પપૈયાના ઉત્પાદન માટે નર્સરીમાં છોડ ઉગાડવો ખૂબ જ જરૂરી છે. આ માટે એક હેક્ટર માટે 500 ગ્રામ બિયારણ પૂરતું છે. બીજ સંપૂર્ણપણે પાકેલા હોવા જોઈએ. ઉપરાંત, બીજ સારી રીતે સૂકવવા જોઈએ. તેને કાચની બરણી અથવા બોટલમાં રાખવી જોઈએ. ખાસ વાત એ છે કે બીજ 6 મહિનાથી વધુ જૂનું ન હોવું જોઈએ. તે જ સમયે, વાવણી પહેલાં એક કિલો બીજને 3 ગ્રામ કેપ્ટાન સાથે માવજત કરવી જોઈએ.
હવે જોઈ લો ધરુ તૈયાર કરવાની આ રીત
પપૈયાનું ધરૂ તૈયાર કરવા માટે ૩.૦ × ૧.ર મીટરના ગાદી કયારા બનાવી દરેક કયારા દીઠ ર૦ થી ર૫ કિલો સારૂ કોહવાયેલુ છાણીયું ખાતર તથા ૫૦૦ ગ્રામ ડાયએમોનિયમ ફોસ્ફેટ ખાતર નાંખી કયારા તૈયાર કરવા. કયારાઓમાં ૧૫ સે.મી.ના અંતરે ર સે.મી. ઉંડી હારો બનાવવી અને દરેક હારમાં પાચ સે.મી.ના અંતરે બીજ વાવી દેવા. બીજ વાવ્યા બાદ માટી અને છાણીયુ ખાતરના મિશ્રણ વડે હાર પુરી દઈને તુરતંજ હળવુ પાણી આપવું. જયારે ધરૂ ૫ થી ૬ ઈંચનું થાય ત્યારે ૮ × ૫ ઈંચની પ્લાસ્ટીકની કોથળીઓમાં ફેરવવું. જમીનમાં બીજ વાવ્યા બાદ ૪૫ થી ૫૦ દિવસે ધરૂ ખેતરમાં રોપવા લાયક બને છે.
કેવી રીતે કરશો રોપણી?
રોપણી માટે જમીન અગાઉથી ખેડી સમતલ કર્યાબાદ ર મીટર × ર મીટરનાં અંતરે ૩૦ સે.મી.× ૩૦ સે.મી.× ૩૦ સે.મી. ના ખાડા તૈયાર કરી ૭ થી ૧૦ દિવસ ખુલ્લા રાખી તેમાંથી નીકળેલ માટી સાથે ૧૦ કિલો છાણિયું ખાતર ભેળવી ખાડા પૂરી દેવા. ધનિષ્ટ વાવેતર માટે ઓછા અંતરે ર×૧.૮ મીટરે અથવા ર.૪×૧.પ મીટરે વાવેતર કરવાથી હેકટરે છોડની સંખ્યા વધારી શકાય. રર સે.મી. ઉંચાઈના વધુ તંતુમૂળવાળા રોપ પસંદ કરવા, રોપણી કરતી વખતે અથવા છોડને વહન કરતી વખતે તેના થડ ઉપર બિલકુલ દબાણ ના આવે તે અંગે ખાસ કાળજી લેવી. નહીતર થડની જે જગ્યાએ દબાણ આવ્યું હશે ત્યાંથી છોડ ભાંગી જશે. જો છોડ કયારામાં ઉછરેલા હોય તો છોડ હાથથી ખેંચીને નહી ઉપાડતા ખૂરપાથી સાવચેતીપૂર્વક ઉપાડવા તેમજ ઉપર ટોચના ર–૩ પાન રહેવા દઈ બાકીના પાનનું ડીટું રહેવા દઈ કાતરથી કાપી નાખવા જેથી છોડમાંથી ભેજ ઉડી જતો અટકાવી શકાય. દૂરનાં અંતરેથી જયારે છોડ લાવવાના થાય ત્યારે પણ આ રીતે કરી શકાય.
