧૦ થી ૧૫ ટકા જેટલુ નુકસાન કરે છે. વધુમાં ચુસીયા પ્રકારની જીવાત વિષાણુજન્ય રોગોના વાહક તરીકે પણ કામ કરતી હોઈ રીંગણના ઉત્પાદન પર માઠી અસર પહોંચાડે છે. આ બધી જીવાતોનું ખેડૂતો અસરકારક રીતે અને બિનજરૂરી ખર્ચ ઘટાડીને વ્યવસ્થાપન કરી શકે તે માટે જીવાત નિયંત્રણની વિવિધ વૈજ્ઞાનિક પધ્ધતિઓના સંકલનની માહિતી ખૂબ જ જરૂરી છે.

ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ:

 આ જીવાતનું પુખ્ત મધ્યમ કદનું, સફેદ પાંખોવાળું અને અગ્ર પાંખ પર ભૂખરા રંગના ગોળ ટપકાં ધરાવે છે. ફૂદું રાત્રિ દરમ્યાન સક્રિય હોય છે અને દિવસ દરમ્યાન છોડની ડાળીઓમાં પાન નીચે સંતાઈ રહે છે. નાની ઇયળો ઝાંખા સફેદ રંગની હોય છે. જે પુખ્ત બનતા આછા ગુલાબી રંગની બને છે. ઈંડામાંથી નીકળતી ઇયળો શરૂઆતમાં છોડ નાનો હોય ત્યારે ડૂંખમાં દાખલ થઈને ફળનો અંદરનો ગર્ભ કોરી ખાય છે અને કાણાંમાંથી તેની હગાર બહાર નીકળે છે. જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી. ઇયળનો વિકાસ પૂર્ણ થતાં ફળમાં કાણું પાડી કોશેટામાં જવા માટે બહાર નીકળી આવે છે જેથી ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે.

જીવનચક્ર: માદા ફૂદી પાનની નીચેની સપાટી, પ્રકાંડ, ફૂલની કળી અથવા ફળના નીચેના ભાગ પર છૂટાછવાયા ઈંડાં મૂકે છે. ઈંડાંમાથી નીકલળેલી ઈયળ ફળ અથવા કુમળી ડૂંખો કોરી ખાઈને પુખ્ત બને છે. મોટી ઈયળ જમીનમાં છોડના સૂકાયેલા અને ખરી પડેલા ભાગમાં કોશેટા બનાવે છે. ગરમ આબોહવામાં જીવાતની ઘણી પેઢીઓ ઉપરાછાપરી થતી હોય છે. આ જીવાત ઋતુ સિવાયના સમયે (કમોસમાં) પાક ન હોય ત્યારે પાકના સુકાયેલા છોડના અવશેષોની અંદર નિષ્ક્રિય રહી જીવી શકે છે.  

સંકલિત વ્યવસ્થાપન:

  • આ જીવાતનો ઉપદ્રવ ગોળ રીગણની જાત (મોરબી-૪-૨) કરતાં લંબગોળ જાત (ડોલી ૫) માં ઓછો જોવા મળે છે. ગુજરાત સંકર રીંગણ ૨ મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે. તેથી શકય હોય ત્યાં આવી જાતની પસંદગી કરવી.
  • રીંગણની ફેરરોપણી જાન્યુઆરીના બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં કરવાથી ઉપદ્રવ પ્રમાણમાં ઓછો રહે છે.
  • પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલી અને ચીમળાઈ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને જમીનમાં ૨૦ સે.મી. ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે.
  • ફેરરોપણીના એક મહિના બાદ હેક્ટર દીઠ ૪૦ ફેરોમોન ટ્રેપ સામૂહીક ધોરણે મૂકવા.
  • ઇયળ અવસ્થામાં ટ્રેથેલા ફ્લેવુરબીટાલીસ નામની પરજીવી ભમરી દ્વારા લગભગ ૫૫ ટકા જેટલું પરજીવીકરણ થતું હોય છે માટે નુકસાનગ્રસ્ત ફળોને ઝીણી જાળીવાળા પાંજરામાં મૂકવા જેથી ફાયદાકારક પરજીવીઓના પુખ્ત બહાર આવી શકે.
  • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારીત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ (૧.૦૦ ઈસી) અથવા ૫૦ મિ.લિ (૦.૧૫ ઈસી) અથવા ૫૦ મિ.લિ. (૦.૦૩ ડબલ્યુએસપી) અથવા બેસીલસ થુરીજીન્સિસ નામના જીવાણુનો પાઉડર ૨૦ ગ્રામ અથવા મેટારાઈઝીયમ એનીસોપીલી (૧.૧૫% ડબલ્યુપી) નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • વધુ ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ અથવા સાયપરમેથ્રીન ૨૫ ઈસી ૪ મિ.લિ. (*૦૧ દિવસ) અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઈસી ૧૦ મિ.લિ. (*૦3 દિવસ) અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. (*૦૫ દિવસ) અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઈસી ૨૦ મિ.લિ. (*૦૭ દિવસ) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
  • પાક પૂરો થયા બાદ ઉપાડેલા છોડને ખેતરના શેઢા-પાળા પર ઢગલો ન કરતાં તેનો ભૂકો બનાવી ખાતર તરીકે ઉપયોગ કરવો.
  • જો સૂકા છોડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરતાં હોઈએ તો તેનો ઢગલો બનાવી તેને એગ્રોનેટથી ઢાંકી દેવો.
  • દરેક વીણી વખતે સડેલા ફળ જુદા તારવી ઢોરને ખવડાવી દેવા અથવા યોગ્ય રીતે નાશ કરવો.

