સંકલ્પ કરીને કરેલુ દાન એ મહાપુણ્ય સમાન છે.
સતયુગથી લઇને કલયુગ સુધીમાં દાનના સ્વરૂપ, પ્રકાર તેમ જ વ્યાખ્યાઓ બદલાતી રહી છે. દાનની સૌથી સીધી સમજ અને સૌથી સરળ એટલે ધન સંપત્તિનું, દ્રવ્યનું દાન. કોઇની પાસે ધન સંપત્તિ ન હોય પણ જ્ઞાન હોય તો એ જ્ઞાનનું દાન આપી શકે છે. કોઇ આર્થિક અને બૌદ્ધિક બન્ને રીતે નબળો માણસ હોય એ કદાચ શ્રમ દાન કરી શકે છે. દાન હમેશા સમાજ વ્યવસ્થાનું એક અવિભાજ્ય અંગ રહ્યું છે. દાનને ધર્મનો આધાર સ્તંભ પણ કહેવામાં આવે છે. કોઇ વ્યક્તિ ફરજ સમજીને દાન કરે છે તો કોઇ ધર્મ સમજીને. દાન તમને માનસિક સમૃદ્ધિ આપે છે. કેટલાય રિસર્ચ રિપોર્ટમાં એવું સાબિત થયું છે કે કંઇક આપવાનો આનંદ અદ્ભૂત, અવિસ્મરણીય, અદ્વિતીય હોય છે. આજે આપણે આ એપિસોડમાં આવી જ એક વ્યક્તિ વિશે જાણીશુ જે શિક્ષણનુ અમુલ્ય દાન કરી રહ્યા છે.
વહાણવટી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી વિપુલભાઈ છેલ્લા ઘણા સમયથી ગરીબ બાળકોને પુરતુ શિક્ષણ મળી રહે અને ગરીબ બાળક તેનુ ભવિષ્ય ઉજવળ બનાવી શકે તે હેતુથી ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિપુલભાઈ આ સાથે ઘણી બધી સામાજીક પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે.
વહાણવટી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી વિપુલભાઈની વાત કરીએ તો વિપુલભાઈનો જન્મ ગુજરાતના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો. શરૂઆતથી જ વિપુલભાઈને સામાજીક પ્રવૃત્તિમાં રસ હતો. સાથે સાથે તેમને સાંસ્કૃતિક કાર્યમાં પણ રૂચી હતી. બાળપણથી જ ગરીબો માટે કઈ કરી જવાની ઈચ્છા રાખતા વિપુલભાઈ આજે ગરીબોના મસિહા બની ગયા છે એમ કહીએ તો કઈ ખોટુ નથી. કેમ કે આજે વિપુલભાઈએ તેમના સેવા કાર્યોથી દરેકના હૃદયમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.
આ ટ્રસ્ટ દ્વારા અઠવાડિયામાં એક વાર વિપુલભાઈ પોતે અલગ અલગ જગ્યાએ જઈ ગરીબ બાળકો સાથે સમય પસાર કરે છે. તેમજ દર અઠવાડિએ તેઓ ગરીબ બાળકો માટે અન્નદાતા બની જાય છે. એટલે કે એક બે નહી આખા ગામના બાળકોને તેઓ દર અઠવાડીએ ભોજન કરાવે છે અને સાથે સાથે એ માહિતી પણ એકઠી કરતા જાય છે કે કયા બાળકમાં ભણવાની કઈ રૂચી છે. ત્યારબાદ તેઓ આ બાળકોને શિક્ષણ અર્થે સમજાવે છે જે પણ બાળકને ભણવાની ઈચ્છા હોય તે બાળકનુ એડમિશન તેઓ સારી સ્કુલમાં કરાવી આપે છે જેનો સંપુર્ણ ખર્ચ વહાણવટી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવે છે. તેઓ કહે છે કે આજ જે રીતે ક્ષિક્ષણનુ મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યુ છે. તે જોતા તેમને વિચાર આવ્યો કે જે બાળકો ગરીબ, નિરાધાર છે અથવા તો તેમના માતા-પિતા તેમને ભણાવવા માટે સક્ષમ નથી તેવા બાળકોના ભવિષ્યની ચિંતા થવી એ સ્વાભાવિક છે.
