જે જમીનનો સ્વાદ ખાટો હોય તેવી જમીન અમ્લીય અથવા ખાટી જમીન કહેવાય. જેમ ખારી (ક્ષારીય) જમીનની પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે, તેવી જ ગંભીર અસર જમીનની અમ્લીયતાની છે.
ખાટી/અમ્લીય જમીન મુખ્યત્વે ખૂબ જ વધુ વરસાદવાળા વિસ્તાર, પર્વતીય/ડુંગરાળ વિસ્તાર તથા કાંઠાળા વિસ્તારમાં બને છે. ભારતની ૧૫.૭ કરોડ હૅક્ટર ખેડાણ જમીનમાંથી ૪.૯ કરોડ હૅક્ટર વિસ્તાર અમ્લીય જમીન છે. ગુજરાતમાં ડાંગ જિલ્લામાં અમ્લીય જમીન જોવા મળે છે. જમીન કેટલી માત્રામાં અમ્લીય છે તેની ખાતરી જમીનના નમુનાના પૃથ્થકરણ બાદ મળે છે. જો જમીનનો pH આંક ૪.૫ કરતા ઓછો હોય તો ખૂબ જ અમ્લીય જમીન કહેવાય. જો pH ૪.૫ થી ૫.૫ ને વચ્ચે હોય તો સાધારણ અમ્લીય કહેવાય તથા જો pH આંક ૫.૫ થી ૬.૫ ની વચ્ચે હોય, તો સામાન્ય અમ્લીય કહેવાય અને જો pH આંક ૬.૫ થી ૭.૫ હોય તો તટસ્થ જમીન કહેવાય.
અમ્લીય જમીન બનવાના કારણો :
(૧) વધુ વરસાદવાળા પ્રદેશમાં બેઝિક આયનો ધોવાઈ જવાના કારણે જમીનના રજકણોની સપાટી પર બીજા ધનાયન કરતાં હાઇડ્રોજન (H+) આયનનું પ્રમાણ વધવાથી.
(૨) વધુ વરસાદથી વનસ્પતિનું પ્રમાણ પણ વિશેષ હોવાથી સેન્દ્રિય પ્રદાર્થ વધુ જમા થાય છે કે જેના વિઘટનના કારણે કાર્બનિક અમ્લો ઉત્પન્ન થાય છે જેનાથી જમીન અમ્લીય બને છે.
જમીનમાં અમ્લીયતાની માઠી અસરો :
Ø જમીનની ફળદ્રુપતા અને ભેજ ધારણ શક્તિ ખૂબ જ ઓછી થઈ જાય છે.
Ø ૫.૫ કરતા ઓછા pH આંક વાળી જમીનમાં ફૉસ્ફરસ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને મૉલિબ્ડેનમ જેવા તત્વોની ખૂબ જ ઉણપ વર્તાય છે તથા એલ્યુમિનિયમ અને આર્યન જેવા તત્વોની પાક પર ઝેરી અસર ઉત્પન્ન થાય છે.
Ø જમીનની પાક ઉત્પાદકતા ખૂબ જ ઓછી થઈ જાય છે.
Ø અમ્લીય જમીનમાં રહેલા પોષક તત્વો પાકને લભ્ય બનતા નથી.
Ø સામાન્ય રીતે જે જમીનમાંથી બેઝીક તત્વોનું વધુ ધોવાણ હોય તેવા કિસ્સામાં જમીન અમ્લીય બને છે.
Ø જમીનમાં જૈવિક પ્રક્રિયાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તથા પાકની વારંવાર ભેજની અછતના સમયમાંથી પસાર થવું પડે છે.
અમ્લીય જમીનની સુધારણા
અમ્લીય જમીન સુધારણા માટે મુખ્યત્વે કૅલ્શિયમ ધરાવતા જમીન સુધારકો વાપરવા. ઉપરાંત પ્રણાલીગત ખેતી પદ્ધતિમાં સેન્દ્રિય ખાતરનો વપરાશ વધુ રાખવો. અમ્લીય જમીન સુધારણામાં મુખ્યત્વે જમીન અમ્લીયમાંથી બેઝિક બનાવવાનો પ્રયાશ કરવામાં આવે છે કે જેથી જરૂરી પોષક તત્વો છોડને લભ્ય બને. અમ્લીય જમીન સુધારકો તરીકે ચુનાના પથ્થર, ઔદ્યોગિક કચરો, સ્લગ, લાઇમ સ્લગ્સ, ફૉસ્ફોજિપ્સમ તથા પ્રેસમડ જેવા ઘટકો વપરાય છે.
