ગુજરાતવાસીઓ માટે એક માઠાં સમાચાર આવ્યા છે, અને આ સમાચાર છે ગરમી.. હા રાજ્યમાં ફરી એકવાર ગરમીની બીજી ઈનિંગ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાત સહિત દેશભરમાં વાતાવરણમાં પલટો આવ્યા પછી હવે ફરીથી હિટવેવ શરૂ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રવિવારથી 6 દિવસ માટે તાપમાનમાં વધારો થશે. જેના કારણે તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
44ને પાર પહોંચશે તાપમાન
ગુરૂવારે દિવસ દરમિયાન 41.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી બન્યુ હતુ. અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. પરંતુ ત્યારબાદ ગરમીના જોરમાં ફરી વધારો થઈ શકે છે. જેના કારણે તાપમાન 44ને પાર થાય તેવી સંભાવના છે. ગુરૂવારે રાજકોટમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાનનો પારો નોંધાયો હતો. રાજકોટમાં છેલ્લા 10 વર્ષમાં મે મહિનામાં પારો 44ને પાર થયો હોય તેવું છઠ્ઠી વખત બન્યું છે.
સતત તૂટી રહ્યો છે ગરમીનો રેકોર્ડ
આગામી 3 દિવસ દરમિયાન રાજકોટમાં તાપમાન પણ વધીને 42ની આસપાસ નોંધાઈ શકે છે. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં મે મહિનામાં તાપમાન 44ને પાર થયું હોય તેવું સાતમી વખત બન્યું છે. જેમાં સૌથી વધુ ગરમી 20 મે 2016ના દિવસે નોંધાઈ હતી. તે દિવસે 48 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
ખેડૂતો માટે માઠા સમાચાર
ભરઉનાળામાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ કલાક રાજકોટ અને જામનગર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે.
આ પણ વાંચો : હેલ્થ ટિપ્સ : ભરગરમીમાં કરો તાડફળીનું સેવન
ઉનાળુ પાક બચાવવા માટે કયાવત
ગુરૂવારે સાંજે રાજકોટના કોટડા સાંગાણી અને ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. શાપર-વેરાવળ, રીબડા, પારડી, પીપળા, ગુંદાસરા ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો.ગુરૂવારે સાંજે સાંજે વાતાવરણમાં પલટા સાથે વરસાદની શરૂઆત થતા જગતના તાતમાં પણ ઉનાળુ પાક બચાવવા માટે ભાગદોડ મચી તી.
હાલ ખેતરમાં મોગલ અને લસણ સહિતના ઉનાળુ પાક ખેતરમાં છે. ત્યારે ખેડૂતોએ પોતાના પાકને પલળતા બચાવવા દોડ્યા હતા. અચાનક વરસેલા વરસાદથી કેટલાક સ્થળો પર લસણના તૈયાર પાથરા પણ પલળી ગયા હતા. જેથી ખેડૂતોને નુકસાન થવાની ભીતી છે.
તો બીજી તરફ જામનગરના કાલાવડ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કાલાવડ તાલુકાના ખરેડી, નાના વડાળા, ગુંદા, મેટિયા અને શ્રીજીનગર સહિતના વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસતા મગ, તલ, ડુંગળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું હતુ.
દેશમાં અનેક રાજ્યોમાં ગરમી વર્તાવશે કહેર
દેશની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર, મધ્ય અને પશ્વિમ ભારતમાં તાપમાનનો પારો ફરીથી ઊંચો જશે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં વરસાદ પડયો હતો.ઉત્તર પ્રદેશમાં વરસાદ પડયો હતો. વાવાઝોડા સાથે વરસાદ થયો હતો અને વીજળી પણ પડી હતી. વીજળી પડવાના બે બનાવોમાં બે લોકોનાં મોત થયા હતા. પવનને કારણે પાવરકટ થયો હતો. કેટલાક વીજથાંભલા પડી ગયા હતા.
હજુ નહીં મળે ગરમીથી રાહત
હવામાન વિભાગે કહ્યું હતું કે, ગરમીથી વધારે દિવસો રાહત મળવાની નથી. ફરીથી હિટવેવ શરુ થવાની આગાહી છે. ખાસ તો ઉત્તર ભારતના રાજ્યો, પશ્વિમ અને મધ્ય ભારતના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જશે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લૂથી બચવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો : મે મહિનામાં કરો આ પાકની વાવણી, જગતના તાતને થશે જોરદાર નફો
Share your comments