ગુજરાત રાજ્ય શાકભાજીની ખેતીનું આગવું સ્થાન છે. તેમાં મુખ્યત્વે મરચી, ટામેટાં, અને રીંગણ ખૂબ જ અગત્યના શાકભાજી પાકો છે. તેમાં વિટામીન્સ, મિનરલ્સ અને સૂક્ષ્મ તત્વો પુષ્કળ પ્રમાણમાં હોવાથી ખોરાકમાં પણ તેમનું આગવું મહત્વ છે. દિન પ્રતિદીન આ શાકભાજી પાકોની વધતી જતી માંગને પહોંચી વળવા આ પાકોનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવાની ખૂબ જ જરૂરિયાત છે પરંતુ તેમાં વિવિધ પ્રકારની ફૂગ, જીવાણું અને વિષાણુથી થતાં જુદા જુદા રોગોને કારણે દર વર્ષે ખેડૂતોને શાકભાજી ઉત્પાદનમાં માઠી અસર પડે છે.
મરચીમાં મુખ્યત્વે ધરૂનો કોહવારો, કોકડવા અને કાલવ્રણ જેવા અગત્યના રોગો જોવા મળે છે જેનુ જો સમયસર સંકલિત વ્યવસ્થાપન કરવામા ન આવે તો ઉત્પાદનમા મહદ્અંશે ઘટાડો જોવા મળે છે.
ધરુનો કોહવારો (ડેમ્પીંગ ઓફ):
આ રોગ પીથિયમ નામની જમીનજન્ય ફૂગથી થાય છે. મરચી, ટામેટાં અને રીંગણના ધરૂવાડિયામાં બીજના અંકુરણ સમયે અને અંકુરણ થયા પછી એમ બે અવસ્થામાં આ રોગ જોવા મળે છે. આ રોગકારક ફૂગને વધારે ભેજવાળું વાતાવરણ, સતત વરસતો વરસાદ, ધરૂવાળીયાની જમીનમાં ભરાઈ રહેતું પાણી, ઓછી નિતારશક્તિ ધરાવતી જમીન, વધુ પડતુ નીંદામણ અને ઓછી જગ્યામાં ઊગી નીકળેલા વધુ પડતા ધરુ જેવી પરિસ્થિતીઓ વધુ માફક આવે છે. આવા સમયે બીજ જમીનમાંથી અંકુરણ થતાં પહેલા સડી અને કોહવાઈ જાય છે, પરિણામે અંકુરણ જમીનની બહાર નીકળી શકતું નથી અને જો અમુક વાર બીજ ઊગી નીકળે તો તેના થડના જમીન પાસેના ભાગ પર બદામી, પાણીપોચા ડાઘા દેખાય છે અને ત્યાંથી છોડ નમી પડે છે, અંતે છોડની પેશીઓ કોહવાઈને છોડ ચીમળાઈ જાય છે.
સંકલિત વ્યવસ્થાપન:
- ધરૂવાડિયા માટેની જમીન દર વર્ષે બદલવી.
- ધરૂવાડિયા માટે સારા નિતારવાળી જમીન પસંદ કરવી.
- ધરૂવાડિયા માટે પસંદ કરેલ જમીનમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી સૂર્યપ્રકાશના સીધા તાપને લીધે રોગકારક ફૂગના બીજાણુઓનો નાશ થાય.
- ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં ‘સોઇલ સોલરાઈજેશન’ કરવું, આ પદ્ધત્તિમાં એપ્રિલ-મે માસમાં જ્યારે સૂર્યપ્રકાશનો તાપ વધુ હોય ત્યારે ધરૂવાડિયાની જમીનમાં હળવું પિયત આપવું, વરાપ થયે જમીનને ખેડી ત્યારબાદ ધરૂવાડિયાની જમીન પર પારદર્શક ૧૦૦ એલ.એલ.ડી.પી.ઈ (૨૫ માઈક્રૉન) પ્લાસ્ટિક પાથરી પ્લાસ્ટિકની ચારે બાજુના છેડા જમીનમાં દાબી દેવા. આ રીતે ૧૫ દિવસ સુધી પ્લાસ્ટિક પાથરી રાખવાથી સૂર્યના સીધા તાપને લીધે પ્લાસ્ટિકની નીચે જમીનનું તાપમાન વધવાથી જમીનમાં રહેલા જમીનજન્ય રોગકારક ફૂગ, જીવાણુ, કૃમિ અને વિવિધ પ્રકારના નીંદણના બીજાણુઓનો નાશ કરી અસરકારક વ્યવસ્થાપન કરી શકાય છે.
