કૃષિ પાકોમાં ઘણા રોગો આવે છે. આવા રોગો કૃષિ ઉત્પાદનમાં અસર કરે છે તથા પાક ઉત્પાદન ઘટાડે છે. આ રોગો સામાન્ય રીતે ફુગ, જીવાણુ તથા વીષાણુથી આવતા હોય છે. આ રોગો મુખ્યત્વે ઉભા પાકમાં આવે છે પરંતુ આ રોગકારકો ક્યારેક સંગ્રહ કરેલા બીજ, શાકભાજી તથા ફળો વગેરે ને પણ અસર કરે છે. આ રોગો વધુમાં વધુ ફુગ દ્વારા થાય છે જે સંગ્રહ બીજ સાથે માનવ જીવન પર પણ અસર કરે છે. રોગકારક ફુગમાંની અમુક ફુગ કેટલાક ઝેરીદ્રવ્યોનો સ્ત્રાવ કરે છે જે કૃષિ, માનવ જીવન તથા પશુપાલનના આહારમાં આવતા ઘણા રોગો અને હાનીકારક અસર ઉત્પન્ન કરે છે તો મીત્રો ચાલો આજે આવી કેટલીક ફુગ તથા તેનાથી સ્ત્રવતા દ્રવ્યો વિષે જાણીએ.
સૌપ્રથમ તો આવા ઝેરીદ્રવ્યો કેવીરીતે ઉત્પન્ન થાય છે તેના પર એક નજર કરીએ તો, દરેક સજીવનાં શરીરમાં પોષક દ્રવ્યો અથવા જીવનરસ બનતા હોય છે તેને ચયાપચયની ક્રિયા કહેવાય છે. પરંતુ આવા પોષક દ્રવ્યો સાથે ઝેરીદ્રવ્યો પણ બનતા હોય છે જે આપણા શરીરમાં હાનિકારક જીવાણુ, વિષાણુનો નાશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આજ રીતે ફુગમાં પણ ગૌણ ચયાપચયની ક્રિયા દ્વારા આવા ઝેરીદ્ર્વ્યોનો સ્ત્રાવ થાય છે જે ઉભા પાકમાં અથવા સંગ્રહ પાકોમાં અસર કરે છે. આવા ઝેરીદ્રવ્યો માનવ જીવન તથા પ્રાણી જીવન માટે પણ હાનિકારક સાબિત થાય છે. ફુગમાં આ દ્રવ્યો બનવાનું પ્રમાણ ખુબજ ઓછુ એટલે કે પી.પી.એમ એકમમાં (એક પી.પી.એમ= એક મી.લી. નો દસ હજારમો ભાગ) હોય છે અને આટલુજ પ્રમાણ પાક, માનવ જીવન અને પ્રાણીને અસર કરવા માટે પર્યાપ્ત છે.
ફુગમાં આવા ૩૦૦ થી વધુ સ્ત્રાવીત દ્રવ્યો ઓળખાયા છે. જેમાંના 30 જેટલા સ્ત્રાવો ઝેરી તરીકે સાબિત થયા છે. આ ઝેરી દ્રવ્યોની સૌપ્રથમ ખેતીમાં અસર જોઇએ તો તે ઘણા પાકો જેવાકે ઘઉં, મકાઈ, મગફળી, કપાસના બીયારણ, કોફી તથા ઘણા ડ્રાયફ્રુટ પાકોમાં જોવા મળે છે. સંશોધનો દ્વારા સાબિત થયુ છે કે તેનાથી ૨૫ ટકા જેટલું પાક ઉત્પાદન ઘટે છે. મુખ્યત્વે મગફળીના પાકમાં આવી ફુગ વધુ જોવા મળે છે. આ ઝેરીદ્રવ્યોના પ્રમાણને કારણે આપણા દેશમાંથી આફ્રિકા દેશમાં નીકાસ થતી મગફળીમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થયો છે. ભારતીય ખાધ નિગમ (એફ.સી.આઈ- ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા) ના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઈ.સ. ૧૯૮૨ માં આવા ફુગ દ્વારા સ્ત્રવતા ઝેરીદ્રવ્યોને કારણે નેવું હજાર ટન જેટલા આયાત કરેલા ઘઉંને ખાવા માટે અયોગ્ય જાહેર કર્યા હતા.