ઉત્પાદન
ફેર રોપણી પછી દસ મહિના બાદ ૫પૈયાના ફળ ઉતરવાની શરૂઆત થાય છે. ફળનો રંગ ઘેરા લીલામાંથી બદલાઈને આછો પીળો થાય તેમજ ફળ ઉપર નખ મારવાથી દૂધના બદલે પાણી જેવું પ્રવાહી નીકળે છે ત્યારે ફળ ઉતારવા લાયક ગણાય. સામાન્ય રીતે ૫પૈયાના ફળોનું ઉત્પાદન જમીનની ફળદ્રુપતા, માવજત અને ૫પૈયાની જાત ઉપ્ર આધાર રાખે છે. સારી માવજતવાળો ૫પૈયાનો એક છોડ અંદાજે ૪૦ થી ૫૦ કિલો ફળ આપે છે.
ક્યારે ઉતરશે ફળ?
ફેરરોપણી પછી ૯–૧૦ મહિના પછી પપૈયાના ફળ પાકવાની શરૂઆત થાય છે અને ફળો ઉપર નખ મારવાથી દૂધના બદલે પાણી જેવું પ્રવાહી નીકળે ત્યારે ફળ ઉતારવા માટે યોગ્ય ગણાય છે તેમજ ફળો ઉપર સહેજ પીળો પટ્ટો દેખાવાની શરૂઆત થાય ત્યારે ફળ ઉતારવા. તૈયાર થયેલ ફળોને હાથથી ઉતારવા અને પેકીંગ કરતી વખતે નાના–મોટા નુકસાનવાળા તેમજ રોગિષ્ટ ફળોનું અલગ–અલગ વર્ગીકરણ કરવું. ફળોના પેકિંગ માટે વાંસના ટોપલા, પ્લાસ્ટિક ક્રેટમાં નીચે પરાળ,કાગળ અને પપૈયાના પાન પાથરી તેના પર ચોકકસ સંખ્યામાં ફળ ગોઠવી બજારમાં વેચાણ માટે મોકલવા. લાંબા અંતરે મોકલવા માટે દરેક પપૈયાના ફળને ન્યૂઝપેપરમાં વીટાળી ક્રેટમાં ગોઠવી વહન કરવાથી ફળને ખૂબ જ ઓછું નુકસાન થાય છે.
આટલું ખાસ ધ્યાનમાં રાખજો
- પપૈયાનો મૂળઅને થડનો કહોવારો ધરૂવાડિયામાંથી પણ શરૂ થઈ શકતો હોય અને ભેજના વધુ પડતા પ્રમાણથી રોગની શકયતા વધતી હોય ધરૂવાડિયુ બનાવવા હંમેશા સારા નિતારવાળી, ઉંચી જગ્યાએ ગાદી કયારા બનાવવા જેથી પાણીનો નિતાર અને નિકાલ થઈ શકે.
- ધરૂવાડિયું બનાવવાની જગ્યાએ સુકાયેલા જડીયાં, ઘાસ અને પાન બાળી જમીનનું નિર્જીવીકરણ કરવું જેથી જમીનના ઉપરના ભાગમાં રહેલ રોગપ્રેરક ફૂગનો નાશ કરી શકાય.
- પપૈયાના બીજને થાયરમ દવા ૩ ગ્રામ/કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું. પાછળથી ધરૂમૃત્યુનો રોગ આવે તો ૦.૬ ટકાનું બોર્ડા મિશ્રણનું દ્રાવણ ૩ લી. પ્રતિ ચો.મી.ધરૂવાડિયામાં રેડવું. અથવા કોપર ઓકસીકલોરાઈડ દવા ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૩ લી દ્રાવણ પ્રતિ ચો.મી.ધરૂવાડિયામાં રેડવું.
- વિષાણુ રહિત ધરૂ તૈયાર કરવા માટે ૧૦૦ ચો.મી. વિસ્તારના ધરૂવાડિયામાં ર૦૦ ગ્રામ ફોરેટ ૧૦ જી દાણાદાર દવા નાંખી જમીનમાં ભેળવી દેવી જેથી મોલો અને સફેદમાખીનું નિયંત્રણ થતા તેમના દ્રારા ફેલાતા વિષાણુ જન્ય રોગો મુકત ધરૂ તૈયાર થશે.
- ધરૂવાડિયામાંથી વિષાણુંવાળા છોડને ઉપાડી બાળી નાંખવા. ધરૂવાડિયામાંથી ફેરરોપણી માટે તંદુરસ્ત રોપાઓનો જ ઉપયોગ કરવો.
- ફેરરોપણી બાદ ખેતરમાંથી રોગિષ્ટ અને વિષાણુવાળા છોડ ઉપાડીને બાળી નાંખવા.
આ પણ વાંચોઃમકાઈની ખેતી આરોગ્ય અને આવક માટે ફાયદાકારક છે
Share your comments