તેઓ કહે છે કે દાન પુણ્ય તો ઘણા બધા લોકો કરતા જ હોય છે કોક મંદિરમાં દાન કરે છે તો કોક સામાજીક સંસ્થાઓમાં દાન કરતા હોય છે, પરંતુ આવા નાના ભુલકાઓ, જેમના ભવિષ્યની ચિંતા કરતા તેમણે નક્કી કર્યુ કે જેટલુ બને તેટલુ શિક્ષણ આ ગરીબ બાળકોને આપવાથી તેમનુ ભવિષ્ય સુધરશે અને જો તેમનુ શિક્ષણ અને ભવિષ્ય સુધરશે તો તેમની આવનારી પેઢીને પણ તેનો ફાયદો થશે. આ સંકલ્પ સાથે તેઓ આગળ વધવા લાગ્યા અને લોકો તેમના સેવા કાર્યને આવકારતા ગયા. તેઓ કહે છે કે શરૂઆતમા જ્યારે હુ આ વિચાર સાથે આગળ આવ્યો ત્યારે મારી સાથે પરિવાર સિવાય કોઈ ન હતુ, ત્યારબાદ ધીરે ધીરે લોકો ટ્રસ્ટમાં જોડાતા ગયા અને આજે બધા સાથે મળીને ગરીબોના ભણતર માટે કામ કરીએ છીએ.
ટ્રસ્ટના દરવાજા દરેક લોકો માટે ખુલ્લા છે
તેમને જ્યારે પુછવામાં આવ્યુ કે આ બાળકોના શિક્ષણના ખર્ચ માટે તમને કોઈ ફંડ ફાળો કે કોઈ સરકારી સેવા મળે છે?, તો તેમણે જણાવ્યુ કે તેઓ કોઈ પાસેથી કોઈ પ્રકારનો કોઈ ફંડ ફાળો લેતા નથી તેઓ કહે છે કે ટ્રસ્ટના દરવાજા દરેક લોકો માટે ખુલ્લા છે જે પણ લોકોને આ સેવાકાર્યમાં ભાગીદાર બનવુ હોય તે જાતે જ પોતાની રીતે ગરીબો માટે કાર્ય કરી શકે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે ટ્રસ્ટ સેવા કાર્ય સિવાય તેઓ પોતે એક નોકરી પણ કરે છે અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરે છે જેમાંથી આવક થાય છે તે આવક તેઓ ગરીબ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે છે. તેઓ કહે છે કે દરેક વ્યક્તિએ કોઈ પણ પ્રકારનુ દાન કરવુ જોઈએ. સમય જતાં નવા આવિષ્કારો, નવી શોધખોળ સાથે રક્તદાન, નેત્રદાન, અવયવ દાન, ત્વચા દાન, વગેરે થકી માનવીને કેટલાય નવા પ્રકારના દાન કરવાનો મોકો મળ્યો છે.
વિપુલભાઈના આ સેવા કાર્યને લોકો ખુબ વખાણે છે અને વિપુલભાઈ પણ આ કાર્યથી ખુબ જ ખુશ છે. કહેવાય છે ને કે જે કૂવામાંથી લોકો પાણી પીતા હોય, એ કૂવો કદી સુકાતો નથી. બસ એવું જ દાન વિષે પણ કહેવામાં આવે છે, કે જે વ્યક્તિ પોતાની પાસે રહેલા સાધન સંપત્તિ, અન્ય માટે ખર્ચી જાણે, ઇશ્વર પણ એના ધન ભંડારને અક્ષયપાત્રની જેમ કદી ખાલી ન થવા દે.
સંસ્થાની આ પ્રવૃત્તિ સાથે વધુને વધુ લોકો જોડાય તે માટે સંસ્થા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. આ શિક્ષણના સેવા કાર્ય સાથે જોડાવવા પિયુશસિંહ સોલંકી મો. 9978460686 નો સંપર્ક સાધવા જણાવાયુ છે.
આ પણ વાંચો:જો તમે UPSC પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોવ તો, જાણો માહિતી વિસ્તારથી
Share your comments