લીલા શાકભાજીમાં તૂરિયા એક મહત્વપૂર્ણ શાકભાજી છે, તે વેલાના પાંદડાવાળા શાકભાજી છે. જેને મોટા ખેતરોમાં તેમજ ઘરના નાના બગીચાઓમાં ઉગાડી શકાય છે. ખેડૂતો ઉનાળા તેમજ ચોમાસા બંને ઋતુમાં તૂરિયાની ખેતી કરે છે. તેને સ્પોન્જ ગાર્ડ, લૂફા સિલિન્ડ્રિકા અને લૂફા એજિપ્ટિકા પણ કહેવામાં આવે છે. તેની ખેતી દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવે છે.
અનુકૂળ આબોહવા
તુરીયાના પાકને ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુકૂળ આવે છે, તેથી આ પાકને ચોમાસુ તેમજ ઉનાળુ એમ બન્ને ૠતુમાં લઈ શકાય છે.
જમીન અને જમીનની તૈયારી
સારી નિતારશક્તિ ધરાવતી ફળદ્રુપ, ગોરાડુ તેમજ મધ્યમ કાળી જમીનમાં તુરીયાનો પાક સારી રીતે લઈ શકાય છે. તુરીયાના પાકની વાવણી કરતાં પહેલાં જમીનની ખેડ કરી તેને સમતલ કરવી જરૂરી છે. જમીનની તૈયારી સમયે 7 થી 8 ટન છાણિયું ખાતર આપવું. ત્યારબાદ 2 મીટર અથવા 1.5 મીટરના અંતરે ચાસ ખોલી તેમાં પાયાના ખાતરો જેવા કે ફોસ્ફરસ અને પોટાશનો સંપૂર્ણ જથ્થો નાખવો જોઈએ.
વાવેતર અને અંતર
તુરીયાના પાકની ચોમાસામાં જૂન-જુલાઈ અને ઉનાળામાં ફેબ્રુઆરી માર્ચ મહિનામાં વાવણી કરવામાં આવે છે. જમીનની ફ્ળદ્રુપતા મુજબ બે હાર વચ્ચે 2 મીટર અથવા 1.5 મીટરના અંતરે ચાસ ખોલી બે છોડ વચ્ચે 1 મીટરનુ અંતર રાખી થાણા દીઠ 2 થી 3 બીજની વાવણી કરવી જોઈએ. તુરીયાના ખેતીમાં હેક્ટર દીઠ 2 થી 3 કિલોગ્રામ બીજની જરૂરિયાત પડે છે. ઉનાળુ ૠતુમાં તુરીયાના પાકની વાવણી બાદ હળવું પિયત આપવું જરૂરી છે.
ખાતર વ્યવસ્થાપન
તુરીયાની ખેતીમાં જમીન તૈયાર કરતી વખતે સેન્દ્રિય ખાતર 7 થી 8 ટન છાણિયું ખાતર પ્રતિ હેક્ટર આપવું જરૂરી છે. રાસાયણિક ખાતરમાં 25 કિલો નાઈટ્રોજન 25 કિલો ફોસ્ફરસ અને 25 કિલો પોટાશ ચાસ ખોલીને પાયાના ખાતર તરીકે આપવું અને વાવણી બાદ 30 થી 35 દિવસે પૂર્તિ ખાતર તરીકે હેક્ટરે 25 કિલો નાઈટ્રોજન આપવો.
આ પણ વાંચો : PMJJBY : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લેવો છે સરળ, આજે જ મેળવો લાભ
પિયત વ્યવસ્થાપન
ઉનાળુ ૠતુમાં વાવેતર પહેલા એક હળવું પિયત આપીને તેની વાવણી કરવી જોઈએ. વાવણી બાદ જ્યારે બીજના ઉગવાની શરૂઆત થાય ત્યારે હળવું પિયત પાકની જરૂરિયાત મુજબ આપવું. સામાન્ય રીતે ઉનાળામાં ચારથી પાંચ દિવસના અંતરે પિયત આપવું જોઈએ અને ચોમાસામાં જો વરસાદ ખેંચાય તો પાણી આપવું જરૂરી છે.
આંતરખેડ અને નિંદામણ વ્યવસ્થાપન
તુરીયાની ખેતીમાં પાકની શરૂઆતની અવસ્થામાં બે થી ત્રણ વખત આંતર ખેડ કરવી, જ્યારે વેલાની લંબાઈ વધવા લાગે ત્યારે આંતર ખેડ બંધ કરવી. જરૂરિયાત મુજબ 3 થી 4 વખત નિંદામણ કરી ખેતર ચોખ્ખું રાખવું.
આ પણ વાંચો : Moong Cultivation : આ રીતે કરો મગની ખેતી મળશે બમ્પર ઉત્પાદન
તુરીયાની ખેતીમાં મંડપ પદ્ધતિ
તુરીયાની ખેતીમાં મંડપ પદ્ધતિ બનાવી રેલીંગ કરી લઈ શકાય છે. આ માટે વાવેતર બાદ 20 થી 25 દિવસે લાકડાના થાંભલાઓનો મંડપ બનાવી કાથી ઉપર વેલાઓને ચઢાવવાથી વેલાની વૃદ્ધિ સારી થાય છે. વેલાની વૃદ્ધિ માટે પૂરતી જગ્યા તેમજ પ્રકાશ મળી રહે છે તેમજ ફળની લંબાઈ પણ વધે છે. આ ઉપરાંત ફળ જમીનને અડતા ન હોવાથી ફૂગથી નુકસાન થતું નથી. ગુણવત્તા સારી મળે છે અને વીણીમાં પણ સરળતા રહે છે.
તુરીયાની ખેતીમાં વીણી યોગ્ય સમય
તુરીયાની પ્રથમ વીણી વાવેતર બાદ 50 થી 55 દિવસે આવે છે અને દોઢ થી બે માસ સુધી વીણીઓ ચાલુ રહે છે. સારા અને કુમળા ફળો ઉતારી ગ્રેડીંગ કરી બજારમાં મોકલવાથી સારો ભાવ મળે છે.
તુરીયાની ખેતીમાં સરેરાશ ઉત્પાદન
તુરીયાની ખેતીમાં સરેરાશ ઉત્પાદન 9 થી 10 હજાર કિલો પ્રતિ હેક્ટર દીઠ મળે છે.
આ પણ વાંચો : વિવિધ પાકના ઉત્પાદનમાં બીજની પસંદગીનું શું મહત્વ છે તે જાણો
આ પણ વાંચો : મિશ્ર ખેતી અને બહુવિધ ખેતી વચ્ચેનું અંતર જાણો
Share your comments