આપણા દેશમાં અંદાજીત ૭૦ કરતાં વધુ શાકભાજીના પાકોની ખેતી કરવામાં આવે છે. જેમાંથી આપણા રાજયમાં અંદાજે ૨૦ થી ૨૫ શાકભાજીના પાકોની ખીતી કરવામાં આવે છે. આ સિવાય આપણા રાજયમાં શાકભાજીના નવા પાકો જેવા કે ચેરી ટામેટાં , ઘરકીન, બેબીકોર્ન, સ્વીટકોર્ન, લાલ કોબીજ, ચાઈનીઝ કોબીજ, લીક વગેરેની ખેતી જૂજ ખેડૂતો કરવા લાગ્યા છે.આવા નવા પાકો તેની આબોહવાની અનુકૂળતા પ્રમાણે દેશના જુદા-જુદા ભાગોમાં ઉગાડી પ્રગતિશીલ ખેડૂતોએ ઘણી સારી સફળતા અને નફો મેળવેલ છે. જો કે આ નવા શાકભાજીની મહાનગરો, પાંચતારક હોટલો અને પર્યટન સ્થળોએ સારી એવી માંગ રહે છે.
આબોહવા : પાક્ના સારા વિકાસ તથા દડા બંધાવવા માટે ૧૫૦ થી ૨૫૦ સે.તાપમાન અનુકૂળ છે. જ્યારે ૧૦ સે.થી ઓછું અને ૨૫૦ સે. થી વધારે તાપમાન પાક ઉત્પાદન અને ગુણવત્ત્તા પર માઠી અસર કરે છે.
જાતો : ઓલ ટાઈમ, અર્લી હાઈબ્રિડ, કાસુમી, મીચીચી, ચાઈના ફ્લેશ, નર્વા.
જમીન : કોબીજના દડા ઠંડા અને ભેજ્વાળા હવામાનમાં સારા બંધાય છે. આ પાકને લગભગ બધાજ પ્રકારની જમીન અનુકૂળ આવે છે. હલકી જમીનમાં પાકનો વિકાસ ભારે જમીન કરતાં વધારે સારો થાય છે. પાક્ને અનુકૂળ જમીનનો પી.એચ.૬ થી ૬.૫ છે.
વાવેતર સમય અને બીજનો દર : મોટા ભાગે પાકનો ધરૂ ઉછેર ઓકટોબર - નવેમ્બર માસમાં કરવામાં આવે છે.એક હેક્ટર વિસ્તારના વાવેતર માટે ૪૫૦ થી ૫૦૦ ગ્રામ બીજની જરૂર રહે છે.એક થી દોઢ માસમાં ફેરરોપણી લાયક છોડ તૈયાર થાય છે. જમીનમાં પાણી આપી બે થી ત્રણ ખેડ કરી જમીન તૈયાર કરવી.ફેરરોપણી માટે અંદાજીત ૪ થી ૫ પાન ધરાવતા છોડ ઉત્તમ ગણવામાં આવે છે.જેની ફેરરોપણી ૪૫ સે.મી. X ૩૦ સે.મી. ના અંતરે કરવી. ફેરરોપણી માટે જમીનના પ્રકાર અને ઢાળ તેમજ પિયતની સુવિધાને ધ્યાને રાખી કયારા બનાવવા.રોપણી બાદ પાકને તરત જ પાણી આપવું.
ખાતરો : જમીનની તૈયારી કરતી વખતે ૧૫ થી ૨૦ ટન સારૂ કહોવાયેલું ગળતીયું છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું ત્યાર બાદ ૧૦૦:૬૦:૭૦ કિલો/ના,ફો.પો. તત્વના રૂપમાં પ્રતી હેક્ટરે આપવાં.જેમાં ફોસ્ફરસ અને પોટાશનો તમામ જ્થ્થો અને નાઈટ્રોજનનો અડધો જથ્થો પાયાના ખાતર તરીકે અને બાકીનો નાઈટ્રોજનનો અડધો જ્થ્થો રોપણીના એક માસ પછી પૂર્તિ ખાતર તરીકે આપવો.
પિયત : પાકનો વિકાસ ઝડપી કરવા તેની ગુણવતા વધારવા અને દડાને ફાટી જવાથી બચાવવા નિયત અંતરે હળવાં પિયત આપવાં.પિયત આપતી વખતે પાકના નીચેના પાનને સીધુ પાણી ન અડકે તેમજ પાણી ભરાય નહી તેની કાળજી રાખવી જેથી પાકને ફૂગજન્ય રોગોથી બચાવી શકાય. ઉપરોકત પિયત ફેરરોપણી બાદ તરત અને બાકીનાં પિયત ૧૫ દિવસના અંતરે આપવાં.પાક કાપણી અવસ્થાએ પહોંચે તેના અઠવાડીયા પહેલાં પિયત બંધ કરવું.