તડતડીયાં: તડતડીયાં પાનની નસોમાં ઇંડા મૂકે છે તેમાંથી નીકળતા બચ્ચાં પાંખો વગરના, આછા લીલા રંગના અને ત્રાંસા ચાલે છે. પુખ્ત તડતડિયા પાંખોવાળા, લીલા રંગના અને ફાચર આકારના હોય છે. બચ્ચાં અને પુખ્ત બન્ને પાનની નીચેની બાજુ રહીને પાનમાંથી રસ ચૂસે છે. જેને લીધે પાનની ધારો પીળી પડી ઉપરની તરફ વળી જાય છે જેથી પાન કોડીયા જેવા લાગે છે. આ જીવાત ગટ્ટીયા પાન નામના રોગના વાહક તરીકે પણ કામ કરે છે. તેથી આ જીવાતથી સીધા નુક્સાન કરતા આડકતરું નુકસાન વધારે થાય છે. આ જીવાતના ઉપદ્રવને કારણે છોડ નાના રહે છે અને પરિણામે ઉત્પાદન પર માઠી અસર થાય છે.

જીવનચક્ર: પાનના તડતડીયાનું આખા વર્ષ દરમ્યાન પ્રજનન થાય છે પરંતુ સૂકા સમયગાળા દરમ્યાન વધારે જોવા મળે છે. પાનની નીચેની સપાટીની અંદરની પેશીઓમાં તડતડીયાના ઈંડાં મૂકાયેલા હોય છે. ઈંડામાથી નીકળેલા નાના બચ્ચાં પાનની નીચેની સપાટી પર ખાઇને પુખ્ત બને છે. આખુ જીવનચક્ર ૫ થી ૭ અઠવાડિયાનુ હોય છે અને પાક દરમિયાન ઉપરાછાપરી પેઢીઓ જોવા મળે છે.

સંકલિત વ્યવસ્થાપન

  • ધરૂને રોપતા પહેલા છોડના મૂળને ૨ કલાક ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ પ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી બનાવેલ દ્રાવણમાં બોળીને રોપણી કરવાથી શરૂઆતમાં ચૂસીયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ મેળવી શકાય છે તેમજ છોડની વૃદ્ધિ સારી થાય છે.
  • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારીત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ (૧.૦૦ ઈસી) અથવા ૫૦ મિ.લિ (૦.૧૫ ઈસી) અથવા ૫૦ મિ.લિ. (૦.૦૩ ડબલ્યુએસપી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છાંટવાથી ઉપદ્રવ ઘટાડી શકાય છે.
  • વધુ ઉપદ્રવ જણાય તો સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૪ મિ.લિ. (*૦૧ દિવસ) અથવા ડાયમેથોએટ ૩૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઈસી ૧૭ મિ.લિ. (*૦૭ દિવસ) અથવા બીટાસાયન્ફ્લુથીન ૮.૪૯% + ઈમિડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિ.લિ. (*૦૭ દિવસ) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

સફેદમાખી

આ કીટક સફેદ પાંખો અને પીળા રંગનું ઉદરપ્રદેશ ધરાવતું હોય છે. બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની સપાટી પર રહીને રસ ચૂસે છે જેથી છોડનો વિકાસ બરાબર થતો નથી. ઘણી વખત આ જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે ત્યારે છોડનો વિકાસ અટકી જાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.