અમ્લીય જમીન સુધારકોની લભ્યતા અને ગુણવત્તાં
અમ્લીય જમીન સુધારણમાં સુધારકો ખેડૂતોને આર્થિક રીતે પરવડે તથા સહેલાઈથી મળી શકે તેવા હોવા જોઇએ. આ ઘટકોમાં CaO નું ઓછામાં ઓછું પ્રમાણ ૨૫% તથા તેના કણનું કદ ૮૦ મેસ કરતા ઓછી હોવી જોઇએ. અને તેનો સહેલાઇથી વપરાશ થઈ શકે તેવા હોવા જોઇએ.
અમ્લીય જમીનમાં ચુનો કેટલો વાપરવો ?
અમ્લીય જમીનમાં ચુનોની જરૂરીયાત જમીનનો pH આંક ૬.૦૦ થી ૭.૦૦ ની વચ્ચે રાખીને ગુણવામાં આવે છે. જેમા ચુનાના મુખ્ય ઘટક CaCO3 ની માત્રા પ્રતિ હૅક્ટર ગણવામાં આવે છે. જમીનનું ભૌતિક તથા રાસાયણીય પૃથક્કરણ થયા બાદ ચુનાનો જથ્થો ભુજબલા નામના વૈજ્ઞાનિકે દર્શાવેલ પદ્ધતિ મુજબ ગણી શકાય.
ઉપરોક્ત ચાર્ટમાં દર્શાવ્યા મુજબ જો આપણી જમીન ગોરાડું (લોમી-વચ્ચેનું વર્તુળ) પ્રકારની છે તથા તેનો pH આંક ૫.૦૦ છે તો આપની જમીનમાં ૧૬૮૭ કિગ્રા ચૂનો (CaCO3) ની પ્રતિ હૅક્ટરે જરૂરિયાત ગણાય.
સામાન્ય રીતે ચુનો વર્ષમાં કોઇપણ સમયે વાપરી શકાય છે, પરંતુ જો તેને પાકના અંકુરણ પહેલાં જમીનની તૈયારી કરતા સમયે જમીનમાં બરાબર ભેળવી હોવાથી પરિણામ સારૂ મળે છે. સામાન્ય રીતે ચુનો છાંટીને કે વાવણિયા દ્રારા વાવીને આપી શકાય. પરંતુ યાદ રહે કે તેનો જથ્થો કોઇ એક જગ્યાએ ન પડ્યો રહે. એક વખત ચુનો વાપર્યા પછી ખેતરમાં તેની અસર ૫ થી ૭ વર્ષ સુધી રહે છે. આમ છતા ૨થી ૩ વર્ષના સમયાંતરે જમીનની ચકાસણી કરાવવી.
ચુનાની આડ અસરો અને તેનું નિવારણ
અમ્લીય જમીનનો સુધારક ચુનો પાક માટે ઉપયોગી છે પરંતુ તેની માત્રા જમીનમાં વધી જાય, તો તેની અસર પાક માટે ઘાતક સાબીત થઈ શકે છે. ચુનાના વધુ પ્રમાણથી જમીનની નિતાર શક્તિ તથા છદ્રિતા ઘટે છે પરીણામે જમીનનું ધોવાણ વધવાની શક્યતા રહે છે. ઉપરાંત જમીનમાં અદ્રાવ્ય કેલ્શીયમ ફૉસ્ફરસ બનવાના કારણે લભ્ય ફૉસ્ફરસની ઉણપ વર્તાય છે. ઘણા કિસ્સામાં સૂક્ષ્મ તત્વો જેવા કે મૅંગેનીઝ, ઝિંક તથા બોરોનની અલભ્યતા નોંધાયેલ છે. ચૂનાના વધુ પડતા વપરાશથી ઉત્પન્ન થયેલી આડ અસરો દેશી ખાતર, લીલો પડવાસ, કમ્પોસ્ટ ખાતર, ફૉસ્ફેટીક ખાતર, ઝિંક, મૅંગેનીઝ તથા બારોન જેવા ઘટકો વાપરીને ઘટાડી શકાય. આ લેખ શક્ય તેટલી સરળ ખેડૂત ભાષામાં રજુ કરવાનો પ્રયત્ન કરેલો છે. આમ છતાં, જમીન સુધારણાના પગલાં ભરતાં પહેલાં કૃષિ રસાયણ નિષ્ણાંતની રૂબરૂ સલાહ લેવી હિતાવહ છે.
Share your comments