Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો તેમના પિતાજીને પત્ર

(અબ્રાહમ લિંકનનો પોતાના પુત્ર બાબતે તેના શિક્ષકને પત્ર, જવાહરલાલ નહેરુના જેલમાંથી પોતાની પુત્રી ઈન્દિરા ગાંધીને પત્રો, વગેરે ખૂબ પ્રખ્યાત છે. પરંતુ ભગતસિંહે પોતાના પિતાને જે આ પત્ર લખ્યો છે, તે પ્રખ્યાત થયો ન હોવા છતાં બેનમૂન છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

અબ્રાહમ લિંકનનો પોતાના પુત્ર બાબતે તેના શિક્ષકને પત્ર, જવાહરલાલ નહેરુના જેલમાંથી પોતાની પુત્રી ઈન્દિરા ગાંધીને પત્રો, વગેરે ખૂબ પ્રખ્યાત છે. પરંતુ ભગતસિંહે પોતાના પિતાને જે આ પત્ર લખ્યો છે, તે પ્રખ્યાત થયો ન હોવા છતાં બેનમૂન છે.

ભગતસિંહ
ભગતસિંહ

૩૦ સપ્ટેમ્બર, ૧૯૩૦ના દિવસે ભગતસિંહના પિતા સરદાર કિશનસિંહે ટ્રિબ્યુનલને એક અરજી કરી અને તેમનો બચાવ રજૂ કરવાનો સમય માંગ્યો. સરદાર કિશનસિંહ પોતે દેશભક્ત હતા અને રાષ્ટ્રીય ચળવળમાં અનેક વખત જેલમાં જઈ આવ્યા હતા. તેમને અને તેમના જેવા કેટલાંક દેશભક્ત લોકોનું માનવું હતું કે બચાવ પક્ષ રજૂ કરીને કદાચ ભગતસિંહને ફાંસીથી બચાવી શકાશે. પરંતુ, ભગતસિંહ અને તેના સાથીઓ બિલકુલ અલગ નીતિ અપનાવી રહ્યાં હતાં. તેઓનું માનવું હતું કે બ્રિટિશ સરકાર બદલાની ભાવનાથી કામ કરે છે. અને ન્યાય એ માત્ર એક ફારસ છે. કોઈપણ રીતે તેમને સજા દેવાથી રોકી શકાય નહીં. તેમને લાગતું હતું કે આવી બાબતમાં નબળાઈથી વર્તીએ તો સામાન્ય લોકોની ચેતનામાં સ્ફૂરિત થયેલ ક્રાંતિનું બીજ સ્થિર થઈ શકશે નહીં. પિતા દ્વારા કરાયેલી અરજીના કારણે ભગતસિંહની ભાવનાને પણ ઠેસ પહોંચી હતી. જો કે પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ મેળવીને પણ પોતાના સિંદ્ધાતો પર ભાર મૂકતો એક પત્ર તેમણે પોતાના પિતાને ૪ ઓક્ટોબર, ૧૯૩૦ના દિવસે લખ્યો. અલબત, પત્ર થોડો મોડો મળ્યો. અને તેના પહેલા તો ૭ ઓક્ટોબર, ૧૯૩૦ના દિવસે મુકદ્દમાનો ચૂકાદો સંભળાવી દેવામાં આવ્યો.

પૂજ્ય પિતાજી,

આપે સ્પેશ્યલ ટ્રિબ્યુનલને મારા બચાવ-પક્ષ માટે એક નિવેદન મોકલ્યું છે તે જાણીને મને આંચકો લાગ્યો છે. આ ખબર એટલી દુઃખદાયક હતી કે ચૂપચાપ હું તેને સહન કરી શક્યો નહીં. આ ખબરથી મારા મનની શાંતિ હણાઈ ગઈ છે. અને ખૂબ જ ઉથલ-પાથલ મચી છે. મને એ નથી સમજાતુ કે તાજેતરની સ્થિતિમાં આ બાબતે આપ આવેદન આપી જ કેવી રીતે શકો ?

