પપૈયા સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર તથા દેશનું પાંચમુ લોકપ્રિય ફળ છે. તેમા વિટામિન A અને C વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આપણા દેશમાં તે બારે મહિના લગાવવામાં આવે છે. પપૈયાની ખેતી કરવી, તે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક હોઈ શકે છે. હકીકતમાં પપૈયાના છોડની ઝડપથી વૃદ્ધિ થાય છે તથા ઉપજ પણ સારી મળે છે. આ સંજોગોમાં પપૈયાની ખેતી ઓછા સમયમાં વધારે નફો રળી આપે છે. તેની ખેતી કરી ખેડૂતો વધારાની આવક મેળવી શકે છે. તેના કાચા અને પાકા બન્ને પ્રકારના ફળ ઉપયોગી છે. તો ચાલો જાણીએ પપૈયાની ઉન્નત ખેતી કેવી રીતે કરીએ અને તેની મુખ્ય ઉન્નત જાતો કઈ-કઈ છે ?
પપૈયાની ખેતી માટેની આબોહવા
પપૈયાની ખેતી માટે ઉષ્ણ આબોહવા ઉત્તમ માનવામાં આવે છે. આ પાક પર ઠંડીની સિઝનમાં ઠાર પડવાની સ્થિતિની વધારે અસર ધરાવે છે. આ સંજોગોમાં ગરમ આબોહવામાં તેનો પાક મેળવવો જોઇએ. આ ઉપરાંત પાણીના યોગ્ય નિકાલવાળી, ઝીણી રેતીવાળી માટીમાં તેની ખેતી કરવી ઉપયુક્ત છે. સારા ઉત્પાદન માટે માટીનો PH માપદંડ 6.5થી 7.5 હોવો જોઇએ. 10 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તેનો પાક મેળવી શકાય છે.
પપૈયાની ખેતી માટે ક્યારી કેવી રીતે બનાવશો ?
આ માટે 15 સેંટીમીટર ઉંચી અને એક મીટર પહોળી ક્યારી તૈયાર કરી તેમાં છાણીયું ખાતર નાંખવું. તેમાં ઉન્નત જાતના બિયારણ યોગ્ય ઉપચાર કર્યા બાદ નાંખવા જોઇએ. બીજને અડધા સેંટીમીટરની ઊંડાઈ પર માટીમાં સારી રીતે વાવેતર કરવા જોઇએ. હવે તેમાં નિયમિતપણે પાણી આપતા રહેવું જોઇએ. જ્યારે છોડમાં 4થી 5 પપૈયા આવી જાય અને છોડ આશરે 25 સેંટીમીટર ઊંચાઈ ધારણ કરી લે એટલે ખેતરમાં તેની રોપણી કરવી જોઇએ.
પપૈયાની ખેતી ક્યારે કરવી જોઇએ ?
આમ તો પપૈયો બારમાસી ઉત્પાદન લઈ શકાય, તેવો પાક છે, પરંતુ તેના ગુણવત્તાયુક્ત તથા વધારે ઉત્પાદન માટે જુલાઈ-ઑગસ્ટ મહિનાઓ વધારે યોગ્ય છે. ખાડાને તૈયાર કરી કેટલાક દિવસ માટે તેને ખુલ્લા રાખો. ત્યાર બાદ ઊંડા ખાડામાં બે છોડ લગાવવા જોઇએ. જ્યારે છોડમાં ફૂલ આવવા લાગે, તે સમયે વિશેષ કાળજી રાખવી જોઇએ. માદા છોડને ખેતરમાં રહેવા દેવો, પરંતુ 10 ટકા નર છોડ સિવાયના અન્ય બાકી નર છોડનો નિકાલ કરવો જોઇએ.
પપૈયાની ખેતી માટે ખાતર
પપૈયાના છોડના યોગ્ય વિકાસ માટે દર વર્ષે છોડદીઠ 10થી 15 કિલો છાણિયા કે વર્મીકમ્પોસ્ટ ખાતર, 100 ગ્રામ યૂરિયા, 400 ગ્રામ સિંગલ સુપર ફૉસ્ફરસ અને 150 ગ્રામ પોટાશ નાંખવુ જોઇએ. છાણિયુ ખાતર નાંખતી વખતે એ વાતની કાળજી રાખવી જોઇએ કે તે જૂન અને જુલાઈ મહિનામાં નાંખવું જોઇએ.
પપૈયાના પાકમાં લાગતા મુખ્ય કીટ અને રોગો ?
નેમાટોડ-નેમાટોડ અથવા સૂત્રકૃમિને લીધે પપૈયાના છોડના મૂળમાં ગાંઠ પડવા લાગે છે કે જેને લીધે છોડ નબળો પડી પીળો થઈ જાય છે. પરિણામે છોડમાં ફળ ખૂબ જ નાના અને ઓછા આવે છે.
નિયંત્રણ : નેમાટોડના પ્રકોપને ઓછો કરવા માટે નર્સરી તૈયાર કરતી વખતે કાર્બોફ્યુરન 3 ગ્રામથી 10 ગ્રામ પ્રતિ ચોરસ મીટરના હિસાબે કરવું જોઇએ.
સ્ટેમરાઈ : આ એક પ્રકારનો વિગલન રોગ છે કે જેના પ્રભાવથી છોડની ડાળીઓમાં સડો પેદા થાય છે. તેને લીધે છોડના પાંદડા અને પાક પીળા પડી ખરવા લાગે છે.
નિયંત્રણ : આ રોગથી બચવા માટે ખેતીમાં પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે. રોગ લાગ્યા બાદ રોગયુક્ત છોડને હટાવી દેવા જોઇએ. આ ઉપરાંત રોગ લાગ્યા બાદ રોગીષ્ટ છોડને હટાવી દેવા જોઇએ. નર્સરી તૈયાર કરતી વખતે બિયારણોને થાઈરમ 3 ગ્રામ પ્રમાણથી પ્રતિ કિલો બીજનો ઉપચાર કરવો જોઇએ.
પપૈયાની મુખ્ય પ્રજાતિઓ
પપૈયાની મુખ્ય હાઈબ્રિડ જાતોમાં પૂસા નન્હા, સીઓ1, પૂસા ડેલીસિયસ, કુર્ગ હની, પૂસા મજેસ્ટી, અર્કા પ્રભાત, અર્કા સૂર્યા, સોલો, વૉશિંગ્ટન, રેડ લિટી અને પંત પપૈયાનો સમાવેશ થાય છે.
Share your comments