બ્રોકોલી એ કોબીજ અને ફુલાવરની જેમ જ શિયાળામાં ઉગતો એક અગત્યનો પાક છે. બ્રોકોલીની ખેતી સદીઓથી દુનિયાના મેડીટેરીઅન વિસ્તારોમાં થતી હતી અને ત્યાંથી જ ભારત અને દુનિયાના બીજા દેશોમાં ફેલાવાની શરુઆત થઇ. બ્રોકોલી એ કોબીજ કુળની જ વનસ્પતિ છે. ભારતમાં સમશિતોષ્ણ અને ઠંડા વિસ્તારોમાં મુખ્યત્વે તેની ખેતી કરવામાં આવે છે. તાજેતરની માહિતી પ્રમાણે દુનિયામાં દર વષૅ૨૬૦ લાખ ટન જેટલુ બ્રોકોલીનું ઉત્પાદન થાય છે. જેમાંથી ૭૩ ટકા જેટલુ ઉત્પાદન તો ભારત અને ચીનમાંથી જ થાય છે. ભારત બ્રોકોલીના ઉત્પાદનમાં દુનિયામાં ચીન પછી બીજા નંબરે છે. બ્રોકોલી શિયાળાની ઋતુમાં ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સરળતાથી ઉગી શકે છે અને કોબીજ અને ફુલાવર જેવા પાકો કરતા વધારે બજાર ભાવ આપે છે. આમછતા હજુ દેશના કેટલાક વિસ્તારોમાં બ્રોકોલીની ખેતી માટે ખેડુતો પુરતા જાગ્રુત નથી.
ઉપયોગ
બ્રોકોલી એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાંવિટામિન એ અને વિટામીન બી સારા પ્રમાણમાં હોય છે. ફુલાવરની જેમ તેમાં પણ નાના ટોચના ફુલોનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. ભારતમાં મુખ્યત્વે તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત તેને ઓછા તાપમાને લાંબા સમય સુધી સંગ્રહ કરી વિવિધ પદાર્થ બનાવી તેનો બજારભાવ વધારી શકાય છે. આથી બ્રોકોલી એ શિયાળામાં સારુ ઉત્પાદન આપતો અને સારો બજારભાવ મેળવી આપતો પાક છે.
આબોહવા :-
બ્રોકોલી ઠંડા પ્રદેશમા થતો પાક છે. તેના બીજના અંકુરણ માટે ૧૨ થી ૧૬ સેલ્સિયસ તાપમાન યોગ્ય છે. ૧૬ થી ૨૦ સેલ્સિયસ તાપમાને તેનો વિકાસ સૌથી સારો થાય છે. બ્રોકોલી ધુમ્મસમાં પણ સારી રીતે ઉગી શકે છે. પરંતુબરફ પડવાથી બ્રોકોલીના પાકને નુકશાન થાય છે. ગરમ આબોહવાને કારણે તેના પાન નાના અને પાતળા પડી જાય છે.
જમીન
કોબીજ કુળના તમામ પાકોમા બ્રોકોલી સરળતાથી ઉગે છે. બ્રોકોલી સામાન્ય રીતે દરેક પ્રકારની જમીનમા ઉગે છે પણ સારી નિતારવાળી, સારી ભેજધારણશક્તિ ધરાવતી અને વધુ પ્રમાણમા કાર્બનિક પદાર્થ ધરાવતી હોય તેવી જમીન તેને વધારે અનુકુળ હોય છે. તેને ૫.૫ થી ૬.૫ પીએચ વાળી જમીન વધારે માફક આવે છે.
જાતો :-
બ્રોકોલીમા સારા પ્રમાણમા જાતો જોવા મળે છે. તેની પ્રચલિત જાતોમા પાલમ સમ્રિદ્ધિ, પાલમ હરિતિકા, પાલમ કંચન, પાલમ વિચિત્રાઅને પંજાબ બ્રોકોલી ૧ એ વધૂ ઉત્પાદન આપતી તેની મુખ્ય જાતો છે.
