Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સેવંતીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ એક નવો અભિગમ

સેવંતી કે જેને ગુલદાઉદી અને અંગ્રેજીમાં ક્રિસેન્થીમમ પણ કહે છે. તે ફૂલોમાં ગુલાબ પછી બીજું સ્થાન ધરાવે છે. સેવંતી એસ્ટેરેસી કુળની વનસ્પતિ છે. સેવંતીની મુખ્ય બે પ્રજાતિઓમાં ૧)ક્રિસેન્થીમમ મોરીફોલિયમ (વર્ષાયુ/કાયમી પ્રકારની) અને ૨) ક્રિસેન્થીમમ કોરોનેરીયમ (સીઝનલ પ્રકારની). સીઝનલ સેવંતીને ડેઈઝી પણ કહે છે. જેનું ઉદભવ સ્થાન યુરોપ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકા ગણવામાં આવે છે. સેવંતીના ફૂલો છુટક, કટ ફલાવર તેમજ કુંડા તરીકે વપરાય છે. સેંવતીને બગીચાની શોભા વધારવા, ઘર આંગણે વાવી આંગણું શોભાયમાન બનાવવા, લગ્ન પ્રસંગે પણ ઉપયોગ થાય છે.

KJ Staff
KJ Staff

સેવંતી કે જેને ગુલદાઉદી અને અંગ્રેજીમાં ક્રિસેન્થીમમ પણ કહે છે. તે ફૂલોમાં ગુલાબ પછી બીજું સ્થાન ધરાવે છે. સેવંતી એસ્ટેરેસી કુળની વનસ્પતિ છે. સેવંતીની  મુખ્ય બે પ્રજાતિઓમાં ૧)ક્રિસેન્થીમમ મોરીફોલિયમ (વર્ષાયુ/કાયમી પ્રકારની) અને ૨) ક્રિસેન્થીમમ કોરોનેરીયમ (સીઝનલ પ્રકારની). સીઝનલ સેવંતીને ડેઈઝી પણ કહે છે. જેનું ઉદભવ સ્થાન યુરોપ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકા ગણવામાં આવે છે. સેવંતીના ફૂલો છુટક, કટ ફલાવર તેમજ કુંડા તરીકે વપરાય છે. સેંવતીને બગીચાની શોભા વધારવા, ઘર આંગણે વાવી આંગણું શોભાયમાન બનાવવા, લગ્ન પ્રસંગે પણ ઉપયોગ થાય છે.

આપણા દેશમાં સેવંતીની ખેતી ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં કરવામાં આવે છે. આપણા રાજ્યામાં મોટા શહેરો જેવા કે, વડોદરા, અમદાવાદ, સુરત, મહેસાણા અને ખેડામાં પણ થાય છે, તેથી વ્યાપારમાં ખુબજ મહત્વ અને અગત્યતા છે.

સેવંતીની જાતો:

દુનિયામાં સેવંતીની ઘણી બધી જાતો છે. સેવંતીની જાતોને તેના ફૂલનાં કદ, આકાર અને રંગ પ્રમાણે જુદા-જુદા વર્ગો વહેંચવામાં આવે છે. જેમ કે- મોટા ફૂલો, નાના ફૂલો,  કુંડા અને હાર-તોરણ માટે.   

ભારતમાં વવાતી સેવંતીની જુદી જુદી જાતો:

(અ) મોટા ફૂલો ધરાવતી જાતો: સ્નોબોલ, ઈનોસેન્સ, પીટન, ગ્રીનગોડેસ, કલાસિક બ્યુટી, પીટર મે, અરજીના પરપલ, બ્રેવો, ઓટમ બ્લેઝ

(બ) નાના ફૂલો ધરાવતી જાતો:

૧. કટ-ફલાવરની જાતો: હોરીઝોન, વ્હાઈટ સ્ટાર, ફ્રીડમ, યેલો સ્ટાર, જયા, બોનીફેર ઓરેંજ

૨. કુંડા માટેની જાતો: મરકયુરી, જ્યોત્સના, હની કોમ્બ, શરદમાલા, શરદશોભા, જીન, વીનીફેડ

૩. હાર-તોરણ માટેની જાતો: બીરબલ શાહની, શરદશોભા

હવામાન:

સેવંતીના છોડની વૃધ્ધિ માટે પુરતા પ્રમાણમાં પ્રકાશ અને મધ્યમ ઉષ્ણતામાન જરૂરી છે. લાંબો દિવસ અને ટુંકી રાત્રી દરમ્યાન વાનસ્પતિક વૃધ્ધિ સારી રીતે થાય છે જ્યારે તેનાથી ઉલ્ટું ટુંકો દિવસ અને લાંબી રાત્રિ એટલે કે શિયાળાની ઋતુ દરમ્યાન ફૂલો બેસે છે. રાત્રિનું ઉષ્ણતામાન ૧૦ થી ૧૨૦ સે. આદર્શ ગણાય છે. આમ, ફૂલોમાં ઉત્પાદન માટે આપણે ત્યાં શિયાળો ઉત્તમ ઋતુ છે.