જીવનચક્ર:

સામાન્ય રીતે ઈંડા પાનની નીચેની સપાટી પર જૂથમાં મૂકાય છે. ઈંડાંમાંથી બચ્ચાં નીકળે છે જે છોડનો રસ ચૂસે છે. એક પુખ્ત માદા ૧૬૦ જેટલા ઈંડા મૂકી શકે છે. દરેક પેઢી ૧૦ થી ૧૫ દિવસમાં પૂરી થતી હોવાથી આ જીવાતની વસ્તીમાં ઝડપથી વધારો થાય છે. પાકની અવધિ દરમ્યાન આ જીવાતની ૧૫ જેટલી પેઢીઓ થઈ શકે છે.

સંકલિત વ્યવસ્થાપન

  • પીળા રંગના ચીકણા ૧૦ થી ૧૫ ટ્રેપનો ઉપયોગ કરવાથી આ જીવાતના ઉપદ્રવની જાણકારી મેળવી શકાય છે.
  • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ (૧.૦૦ ઈસી) અથવા ૫૦ મિ.લિ (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છાંટવાથી ઉપદ્રવ ઘટાડી શકાય છે.
  • ઉપદ્રવ વધારે જણાય તો પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઈસી ૧૭ મિ.લિ. (*૦૭ દિવસ) અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૪ મિ.લિ. (*૧૦ દિવસ) અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ (*૦૩ દિવસ) અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૧.૦૧% + ઇમિડાક્લોપ્રીડ ૧૧.૦૧% એસસી ૧૦ મિ.લિ. (*૦૫ દિવસ) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ફોટો-પ્રિન્ટરિસ્ટ
ફોટો-પ્રિન્ટરિસ્ટ

મોલો

બચ્ચાં પીળાશ પડતાં રંગના હોય છે. બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટી ઉપર રહીને પાનમાંથી રસ ચૂસે છે જેથી છોડનો વિકાસ ઓછો થાય છે. તેના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ નીકળે છે જે પાનની સપાટી પર પડતા તેના પર કાળી ફૂગ ઉગે છે જેથી છોડ કાળો દેખાય છે અને પ્રકાશસંશ્લેષણની ક્રિયા અવરોધાય છે.

જીવનચક્ર:

         મોટા ભાગના કીટકોની માફક મોલો ઈંડા મૂકતી નથી. તેઓ સીધા બચ્ચાંને જ જન્મ આપે છે. આ મોલોના બચ્ચાં એક અઠવાડિયામાં પુખ્ત બને છે અને નવી પેઢીઓ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે. મોલો ટામેટી, ભીંડા અને કપાસ સહિત સંખ્યાબંધ પાકો પર નુકસાન કરે છે.

સંકલિત વ્યવસ્થાપન

  • આ જીવાતની વસ્તીની જાણકારી માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ હેકટરે ૧૦ થી ૧૫ ની સંખ્યામાં ગોઠવવા.
  • પરભક્ષી કીટકો જેવા કે લેડી બર્ડ બીટલ (દાળીયા) કે સીરફીડ ફ્લાયની સંખ્યા વધારે હોય તો કીટનાશકનો ઉપયોગ ટાળવો.
  • છોડ દીઠ એક ઈયળની સંખ્યામાં ક્રાયસોપા (લીલી પોપટી) અથવા મલાડાની ઈયળો છોડવી.
  • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ (૧.૦૦ ઈસી) અથવા ૫૦ મિ.લિ (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસિલીયમ લેકાની (૧.૫૦%) નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • વધુ ઉપદ્રવ જણાય તો ફેનવાલેરેટ ૨૦ ઇસી ૧૦ મિ.લિ. (*૦૫ દિવસ) અથવા બીટાસાયન્ફ્લુથ્રીન ૮.૪૯% + ઈમિડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિ.લિ. (*૦૭ દિવસ) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે.

