નાના પર્ણ / લઘુપર્ણનો રોગ (લીટલ લીફ ઓફ બ્રીંજલ):
ફાયટોપ્લાઝમા નામના સૂક્ષ્મ જીવાણુથી થતો આ રોગ રીંગણના ઉત્પાદનમા માઠી અસર પહોંચાડે છે. આ રોગ તડતડીયા નામક ચુસિયા જીવાતથી ફેલાય છે. આ રોગની શરૂઆતમાં પર્ણ નાના કદના, નરમ, મુલાયમ અને પીળાશ પડતા હોય છે. છોડમા બે ગાંઠો વચ્ચેનું અંતર ઓછું થતુ જાય છે પરિણામે છોડની વૃદ્ધિ થતી નથી અને છોડ નાનો રહે છે. જો આ રોગ છોડની ફૂલ આવવાની અવસ્થા પહેલા આવે તો પર્ણ ગુચ્છા સ્વરૂપે દેખાય છે અને છોડ પર એકપણ ફૂલ બેસતું નથી.
સંકલિત વ્યવસ્થાપન :
- ખેતરમાં રોગીષ્ટ છોડ દેખાય તો તરત જ તેનો ઉખાડીને ખેતરની બહાર નાશ કરવો જેથી ફેલાવો થતો અટકે.
- ખેતરમા તડતડીયા દેખાવવાની શરૂઆત થાય ત્યારે સાયપરમેથ્રીન ૨૫ ઇ.સી. ૩ થી ૪ મિ.લી દવા (*૦૧ દિવસ પ્રતિક્ષા સમય) અથવા ડાયમેથોએટ ૩૦ ઇ.સી. ૧૫ થી ૨૦ મિ.લી. દવા પ્રતિ ૧૦ લિટર પાણી મુજબ છંટકાવ કરવો.
પાનના ટપકાંનો રોગ:
રીંગણમાં પાનના ટપકાનો રોગ બે પ્રકારની ફૂગથી થાય છે. સર્કોસ્પોરા નામક ફૂગથી થતાં ટપકાના રોગની શરૂઆત નીચેના પાન પર સૌપ્રથમ જોવા મળે છે અને જો આ સમયે તેનુ યોગ્ય વ્યવસ્થાપન કરવામા ન આવે તો તે ઉપરના પર્ણ અને ડાળી સુધી ફેલાય છે. આ રોગમાં પાન પર ખૂણાવાળા અનિયમિત આકારના ભૂખરા ટપકા પડે છે અને સમય જતાં આ ટપકા ભેગા મળી પાનનો મોટાભાગનો હિસ્સો આવરી લે છે અને આવાપાન ખરી પડે છે પરિણામે પ્રકાશસંસ્લેષણની પ્રક્રિયામા ખલેલ પહોંચવાથી આ રોગની માઠી અસર ફળ ઉત્પાદન પર પડે છે. સર્કોસ્પોરા નામક ફૂગ જમીનમા પડેલ પર્ણના કચરામા એક વર્ષ સુધી જીવીત રહી શકે છે. આ ફૂગને રોગ કરવા માટે હવામાનમાં વધારે પડતો ભેજ અને પર્ણની ભીનાશ જેવી પરિસ્થિતીઓ માફક આવે છે. ઓલ્ટર્નેરીયા નામક ફૂગથી થતા ટપકાના રોગને કારણે પાન પર એકાંતરે વર્તુળાકાર ડાઘા પડે છે અને પીળા પડી ખરી પડે છે.
સંકલિત વ્યવસ્થાપન :
- બીજને વાવતા પહેલા કેપ્ટાન કે થાયરમ નામની ફૂગનાશક દવા ૩ થી ૪ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ મુજબ માવજત આપવી.
- જો પાકમાં આવા ટપકાની શરૂઆત જોવા મળે તો કાર્બેંડાઝીમ ૫૦ વે.પા. ૫ ગ્રામ દવા પ્રતિ ૧૦ લિટર પાણી મુજબ છંટકાવ કરવો.
પાન તથા ડાળીનો સુકારો અને ફળનો કોહવારો(ફોમોપ્સીસ બ્લાઇટ ઓફ બ્રીંજલ):
આ રોગ ફોમોપ્સીસ નામની ફૂગથી થાય છે. આ રોગ શરૂઆતમાં ધરૂપર જોવા મળે છે જેમાં ધરૂના થડ પર દબાયેલા ભૂખરા કે કાળા રંગના ધાબા સ્વરૂપે દેખાય છે અને ધરૂ મૃત્યુ પામે છે. ત્યારબાદ આ ફૂગ છોડના સૌથી નીચાણવાળા પાન પર વર્તુળાકાર ભૂખરા રાખોડી રંગના ટપકા સ્વરૂપે લાગે છે. આવા રોગીષ્ટ પર્ણો પરથી ફૂગ થડ અને ફળ પર પણ લાગે છે અને પર્ણો પીળા પડી અને ખરી પડે છે. ફળ પર આ રોગ અનિયમિત આકારના દબાયેલા ધાબા સ્વરૂપે દેખાય છે જેની કાળી કિનારી બને છે અને આવા ડાઘામાંથી ફળનો સડો શરૂ થાય છે. આ ફૂગ જમીનમાં પડેલ પાનનાં કચરામાં જીવીત રહે છે. આ ફૂગને ગરમ અને ભેજવાળુ વાતાવરણ તથા પર્ણની ભીનાશ વધુ માફક આવે છે.
સંકલિત વ્યવસ્થાપન :
- બીજને વાવતા પહેલા કેપ્ટાન કે થાયરમ ફૂગનાશકની ૦૩ થી ૦૪ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી.
- રોગીષ્ટ પર્ણ દેખાય તો તરત જ તેનો નાશ કરવો જેથી ફેલાવો થતો અટકાવી શકાય.
- રીંગણના પાકમાં ફુવારા પધ્ધતિથી પિયત આપવાનું ટાળવુ જેથી પર્ણની ભીનાશ જેવી અનુકુળ પરિસ્થિતી ફૂગને ન મળે.
- રોગના લક્ષણો જોવા મળે કે તરત જ ઝાયનેબ ૭૫ વે.પા. ૨૦ ગ્રામ દવા પ્રતિ ૧૦ લિટર પાણી મુજબ છંટકાવ કરવાથી પાનના ટપકા તથા ફળના સડાનાં રોગનું વ્યવસ્થાપન થઈ શકે છે.
Share your comments