પાક ઉત્પાદન ઉપર વિપરિત અસર કરતા વિવિધ પરિબળો પૈકી જીવાત એક મહત્વનું જૈવિક અંગ છે. તેમણે અંકુશમાં રાખવા માટે જૈવિક, કર્ષણ, ભૌતિક, યાંત્રિક, રાસાયણિક વગેરે પધ્ધતિઓ ઉપલબ્ધ છે. આવી અલગ અલગ પધ્ધતિઓમાં આપણા ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ખેતી પાકોનું વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતો રસાયણિક કીટનાશકો ઉપર વધુ આધાર રાખતા હોય છે. તેમ થતાં તેમના નિયંત્રણ માટે આજે રાસાયણિક કીટનાશકોની વિશાળ શ્રેણી બજારમાં ઉપલબ્ધ થયેલ છે. પરંતુ જો એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે છે. જેમાં જીવાતને મારવા માટે અલગ પ્રકારના ગુણધર્મ રહેલ હોય છે. તાજેતરમાં આવી જ એક કીટનાશક ક્રોમાફેનોઝાઇડ બજારમાં ઉપલબ્ધ થયેલ છે. જે જુના કીટનાશક (બુપ્રોફેઝીન, ડાયફેનથ્યુરોન, ડાયફ્લૂબેનઝ્યુરોન) જુથની જ છે પરંતુ રાસાયણિક બંધારણ (C24H30N2O3)ની સરખામણીમાં તફાવત હોઈ પ્રમાણમાં ખૂબ જ ઓછી માત્રામાં વધુ અસર ધરાવે છે.
ક્રોમાફેનોઝાઇડ (Chromafenozide) કીટનાશક નીપ્પોન કાયકુ અને સાંક્યો નામની કંપનીના સંયોજીત સંશોધન અભ્યાસ દ્વારા સને ૧૯૯૯માં જાપાનમાં તૈયાર કરવામાં આવેલ છે. શરૂઆતમાં આ કીટનાશક જાપાન, અમેરીકા, બેલ્જીયમ, થાઈલેન્ડ, ઇન્ડોનેશીયા અને બીજા કેટલાંક વિકસિત દેશોમાં મેટ્રીક-એફ.એલ. નામે ૫% ફ્લોએબલ, મેટ્રીક-ડી.એલ. નામે ૦.૩% ભૂકી, વર્ચ્યુ નામે ૫% એસ.સી. અને સી.એમ.-૦૦૧ નામે ૫% એસ.સી. સ્વરૂપે ઉપલબ્ધ હતી. આ કીટનાશક જાપાનમાં રોમપક્ષ (લેપીડોપ્ટેરા)ના નિયંત્રણ માટે ૫-૨૦૦ ગ્રા. સ.ત. પ્રતિ હેક્ટરમાં છંટકાવ કરવાથી સારા પરીણામો મળેલ છે. આ કીટનાશકનો લાભ આપણા ભારતના ખેડૂતોને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ દ્રારા “ડોજરના” નામે ૮૦ ટકા વે.પા. સ્વરૂપે ઉપલબ્ધ બની છે.
આ કીટનાશક રસાયણ ડાયએસાઈલહાયડ્રેઝાઇન (Diacylhydrazine) જુથનું છે. ચીલાચાલું કીટનશકો (ઓર્ગેનોફોસ્ફેટ, કાર્બામેટ અને સિન્થેટીક પાયરેથ્રોઈડ) કરતા ક્રોમાફેનોઝાઇડની જીવાત મારવાની રીતે અલગ પ્રકારની છે. ક્રોમાફેનોઝાઇડ એ એકડાયઝોન નોન-સ્ટીરોઈડ “પોનાસ્ટેરોન-એ” એગોનિષ્ટમાં સમાવેશ થાય છે. તે એક પ્રકારનુ જીવાતના વિકાસ સામે પ્રતીરોધક કીટનાશાક છે. આ કીટનાશક પાકમાં આવતી જીવાતો માટે એક નવા પ્રકારની કાર્યશૈલી ધરાવતુ જીવાતની વૃદ્ધિ રોકથામ તત્વ છે જે ઇયળના અંતસ્ત્રાવોનું સંતુલન ખોરવી નિર્મોચન, પ્રજનન તેમજ વિકાસ અટકાવે છે. આમ થતા જીવાતોનું આગળની અવસ્થામાં રૂપાંતર થતુ અટકે છે અથવા વિકૃત સ્વરૂપમાં રૂપાંતર થાય છે.
ક્રોમાફેનોઝાઇડ સ્પર્શદ્ન પ્રકારની કીટનાશક છે જે સરળતાથી રોમપક્ષ શ્રેણીની જીવાતો સામે અસરકારક જોવા મળે છે. આ કીટનાશકનો ડાંગર, કપાસ, સફરજન, સુશોભન ફૂલ-છોડ અને ચા જેવા મહત્વના પાકોમાં આવતી જીવાતો જેવી કે તીડ, ગાભમારાની ઈયળ, પાનવાળનાર ઈયળ, ડાંગરનો દરજી, લશ્કરી ઇયળ, પાનખાનાર ઈયળ, થડ કાપી ખાનાર ઈયળ વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ભારત દેશમાં આ કીટનાશક ડાંગરના પાકમાં ૭૫-૧૦૦ ગ્રામ સ.ત./હે. એટલે કે બજારમાં મળતી આ કીટનાશક ૨ થી ૨.૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી ગાભમારાની ઈયળ તથા પાનવાળનાર ઈયળ સામે સારું નિયંત્રણ મેળવી શકાય છે. વધુમાં આ કીટનાશક બજારમાં ૫૦ ગ્રામ ના પેકીંગમાં ઉપલબ્ધ છે.
ડાંગર જેવા પાકમાં આ કીટનાશકનાં છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચે ૩૨ દિવસનો સમયગાળો જાળવવો જેથી તેમાંથી બનતી ચીજવસ્તુઓમાં આ કીટનાશકના કોઈ અવશેષો આવવાનો ભય રહે નહીં અને મનુષ્ય અને પ્રાણીઓનું સ્વાસ્થય જળવાય રહે. આ કીટનાશક સસ્તન પ્રાણીઓ અને મધમાખી માટે પ્રમાણમાં ઓછી ઝેરી જણાયેલ છે. આ કીટનાશકનો ભલામણ મુજબ જે તે પાકમાં ઉપયોગ કરવો જોઈએ અને દવાના પેકીંગ પરની સૂચનાઓનું ચોકસાઈ પૂર્વક ખાસ પાલન કરવુ જોઈએ. જેથી કરીને આ કીટનાશકનો આપણે ખૂબ જ લાંબા સમય માટે ઉપયોગ કરી શકીએ.
સૌજન્ય:
સાવન જી. દેસાઈ, દિવ્યેશ અકબરી અને જીગર એસ. દેસાઈ
વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ
કીટકશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી
Share your comments