પાનકથીરી

કથીરી ખરા અર્થમાં કીટક નથી (તેઓને આઠ પગ હોય છે, કીટકની માફક છ નહિ), આ જીવાત લાલ રંગની અને આઠ પગ ધરાવે છે. બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસે છે જેથી પાન પર સફેદ ધાબા જોવા મળે છે. જો ઉપદ્રવ વધારે હોય તો પાનની ઉપરની બાજુએ પણ આ જીવાત જોવા મળે છે અને પાન પર કરોળિયાના જાળા જેવી રચના પણ જોવા મળે છે. વધારે પડતા ઉપદ્રવને કારણે પાન પીળા પડી છેવટે સૂકાઇ જાય છે.

જીવનચક્ર:

         કથીરી પાનની નીચેની સપાટી ઉપર ખૂબ જ નાના અને સરળતાથી ન જોઈ શકાય તેવા ઈંડા મૂકે છે. ઈંડાંમાંથી નીકળતા નારંગી રંગના નાના બચ્ચાં રીંગણના પાનની નીચેની સપાટી પર નુકસાન કરે છે. એક અઠવાડિયામાં બચ્ચાં ઘાટા નારંગીથી લાલ રંગના પુખ્તમાં રૂપાંતર પામે છે, જે નાના કરોળીયા જેવા દેખાય છે અને પાનની નીચેની સપાટી ઉપર ચાલતા હોય છે.

સંકલિત વ્યવસ્થાપન

  • છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો.
  • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૫ મિ.લિ. (૫ ઈસી) થી ૬૦ મિ.લિ. (૦.૦૩ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • વધુ ઉપદ્રવ જણાય ત્યારે ફ્લુમાઈટ ૩૦ ઈસી ૫ મિ.લિ. (*૦૫ દિવસ) અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૧.૦૧% + ઇમીડાક્લોપ્રીડ ૧૧.૦૧% એસસી ૧૦ મિ.લિ. (*૦૫ દિવસ) અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૨૫ મિ.લિ. (*૦૬ દિવસ) અથવા ઇટોક્ઝાઝોલ ૧૦ એસસી ૯ મિ.લિ. (*૦૫ દિવસ) અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯૦% એસસી ૮ મિ.લિ. (*૦૫ દિવસ) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

એપીલેકના બીટલ

આ જીવાતના પુખ્ત ચણાની દાળ જેવા અર્ધગોળાકાર અને કથ્થાઈ રંગના હોય છે. તેની પાંખો પર ઘણા કાળા ગોળ ટપકાં હોય છે. ઈયળ અને પુખ્ત પાનની નસોની વચ્ચેનો લીલો ભાગ (નિલકણો) ખાય છે જેથી પાન ચારણી જેવા બની જાય છે. ઉપદ્રવ વધારે હોય તો પાન ઝાંખરા જેવા થઈ જાય છે.

જીવનચક્ર:

         પુખ્ત માદા મોટે ભાગે પાનની નીચેની સપાટી પર લાંબા સિગાર આકારના પીળા ઈંડા મૂકે  છે. ઈંડાંમાંથી પીળા રંગની કાંટાવાળી ઈયળો નીકળે છે જે પાનની નીચેના અધિચ્છદીય સ્તર પર ખાય છે. ઈયળની ચાર અવસ્થાઓ હોય છે. પૂર્ણ વિકસિત ઈયળો ૬ મિ.મી. લાંબી હોય છે. ઘાટા રંગના કોશેટા પાન અથવા પ્રકાંડ/ડાળીઓ પર જોવા મળે છે. આખું જીવનચક્ર ૧૫ થી ૨૦ દિવસમાં પુરૂ થાય છે.

સંકલિત વ્યવસ્થાપન

  • આ જીવાતના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લી. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૪ મિ.લિ. (*૦૧ દિવસ પ્રતિક્ષા સમય) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

સ્ત્રોત: ડૉ. એન. પી. પઠાણ, બી. એચ. નંદાણિયા, બિ. કે. પ્રજાપતિ અને પી. એમ. પટેલ

પાક સંરક્ષણ વિભાગ, બાગાયત મહાવિધાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ-૩૮૪૪૬૦

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More