આંતરખેડ : શરૂઆતના પાકના વિકાસના તબક્કા દરમ્યાન બે થી ત્રણ વખત કરબડી ચલાવીને પાક્ને નીંદણ મુકત રાખવો. આ ઉપરાંત જરૂરીયાત મુજબ હાથથી નીંદામણ કરવું તથા પાકને માટીના પાળા ચઢાવવા. પાકનો વિકાસ થયા બાદ આંતરખેડ બંધ કરવી.
પાક સંરક્ષણ :
(૧) હીરાફૂદું : આ જીવાતની ઈયળ પાનને કોરી ખાઈને નુકસાન કરે છે.તેના નિયંત્રણ માટે નીચેનાં પગલા લેવાં
(૧) પિંજર પાક (મુખ્ય પાકની ફરતે) તરીકે રાયડો અથવા અસાળીયાનું વાવેતર કરવું
(૨) જીવાતના ઉપદ્રવના શરૂઆતના સમયમાં લીંબોળીની મીંજ ૫૦૦ ગ્રામ અથવા બી.ટી. પાવડર ૧૦ ગ્રામ, ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
(૩) બી.ટી પાવડર ૧ કિલો / હેકટર મુજબ બે છંટકાવ કરવા.પ્રથમ જીવાત દેખાય ત્યારે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસ બાદ કરવો.
(૪) રાસાયણિક નિયંત્રણ કરવા કિવનાલફોસ ૦.૦૫ ટકા (૨૦ મિ.લિ.પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા ઈન્ડોકઝાકાર્બ ૦.૦૧૪૫ % (૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી) મુજબ છંટકવ કરવો.
(૨) મોલો : ઓકટોબરના ચોથા અઠવાડીયા થી નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધીમાં રોપાણ કરવું.
(૧) જીવાતના ઉપદ્રવના શરૂઆતના સમયમાં લીંબોળીના મીંજ ૫૦૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટ્કાવ કરવો.
(૨) રાસાયણિક નિયંત્રણમાં એસીફેટ ૭૫ એસ પી ૧૦ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૩ મિ.લિ.અથવા થાયોમેથોકઝામ ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.
(૩) લીલી ઈયળ : ઓકટોબરના ચોથા થી નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધીમાં રોપણી કરવી
(૧) લીલી ઈયળના ફેરોમેન ટ્રેપ ૪૦ પ્રતિ હેકટરે મૂકવા
(૨) લીલી ઈયળનું એન.પી.વી.૨૫૦ એલ ઈ, હેકટરે ૪૦૦-૫૦૦ લિટર પાણીમાં ભેળવી છાંટવું.
રોગો :
(૧) મૂળનો કોહવારો : મૂળ ઉપર કાળો પાણી પોચો સડો થાય છે,જેના લીધે છોડ સૂકાય જાય છે.જેના નિયંત્રણ માટે રીડોમીલ એમ.ઝેડ્નું ૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ દવા અથવા ૦.૬ ટકા બોર્ડો મિશ્રણ નું ડ્રેન્ચિંગ કરવું.
(૨) તળછારો : પાનની નીચેની સપાટીએ છારો જોવા મળે છે જે પાનની વૃધ્ધિ પર માઠી અસર કરે છે.જેના નિયંત્રણ માટે ફોસેટાઈલ એ.એલ.૧૨.૫ ગ્રામ દવા,૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૦.૬ ટકા બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો.
(૩) જીવાણુંથી થતો સડો (બ્લેક રોટ) :
આ રોગથી ખૂબજ નુકસાન થાય છે.ખાસ કરીને હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય અને ઉષ્ણતામાન ૨૫૦ સે.ની આજુબાજુ હોય ત્યારે આ રોગની તીવ્રતા વધારે જોવા મળે છે.જેના નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયકલીન ૬ ગ્રામ દવા ૧૦૦ લિટર પાણી અને ૬૦ ગ્રામ કોપર ઓકસીકલોરાઈડ મિશ્રણ કરી છંટકાવ કરવો.
કાપણી : દડાનો વિકાસ સંપૂર્ણ થઈ જાય ત્યારે દડા કાપી લેવા.ઘણી વાર સારો ભાવ મેળવવા દડાનો વિકાસ થયા પહેલાં પણ કપણી કરવામાં આવે છે.દડાને ધારદાર ચપ્પુ વડે પાંચથી છ પાના સાથે કાપવો,ત્યારબાદ એકસરખા દડાનું ગ્રેડિંગ કર્યા બાદ બજારમાં વેચવા માટે મોકલવાથી બજારભાવ સારા મળે છે.
ઉત્પાદન : સરેરાશ ઉત્પાદન ૭૦ થી ૮૦ ટન હેકટરે મળે છે જે ઋતુ અને જાતની પસંદગી ઉપર આધારિત હોય છે.જો પાકના વિકાસના અને દડા બંધાવવાની અવસ્થાએ તાપમાન વધી જાય તો ઉત્પાદન પર માઠી અસર થાય છે.
Share your comments