મીત્રો, આવી ફુગો પર વિહંગાવલોકન કરીએ તો ઝેરીદ્રવ્યો સ્ત્રાવતી ફુગના નામ નીચે મુજબ છે. 1.) એસ્પરજીલસ 2.) પેનીસીલીયમ 3.) ફ્યુઝેરીયમ 4.) ક્લેવીસેપ્સ 5.) અલ્ટરનેરીયા 6.) કેટલીક મશરુમ
આ ઝેરીદ્રવ્યોને લીધે માનવ શરીરમાં શરદી-તાવ, ઉલ્ટી, પેટમાં દુખાવો, માથુ દુખવુ, નાકમાંથી લોહી વહેવું, ગળામાં બળતરા થવી, કેન્સર, ચામડીનાં રોગો, કમળો જેવા રોગો થાય છે. પ્રાણીઓમાં પણ ફુગ દ્વારા સ્ત્રવતા ઝેરીદ્રવ્યોની અસર જોવા મળે છે જેમ કે દુધમાં દુષિતતા આવવી, દુધનું ઉત્પાદન ઘટવું, ગરમીમાં આવવામાં અનિયમિતતા, ગર્ભાશયમાં રસી થવું, પાચનતંત્ર નબળું પડવુ તથા ખોરાક લેવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.
આ ઝેરીદ્રવ્યોમાં મુખ્ય અને આપણા વિસ્તારમાં જોવા મળતું એસ્પરજીલસ ફુગ દ્વારા ઉત્પન્ન થતુ “આફ્લાટોક્સિન” છે. આ વિષ બે ફુગ દ્વારા સ્ત્રવે છે. 1.) એસ્પરજીલસ ફ્લેવસ 2.) એસ્પરજીલસ પેરાસીટીકસ. આપણે જો આફ્લાટોક્સિન શબ્દની સંધી છુટી પાડીએ તો આ એટલે એસ્પરજીલસ, ફ્લા એટલે ફ્લેવસ અને ટોક્સિન એટલે ઝેરીદ્રવ્ય. એસ્પરજીલસ ફ્લેવસ મુખ્યત્વે આપણા વિસ્તારમાં તથા અશિયામાં જોવા મળે છે જયારે એસ્પરજીલસ પેરાસીટીકસ મુખ્યત્વે અમેરીકા દેશમાં જોવા મળે છે. આફ્લાટોક્સિન મુખ્યરુપે મગફળીમાં જોવા મળે છે. મગફળીના ઉભા પાકમાં તે આફ્લા રોટ નામનો રોગ કરે છે જેનાથી છોડ સુકાય જાય અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને મગફળીના સંગ્રહીત બીજમાં લીલી ફુગ બાજેલી દેખાય તથા તેનાથી બીજની ગુણવત્તા અને બીજ અંકુરણ થવાની ક્ષમતા ઘટી જાય છે. મગફળી ઉપરાંત તે બાજરી, મકાઈ, અખરોટ, પિસ્તા અને દુધ વગેરે માં પણ જોવા મળે છે.
આફ્લાટોક્સિનને લગતા મહત્વનાં બનાવો જોઇએ તો આફ્લાટોક્સિનની અસર ઘણા દેશોમાં જોવા મળી છે. તેમાં ઈ.સ. ૧૯૬૦ માં ઈંગ્લેન્ડમાં આવેલ તુર્કીમાં એક લાખ જેટલા મરઘાઓઆ આફ્લાટોક્સિનની ઝેરી અસરથી મ્રુત્યુ પામ્યા હતા તે રોગને તુર્કી-એક્સ રોગ તેરીકે પ્રચલિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત માણસના શરીરમાં પણ તેની અસર ભારત, કેન્યા, મલેશિયા, થાયલેન્ડ જેવા દેશોમાં જોવા મળી હતી. જો ભારતમાં ગુજરાતની વાત કરીએ તો ઈ.સ. ૧૯૭૪ માં ગુજરાતના પંચમહાલ તથા રાજસ્થાનનાં બંસવારા જીલ્લામાં ચારસો જેટલા માણસોને આફ્લાટોક્સિન વાળી મકાઈ ખાવાથી હિપેટાઈટીસ (યક્રૃતનો સોજો) જેવી બિમારી થઈ હતી તેમાંથી સો જેટલા લોકો મ્રૃત્યુ પામ્યા હતા.