જમીન:

સેવંતીના પાકને ગોરાડુ, સારા નિતારવાળી અને મધ્યમ કાળી જમીન અનુકૂળ આવે છે. ચીકણી માટીવાળી કે પાણી ભરાઈ રહેતું હોય તેવી ઓછી નિતારવાળી જમીન આ પાકને માફક આવતી નથી. જમીનનો પી.એચ. ૬ થી ૭ માફક આવે છે.

જમીનની તૈયારી:

સેવંતીનો પાક એકથી વધુ ઋતુ માટે જમીનમાં ઉભો રહેતો હોવાથી, જમીનને વ્યવસ્થિત ઉંડી ખેડ કરવી. ત્યારબાદ ઢેફા ભાંગી, બિનજરૂરી જડીયા દૂર કરી જમીનમાં પુરતાં પ્રમાણમાં સેંદ્રિય ખાતર આપી જમીન સમતળ કરવી જોઈએ.

સંવર્ધન:

વર્ષાયુ સેવંતીનું સંવર્ધન બે રીતે થાય છે. (૧) પીલાથી અને (૨) કટકાની

(૧) પીલાથી સંવર્ધન: વર્ષાયુ સેવંતીનું સંવર્ધન પીલાથી થાય છે જે સહેલી પધ્ધતિ છે. તેમાં છોડને જમીનની બહાર પીલા ફૂટે છે. જેને મૂળ સહિત છોડથી છુટા પાડી બીજી જગ્યાએ રોપી શકાય છે. પરંતુ આ પધ્ધતિનો એક ગેરફાયદો એ છે કે તેના છોડ એકસરખા મળતા નથી તેમજ ફૂલોની ગુણવત્તા પણ નબળી હોય છે.  

(૨) કટકાથી સંવર્ધન: વર્ષાયુ સેવંતીના છોડનું કટકાથી વર્ધન કરવાની રીતમાં છોડની ડાળીની ટોંચનો ભાગ  ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે છોડ પર ફૂલો પુરા થાય ત્યારે જમીનથી અડધો ફૂટ ઉંચાઈથી છોડને કાપી નાખવાથી પાનની કલિકામાંથી નવી ડાળીઓની ફૂટ નીકળે છે. આ નવી કુમળી ડાળીનો ટોંચવાળો ૫ થી ૭ સે.મી. લંબાઈનાં કટકાને કાપી નીચે તરફથી પાન દૂર કરી ફૂગનાશક દવાનાં દ્રાવણમાં બોળવા. ત્યારબાદ મુળ ફૂટવા તેમજ મૂળની વૃધ્ધિને અસર કરતાં અંત:સ્ત્રાવો જેવા કે (આઈ.બી.એ.) ઈન્ડોલ બ્યુટારિક એસિડ ૧૦૦ પી.પી.એમ. અથવા નેપ્થેલીક એસીટીક એસિડ (એન.એ.એ.) ૨૦૦ પી.પી.એમ. દ્રાવણમાં કટકાને બોળી સહેજ વાર માટે રહેવા દઈ, દ્રાવણમાંથી બહાર કાઢી તરત જ તૈયાર કરેલા ક્યારા અથવા ટ્રે માં રોપવા, ત્યારબાદ નિયમિત પાણી આપતા રહેવું.

રોપણી:

પીલા અથવા કટકાઓ દ્રારા છોડની ફેરરોપણી ઓગસ્ટ માસનાં છેલ્લા અઠવાડિયાથી સપ્ટેમ્બર માસ સુધી કરી શકાય છે. જેના માટે તૈયાર કરેલ ક્યારાઓમાં ૩૦ સે.મી. x ૩૦ સે.મી. અથવા ૪૫ સે.મી. x ૪૫ સે.મી.ના અંતરે ફેરરોપણી કરવી.

ખાતર:

જમીન તૈયાર કરતી વખતે સારૂં કોહવાયેલું છાણીયું ખાતર એક હેકટર દીઠ ૧૫ થી ૨૦ ટન જેટલું નાખવું. રાસાયણિક ખાતર હેકટર દીઠ ૨૫૦:૫૦:૫૦ ના.ફો.પો. આપવામાં આવે છે. જેમાંથી નાઈટ્રોજનનો અડધો જથ્થો જમીન તૈયાર કરતી વખતે તથા વધેલ જથ્થાનો અડધો જથ્થો ૩૦ દિવસે અને બાકી વધેલ જથ્થો એક માસ બાદ એટલે કે ૬૦ દિવસે આપવામાં આવે છે.

પિયત:  

શરૂઆતનાં તબક્કામાં પાણીની જરૂરીયાત વધુ હોય છે. પરંતુ જ્યારે છોડ ઉપર કળીઓ બેસવાની શરૂઆત થાય ત્યારે પિયતનો સમયગાળો લંબાવવામાં આવે છે. શિયાળામાં ૭ થી ૧૦ દિવસે, ઉનાળામાં ૩ થી ૫ દિવસે અને ચોમાસામાં જરૂર મુજબ પાણી આપવવામાં આવે છે.