સવંર્ધન:-
બ્રોકોલીનુ સવંર્ધન બીજથી થાય છે.
ધરુ ઉછેર
બ્રોકોલીમા ધરુની ફેરરોપણી એ સામાન્ય છે.સૌથી પહેલા બીજને નર્સરીમા વાવવામા આવે છે.બીજ ની વાવણી બાદ તેના પર મલ્ચિંગ કરવામા આવે છે.ત્યારબાદ તેમા ૨ થી ૩ કિલો પ્રતિ ચોરસ મીટરના દરથી છાણીયુ ખાતર નાખવામા આવે છે. ધરુમા બે છોડ વચ્ચેનુ અંતર ૧૦ સેમી જેટલુ રાખવામા આવે છે. ત્યારબાદ તેને જરુરિયાત પ્રમાણે પાણી આપવામા આવે છે અને તેની ફરતે સુકા ઘાસથી તેને ઢાંકવામા આવે છે. ૪ થી ૬ અઠવાડિયા બાદ તેની ખેતરમા રોપણી કરવામા આવે છે.
રોપણીનુ અંતર અને પધ્ધતિ
બ્રોકોલીમા એક હેક્ટર માટે ૩૦૦ થી ૪૦૦ ગ્રામ બીજ પર્યાપ્ત છે.બ્ર્રોકોલીમાં રોપણી સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના અંતે અથવા ઓક્ટોબર મહિનાની શરુઆતમાં કરવામા આવે છે. બે છોડ વચ્ચેનુ અંતર ૪૫ સેમી તેમજ કેટ્લાક વિસ્તારમા ૬૦ સેમી જેટ્લુ રાખવામા આવે છે. ધરુની ફેરરોપણી બીજ વાવવાના ત્રણથી ચાર મહિના પછી ખેતરમાં કરવામાં આવે છે.તેનો સમય સામાન્ય રીતે આબોહવા પર આધાર રાખે છે.
પિયત:-
કોબીજ કુળના અન્ય પાક કરતા બ્રોકોલીને વધારે પાણીની જરુરિયાત છે.બિજને અંકુરણ સમયે વધારે પાણીની જરુર હોય છે તેથી રોપણી બાદ તરત જ તેને પાણી આપવામા આવે છે. ધરુની ફેરરોપણી બાદ તેને ૧૦ થી ૧૫ દિવસના સમયગાળે પિયત આપવામા આવે છે.છોડની પાણીની જરુરિયાત જમીનના પ્રકાર તેમજ તેની ભેજગ્રહણ શક્તિ પર આધાર રાખે છે. અનિયમિત ભેજના કારણે તેનો વિકાસ અવરોધાય છે.
ખાતર વ્યવસ્થાપન:-
ખાતરની ભલામણ જમીનની ફળધ્રુપતાને આધારે કરવામા આવે છે. બ્રોકોલીની ખેતીમા ૧૦૦ થી ૧૨૫ કિલો નાઈટ્રોજન, ૬૦ થી ૮૦ કિલો ફોસ્ફરસ અને ૨૫ થી ૫૦ કિલો પોટાશ પ્રતિ હેક્ટર ની ભલામણ કરવામા આવી છે.તેમજ નાઇટ્રોજનનો અડધો જથ્થો શરુઆતમા અને અડધો જથ્થો પાછળથી આપવામા આવે છે.. આ ઉપરાંત તેને મોલિબ્ડેનમ અને બોરોનયુક્ત ખાતર પણ આપવામા આવે છે.
કાપણી
બ્રોકોલીની વહેલી ઉગતી જાતો ધરુની ફેરરોપણી બાદ ૫૦ થી ૬૦ દિવસે તૈયાર થાય છે મોડી ઉગતી જાતો ફેરરોપણી બાદ ૧૦૦ થી વધારે દિવસ પછી તૈયાર થાય છે.
ઉત્પાદન
બ્રોકોલી ૫૦ થી ૧૫૦ ક્વિંટ્લ પ્રતિ હેક્ટર જેટ્લુ ઉત્પાદન તેની જાતોને આધારે આપે છે.
Share your comments