આફ્લાટોક્સિન સિવાયના બીજા આવા ઝેરીદ્રવ્યોમાં બાજરીમાં આવતા ગુંદરિયા રોગની રોગકારક ફુગ ક્લેવિસેપ્સ દ્વારા સ્ત્રવતું “અરગોટોક્સિન” , પાકમાં સુકારો આવે તેની રોગકારક ફુગ ફ્યુઝેરીયમ દ્વારા સ્ત્રવતું “ફ્યુઝેરીયમટોક્સિન” વગેરે.
આ ઝેરીદ્રવ્યોનું પ્રૃથ્થકરણ કરવા માટે આપણા દેશમાં ઘણી લેબોરેટરી પણ વિકસી છે તેમાં આપણા ગુજરાત રાજ્યમાં ક્રૃષિ અને ખાધ પ્રક્રિયા ઉત્પાદિત નિયાત વિકાસ (APEDA – Agricultural & Processed food products Export Development Authority) અંતર્ગત અમદાવાદ, રાજકોટ જેવા ઘણા જિલ્લામાં આવી ફુગ દ્વારા સ્ત્રવતા ઝેરીદ્રવ્યોની ચકાસણી માટે લેબોરેટરીઓ આવેલી છે જે ખાધ પદાર્થો તથા ક્રૃષિ ઉત્પાદનોમાંથી આવા ઝેરીદ્રવ્યોની ચકાસણી કરી તેને નિકાસ અને ખાવા માટે યોગ્ય છે નહી તેની ચકાસણી કરી સાબિત કરે છે. આમ, આપણે જે ખોરાક લઈએ છીએ તે કેટલા અંશે આપણા માટે યોગ્ય છે તે જાણવું આવશ્યક છે અને તે માટે આપણી સરકાર અને ક્રૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો આવા સંશોધનો દ્વારા સતત આપણા માટે કાર્યરત રહે છે.
આફ્લાટોક્સિનના નિયંત્રણના નિયમો :
આફ્લાટોક્સિસ નામનો એફલાટોક્સીનથી થતો રોગ ખાસ કરીને ચેપગ્રસ્ત ખોરાક ખાવાથી થાય છે. આ પ્રકારનું ચેપનું નિયંત્રણ કરવાની મુખ્ય બે રીતો છે. પ્રથમ તો એસ્પરજિલસ ફુગની વૃધિ અટકાવવી અને ડિટોકસિફિકેશન. સીધી અને સરળ રીત ખાધપદાર્થોમાં ફૂગની વૃધિ અટકાવવી છે જયારે ડિટોકસિફિકેશનની રીતો ખુબ ખર્ચાળ છે.
રોગ આવ્યા પહેલા પગલાં
૧. ખાધપદાર્થો/ ખેત પેદાશોમાં ફૂગની વૃધિ અટકાવવી.
૨. ઉભા પાકમાં ફૂગની વૃધિ ન થાય તે માટે પગલાં ભરવા.
૩. કપણી સમયે ખેત પેદાશોને નુકશાન ન થાય તેનો ખ્યાલ રાખવો.
૪. સંગ્રહ દરમ્યાન ભેજ અને તાપમાનની યોગ્ય જાળવણી કરવી.
૫. કિટકોથી થતું નુકશાન અટકાવવું.
૬. પ્રતિકારક જાતો વાવવી.
Share your comments