ગુજરાતમાં આજે બેવડી ઋતુનું અનુભવ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્ય મુજબ આગામી 5 થી 6 દિવસ સુઘી રાજ્યનું તાપમાન સુંકુ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનું વધારો થવાની સંભાવના છે. એમ તો ગુજરાતમાં ગરમીનું અનુભવ થશે પણ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પડેલા વરસાદ અને હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળશે. જેથી રાજ્યમાં બેવડી ઋતુનું અનુભવ થશે. જણાવી દઈએ કે હાલમાં ઉત્તર ભારતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ અને ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે. જેની અસર ગુજરાત પર પણ થઈ શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે શિયાળાની સીઝન પૂરી થાય તે પહેલા ફેબ્રુઆરીના અંતમાં એટલે કે એક બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી શકે છે.
ખેડૂતોની ચિંતામાં થશે વઘારો
જો કે હવામાન વિભાગની આગાહી સાચી પડે છે તો ચોક્કસ ખેડૂતોની ચિંતામાં વધારો થશે કેમ કે માર્ચના મઘ્યમાં રાજ્યમાં ઘઉં, બટાકા, વરિયાળી જેવા પાકોની લણણી થવાની છે અને જો તેથી પહેલા વરસાદ થશે તો ખેડૂતોને મોટા પાચે નુકસાન વેઠવું પડી શકે છે. ઉલ્લેખનીય છે કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં પૂર્વી અને ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળશે એવી આગાહી કરી હતી.
ઉત્તર ભારતના હવામાનની ગુજરાત પર થશે આડઅસર
જો આપણે ઉત્તર ભારતના તાપમાનની વાત કરીએ તો ત્યાં સવારમાં હજુ સુધી ઠંડી અનુભવાઈ રહી છે. દેશની રાજધાની દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 9.9 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. જો કે સરેરાશ કરતા ત્રણ ડિગ્રી ઓછું છે. ત્યાં ભેજનું પ્રમાણ સવારે 9 કલાકે 78 ટકા નોંઘાયું હતું. તેમ જ હવામાન વિભાગે હળવો વરસાદ થવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હવામાન વિભાગે 27, 28 અને 29 ફેબ્રુઆરીએ મધ્ય પહાડીઓમાં કેટલીક જગ્યાએ વરસાદની આગાહી કરી છે.
જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે બુઘવારે અને ગુરૂવારે મધ્યપ્રદેશના દક્ષિણી વિસ્તારોમાં કરા પડવાની સંભાવના છે. અહીંના લોકોએ આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે. જ્યારે વિદર્ભ ક્ષેત્રમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે. તે જ રીતે છત્તીસગઢના દક્ષિણ વિસ્તારોમાં કરા પડવાની સંભાવના છે.
Share your comments