ખૂંટણ (પીચીંગ):

સેવંતીના છોડને ચારે તરફ વિકાસ કરવા માટે અને વધુ ઉત્પાદન મેળવવા માટે ખૂંટણ કરવું ખૂબ જ અગત્યનું છે. જેમાં ફેર રોપણી બાદ ૪૦ થી ૪૫ દિવસે છોડની ઉંચાઈ જમીનથી અડધો ફૂટ જેટલી થાય ત્યારે છોડની અગ્રકલિકાનો ટોચના ભાગને ૩ થી ૫ સે.મી. જેટલો હાથથી પાંદડા દૂર કરવા જેનાથી છોડમાં નવી શાખાઓ ફૂટશે અને તેમાં દરેક છોડમાં ૪ થી ૫ શાખાઓ રાખી વધારાની શાખાઓ દૂર કરવામાં આવે છે. આમ, કરવાથી ઉમદા ગુણવત્તાવાળા ફૂલો મળે છે.

વિસર્જન (ડિસબડિંગ):

સેવંતીના છોડને એક જ ડાળી પર એક જ કળી રાખવી અને બાકીની કળીને દૂર કરવવામાં આવે છે. આમ, કરવાથી ફૂલની સારી ગુણવત્તા મળે છે.

ટેકો આપવો:

વર્ષાયુ છોડને ટેકો આપવામાં આવે છે. તે માટે વાંસના કટકા વાપરી શકાય. આમ કરવાથી જમીન પર ફેલાતી ડાળીઓમાં આવતા ફૂલોની ગુણવત્તા જાળવી શકાય.

માટી ચઢાવવી:

વર્ષાયુ છોડ ૫૦ થી ૬૦ દિવસનો થાય ત્યારે માટી ચઢાવવામાં આવે છે. આમ, કરવાથી તે છોડની આજુબાજુ પીલા નીકળશે અને તે છોડને નમી ન જાય તે માટે ટેકો પણ આપશે.

અન્ય કાર્યો:

છોડને નીંદામણ મુક્ત રાખવા શરૂઆતની અવસ્થામાં કરબડીથી આંતરખેડ કરવામાં આવે છે.

પાક સંરક્ષણ:

જીવાતો:

સેવંતીના છોડમાં મોલોમશી, થ્રિપ્સ અને પાનની ઈયળો મુખ્યત્વે છે. જેનાં નિયંત્રણ માટે રોગર અથવા મેટાસીસ્ટોક ૧૦ લિટર પાણીમાં ૧૦ મી.લી. નાખી છંટકાવ કરવામાં આવે છે. બીજો છંટકાવ પંદર દિવસનાં અંતરે કરવામાં આવે છે. જ્યારે ઈયળના નિયંત્રણ માટે એન્ડોસલ્ફાન

૧૦ લિટર પાણીમાં ૧૫ થી ૨૦ મી.લી. નાખી છંટકાવ કરવામાં આવે છે.

રોગ:

સેવંતીમાં મૂળનો કોહવારો રોગ મુખ્યત્વે છે. જેના નિયંત્રણ માટે બાવીસ્ટીન અથવા ડાયથેન એમ-૪૫ નો છંટકાવ કરવામાં આવે છે.

ઉત્પાદન:

સેવંતીના ફૂલોનું ઉત્પાદન તેના પ્રકાર, જાત અને વાતાવરણ ઉપર આધારિત છે. કટફ્લાવરના ઉત્પાદનમાં ગુણવત્તા મહત્વની છે. અંદાજીત એક હેકટરે ૪ લાખ કટ ફ્લાવરનું ઉત્પાદન આપે છે.

આવક-ખર્ચ:

ભાવ પ્રતિ એક કટ ફ્લાવર ₹ ૩ થી ૫ ગણાતાં અંદાજીત ૧૨ થી ૨૦ લાખ રૂપિયા જેટલી આવક હેકટરે મળી રહે છે અને હેકટરે ખેતી ખર્ચ અંદાજીત ₹ ૧ લાખ જેટલો થાય છે.

ફૂલોની વીણી તથા ફૂલોના સંગ્રહ અને પેકિંગ:

કટફ્લાવર્સ ફૂલોની વીણી જ્યારે ફૂલ ખીલેલું ન હોય પરંતુ એકાદ દિવસમાં ખીલે તેવું હોય ત્યારે વીણી કરવામાં આવે છે. કટફ્લાવર્સને પાણીની અંદર રાખી સંગ્રહ કરવામાં આવે છે. પછી તેને બોકસમાં પેક કરી પેકિંગ કરવમાં આવે છે. પરંતુ તે બોક્સને કાણા પાડવામાં આવે છે કારણ કે, હવાની અવર-જવર રહેવી જોઈએ

Share your comments

Subscribe Magazine

More on News

More