- જમીન તૈયાર કરતી વખતે ટ્રાઇકોડર્મા હર્ઝિઅનમ (૨.૫ કિ.ગ્રા.) ને ૧૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતર સાથે સારી રીતે ભેળવી જમીનમા આપવું.
- બીજને વાવતા પહેલા ટ્રાઇકોડર્મા વીરીડી ૧% વે.પા. નામક ફૂગ આધારીત દવા અથવા સ્યુડોમોનાસ ફ્લુઓરેસેંસ ૧% વે.પા. નામક જીવાણુ આધારિત દવાનો ૫-૧૦ ગ્રામ પ્રતિ એક કિ.ગ્રા. બીયારણ મુજબ પટ આપવાથી છોડને રક્ષણ મળે છે.
- બીજને વાવતા પેહલા ફૂગનાશક મેટાલેક્સીલ એમ. ૩૧.૮ ઈ.એસ. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા. દવાનો ૨ ગ્રામ પ્રતિ એક કી.ગ્રા. બીજ અથવા કેપ્ટાન ૭૫ ડબલ્યુ. એસ. ૨૦-૩૦ ગ્રામ પ્રતિ એક કી.ગ્રા. બીજ મુજબ પટ આપવો.
કોકડવા (લીફ કર્લ):
આ એક વિષાણુથી થતો વિનાશક રોગ છે.આ રોગના લીધે ઘણીવાર સત પ્રતિશત ફળ ઉપજમા નુકશાન જોવા મળે છે. આ રોગનો ફેલાવો સફેદમાખી નામની ચુસિયા જીવાત દ્વારા થાય છે. રોગિષ્ટ છોડના પાન કોકડાઇને અંદરની તરફ નાની કરચલીઓ સાથે વળી જાય છે, પાનની નસો ફૂલીને જાડી થઈ જાય છે, છોડની બે ગાંઠો વચ્ચેનુ અંતર ઓછુ થઈ જાય છે પરિણામે છોડનું કદ નાનું રહે છે. આવા છોડ પર મરચા ઓછા બેસે અથવા બેસતા નથી. આ વિષાણુના યજમાન પાકો ટામેટા અને પપૈયા છે.
સંકલિત વ્યવસ્થાપન :
- કોકડવાનો ફેલાવો સફેદમાખી દ્વારા થતો હોવાથી તેનાં વ્યવસ્થાપન માટે ધરૂવાડિયાને બીજ વાવ્યાં બાદ ૩૦ દિવસ સુધી ૪૦ મેશની નાયલોનની જાળીમા રાખવા.
- જો કોકડવા ગ્રસ્ત પાન દેખાવાની શરૂઆત થાય તો તેવા છોડને ઉપાડી ખેતરની બહાર બાળીને નાશ કરવો જેથી વિષાણુ ન ફેલાય.
- છોડ પર સફેદ માખી દેખાવાની શરૂઆત થયે લીમડા આધારિત એઝાડીરેક્ટીન ૫% દવાનો ૫ મિ.લી. અથવાવર્ટીસીલીયમ લેકાની (૧ X ૧૦૮ સી.એફ.યુ./મિ.લી) ૧.૫૦% નામક ફૂગ આધારીત દવા ૩૦ મિ.લી. પ્રતિ ૧૦ લિટર મુજબ છંટકાવ કરવો.
