ગુજરાતમાં ગઈકાલે મોડી રાતથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદે લોકોને ભીંજવ્યા હતા. પરંતુ ભર ઉનાળે પડેલા માવઠાને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાની વેઠવી પડે તેવા અહેવાલ છે.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના 15000 બોક્સની આવક થઇ હતી પરંતુ અડધી રાત્રે પડેલા મુશળધાર વરસાદને કારણે આ પાક ભીંજાયો હતો અને ખેડૂતોએ ખાસ્સી નુકસાની વેઠવી પડી હતી. હાલ માર્કેટિંગ યાર્ડમાં પલળેલી કેરીઓ સૂકવવા તેના ઢગલા થયા છે. પરંતુ માવઠાના મારને લીધે કેરી સહિત તલ, રાવણા અને ચીકુને પણ ખાસ્સું નુકસાન થયું છે.માર્કેટમાં લવાયેલી કેરીઓ પલળી જતા તેના ભાવ ગગડે તેવી શક્યતા છે જેને પગલે ઈજારેદારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે તેવા અહેવાલ છે. તમામ ખેડૂતો સરકારને નુકસાનીનો સર્વે કરી સહયતા આપવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ચોળીની ખેતી કેવી રીતે કરવી, જાણો વિવિધ જાતો અને ખેતીની ખરી પદ્ધતિ
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં માવઠાનો માર હજુ પણ યથાવત રહેશે. એક તરફ ગુજરાતમાં મોડી રાતથી ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યાં બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઈને ફરી આગાહી કરી છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, સાબરકાંઠાના હિંમતનગર, રાજકોટના જેતપુર અને ગોંડલ, જુનાગઢ સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- કચ્છ તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. જે મુજબ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.
Share your comments