આજે અપણે વાત કરીશુ કે ગુવારના પાકમાં ક્યા પ્રકારના રોગ આવે છે અને આ પાકમાં આવતા રોગો પર નિંયત્રણ કેવી રીતે મેળવી શકાય છે તો ચાલો આ વિશે વિગતે ચર્ચા કરીએ.
બેકટેરીયલ બ્લાઈટ:
આ રોગ ઝેન્થોમોનાશ સાયમોફેગસ નામના જીવાણુથી થાય છે. આ રોગમાં શરૂઆતમાં પાન ઉપર પીળાશ પડતી ધારવાળા ભૂખરાથી લાલ રંગના અનિયમિત આકારના ટપકાં જોવા મળે છે. આ ટપકાઓ ભેગા થઈ અનિયમિત આકારના ધાબામાં રૂપાંતર પામે છે. આવા ટપકાં સિંગો ઉપર પણ જોવા મળે છે.
નિયંત્રણના પગલાં:
- રોગ પ્રતિકારક જાતનું વાવેતર કરવું.
- આ રોગના નિયંત્રણ માટે બીજને વાવતાં પહેલા સ્ટ્રેપ્ટોસાઈકલીન (ર.પ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) ના દ્રાવણમાં ૩૦ મીનીટ સુધી માવજત આપીને વાવણી કરવી.
- ઉભા પાકમાં રોગ જણાય તો સ્ટ્રેપ્ટોસાઈકલીન ૧૦૦ પીપીએમ (૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાઈકલીન/૧૦ લિટર પાણીમાં) નું દ્રાવણ છાંટવું. બીજો છંટકાવ ૧પ દિવસ બાદ કરવો.
ભૂકીછારો :
આ રોગ ઓડીયમ નામની ફૂગથી થાય છે. આ રોગની શરૂઆતમાં પાન પર આછા પીળા ધાબા જોવા મળે છે. આવા ધાબા પર સફેદ રાખોડી રંગની ફૂગની વૃધ્ધિ જોવા મળે છે. રોગ વધતા આખા પાન પર સફેદ પાઉડર છાંટયો હોય તેવું જણાય છે જે પછીથી થડ તેમજ છોડના અન્ય ભાગો ઉપર ફેલાય છે. વધુ ઉપદ્રવને કારણે પાન સુકાઇને ખરી પડે છે. અમુક કિસ્સામાં આખો છોડ સુકાઈ જાય છે.
નિયંત્રણના પગલાં :
- આ રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆતના સમયે વેટેબલ સલ્ફર ૦.ર% (રપ ગ્રામ/૧૦ લિટર) અથવા હેકઝાકોનાઝોલ પ એસ.સી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧પ દિવસ પછી બીજો છંટકાવ કરવો.
કાપણી અને સંગ્રહ
ગુવારનો પાક સામાન્ય રીતે ૧૦૦ થી ૧૧૦ દિવસમાં તૈયાર થાય છે. ગુવારની શિંગો સુકાઈને ભૂખરા રંગની થાય ત્યારે કાપણી હાથ ધરવી જોઈએ. ગુવારની કાપણી સવારના સમયે કરવી જોઈએ. બપોર બાદ કાપણી કરવાથી શિંગો ખરવાનું પ્રમાણ વધે છે. કાપણી બાદ ગુવારને ૬ થી ૭ દિવસ ખેતરમાં તપાવવા જરૂરી છે. જેથી થ્રેસીંગની કામગીરી સરળતાથી કરી શકાય. થ્રેસર ધ્વારા થ્રેસીંગ કરવાથી ઓછા સમયમાં ઝડપથી થ્રેસીંગ કરી શકાય છે અને ગોતરની ગુણવત્તા પણ સારી મળે છે.
થ્રેસીંગ બાદ ઉપણી અથવા તો પેટી પંખાથી ગુવાર સાફ કરવા જોઈએ. પેટી પંખાથી ગુવાર સાફ કરવાથી કચરો તેમજ જીણા ચીમળાયેલા દાણા પણ અલગ થઈ જવાથી ગુવારની ગુણવત્તા સુધરે છે અને સારા બજારભાવ મળે છે. ઝીણા અને ચીમળાયેલા દાણા ગુવારની ગુણવત્તાને વિપરીત અસર કરે છે. સામાન્ય રીતે સફેદ દાણાની ગુણવત્તા સારી હોય છે જેથી ફુડ ગ્રેડ ગુવારગમ માટે તેની પસંદગી કરવામાં આવે છે. ગુવાર સાફ કર્યા બાદ કોથળામાં ભરી યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ. ગુવારને સંગ્રહિત જીવાતોથી નુકસાન થતું નથી તેથી નુકસાન વગર ગુવાર લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે.
ગુવારની સંગ્રહશકિત સારી હોવાથી યોગ્ય બજારભાવ મળે ત્યાં સુધી તેનો સલામત રીતે સંગ્રહ પણ કરી શકાય છે.
ઉત્પાદન ક્ષમતા ગુવારનું ઉત્પાદન વરસાદના પ્રમાણ અને વહેંચણી અનુસાર ૧૨૦૦ થી ૧૫૦૦ કિ.ગ્રા/હે સુધી મળે છે. વિવિધ હેતુ માટે વાવવામાં આવતા ગુવારનું સામાન્ય રીતે નીચે જણાવ્યા મુજબ ઉત્પાદન મળે છે.
માહિતી સ્ત્રોત - ડી. હડિયા, આર. વી. હજારી, સી. બી. ડામોર, એચ. આર. અડસૂલ, અને એ. કે. મહિડા કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, ડેરોલ - ૩૮૯ ૩૨૦
Share your comments