- કોકડવાની શરૂઆત થાય ત્યારે ડાયમેથોએટ ૩૦ ઈ.સી. ૧૦ મિલી અથવા ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુ.એસ. ૭ મિ.લી. અથવા સાયાંટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓ.ડી. ૧૦ થી ૧૨ ગ્રામ (*૦૩ દિવસ પ્રતિક્ષા સમય) અથવા ડાયફેંથ્યુરોન ૫૦ વે.પા. ૮-૧૦ ગ્રામ (*૦૩-૦૫ દિવસ પ્રતિક્ષા સમય) અથવા થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુ.જી. ૩ થી ૪ ગ્રામ (*૦૩-૦૫ દિવસ પ્રતિક્ષા સમય) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી સારું વ્યવસ્થાપન કરી શકાય છે.
કાલવ્રર્ણ અને પરિપક્વ ફળનો સડો (ડાય બેક, એન્થ્રેક્નોઝ અને ફ્રુટ રોટ):
આ એક પ્રકારની ફૂગથી થતો રોગ છે અને છોડના દરેક ભાગ પર જોવા મળે છે. જેમા રોગની શરૂઆતમાં પાણી પોચા બદામી રંગના અને સમય જતાં રાખોડી સફેદ પડતાં ધાબા જોવા મળે છે, જેમાં કાળા રંગના નાના ઉપસેલા ટપકા જોવા મળે છે. ડાળીઓની ટોચ પરથી પાના સુકાતા જાય છે અને અંતે ડાળી પણ સુકાવા લાગે છે.રોગીસ્ટ અને તંદુરસ્ત ભાગ અલગ પડી આવે છે. ધીમે ધીમે આખો છોડ સુકાઈ જાય છે.
સામાન્ય રીતે આ રોગકારક ફૂગને વરસાદી વાતાવરણમા ભીંજાયેલ પર્ણ, ભેજવાળુ વાતાવરણ અને ૨૭º સે. આસપાસનુ તાપમાન વધુ માફક આવે છે. ફળ ઉપર રોગના ચિહ્નનો જ્યારે મરચા લાલ થવા લાગે ત્યારે જોવા મળે છે. આ ટપકાઓ ધીમે ધીમે કેન્દ્રીત વલય આકારના થતાં જોવા મળે છે, જેનો રંગ આછો કાળો હોય છે અને તેની ફરતે કાળી ધાર થયેલી જોવા મળે છે. ઘણી વાર આવા ફળ ખરી પડે છે. આ રોગના બીજાણુ બીજમા અથવા જમીનમા સુષુપ્તઅવસ્થામા પડી રહે છે અને આગામી ઋતુમા રોગના પ્રાથમિક ઘટક તરીકે કામ કરે છે.
સંકલિત વ્યવસ્થાપન :
- આ રોગનો ફેલાવો મુખ્યત્વે બીજ દ્વારા થતો હોવાથી એક કી.ગ્રા. મરચીના બીજ દીઠ 0૨ થી 0૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાનનો પટ આપીને ધરું ઉછેરવું.
- પાકની ફેરબદલી બાદ રોગની શરૂઆત થયે માય્ક્લોબુટાનીલ ૧૦ વે.પા.૪ ગ્રામ (*૦૩ દિવસ પ્રતિક્ષા સમય) અથવા એઝોક્સીસ્ટ્રોબીન ૧૧% + ટેબુકોનાઝોલ ૧૮.૩% એસ.સી. ૦૮-૧૦ ગ્રામ (*૦૫ દિવસ પ્રતિક્ષા સમય) દવા પ્રતિ ૧૦ લિટર પાણી મુજબ છંટકાવ કરવાથી ફાયદો થાય છે.
(નોંધ: *કૌંસમા દર્શાવેલ દિવસો સી.આઇ.બી. અને આર.સી. મુજબ જે-તે દવાના છંટકાવ અને ફળ ઉતાર વચ્ચેનો સમયગાળો (પ્રતિક્ષા સમય) દર્શાવે છે જેનુ પાલન કરવુ ખૂબ જ જરૂરી છે.)
સૌજન્ય:
શ્રી બિ. કે. પ્રજાપતિ, ડૉ. એન. પી. પઠાણ, પી. એમ. પટેલ અને બી. એચ. નંદાણીયા
પાક સંરક્ષણ વિભાગ, બાગાયત મહાવિધાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ-૩૮૪૪૬૦
(મો.) ૭૯૯૦૨ ૮૮૯૫૦
Share your comments