આપનો પુત્ર હોવાના નાતે હું તમારી પિતૃસહજ ભાવનાઓ અને ઈચ્છાઓનુ પુરેપૂરુ સન્માન કરુ છુ. પરંતુ આમ છતા મારી સાથે ચર્ચા કર્યા વગર નિવેદન દેવાનો તમને કોઈ અધિકાર નથી. આપ જાણો છો કે રાજકીય ક્ષેત્રે મારા વિચારો આપનાથી અલગ છે. હુ આપની સહમતી અને અસહમતીનુ વિચાર્યા વગર જ હંમેશા સ્વતંત્રપુર્વક કામ કરતો આવ્યો છુ.

હુ માનુ છુ કે આપને યાદ હશે કે શરૂઆતથી જ આપ મને સમજાવવાની કોશીશ કરતા હતા કે હુ આ મુકદમો ગંભીરતાથી લડું અને પોતાનો બચાવ વ્યવસ્થિત રીતે રજુ કરું. પણ આપને એ પણ યાદ હશે કે હું હંમેશા તેનો વિરોધ કરતો આવ્યો છું. મેં ક્યારેય મારા બચાવની ઈચ્છા વ્યક્ત કરી નથી અને એ અંગે મેં ગંભીરતાથી વિચાર્યુ પણ નથી.

આપને ખ્યાલ હશે કે અમે એક ચોક્કસ નીતિ અનુસાર આ મુકદ્દમો લડી રહ્યા છીએ. મારી તમામ ચાલ આ નીતિ, અમારા આદર્શો અને અમારા કાર્યક્રમને અનુરૂપ હોવી જોઈએ. આજે સ્થિતિ બિલકુલ અલગ છે. પરંતુ જો આના કરતા પણ સ્થિતિ હજી કંઈક અલગ હોત તો પણ બચાવ રજુ કરનાર હું છેલ્લી વ્યક્તિ હોત. આ સમગ્ર મુકદ્દમામાં મારી સમક્ષ એક જ વિચાર હતો કે અમારા વિરુદ્ધ કરેલા આરોપો ભલે ગંભીર હોય, પરંતુ એના સંબંધમાં અમે તેની સંપુર્ણ અહેવાલના કરીશુ. મારો દ્રષ્ટિકોણ તો એવો છે કે તમામ રાજનૈતિક કાર્યકર્તાઓએ આવી સ્થિતિમાં ઉપેક્ષા દાખવવી જોઈએ. અને તેમને જે પણ કઠોરમાં કઠોર સજા કરવામાં આવે તેને હસતા હસતા સ્વીકાર કરવી જોઈએ. આ સમગ્ર મુકદ્દમા દરમિયાન અમારી યોજના આ સિદ્ધાંતને અનુરૂપ જ રહી છે. અમે એ બાબતે સફળ થયા કે નહી એ નક્કી કરવાનુ કામ મારુ નથી. અમે તો સ્વાર્થ ત્યજીને પોતાનુ કામ કરી રહ્યા છીએ.

વાયસરોયે લાહોર ષડયંત્ર કેસમાં જ્યારે ઓર્ડિનન્સ અમલમાં મુક્યો ત્યારે પોતાના વક્તવ્યમાં તેમણે કહ્યુ હતુ કે આ ષડયંત્રના આરોપીઓ શાંતિ વ્યવસ્થા ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના કારણે જ પરિસ્થિતિ ઉદભવી તેમાં અમને સામાન્ય જનતાને એ દેખાડવાનો મોકો મળી ગયો કે શાંતિ વ્યવસ્થા અને કાયદાનો ભંગ કરવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કે અમારા વિરોધીઓ?  કદાચ આ બાબતે મતભેદ ધરાવનાર આપ પણ છો. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે મારી સાથે ચર્ચા કર્યા વગર મારા તરફથી આવુ પગલુ લો. મારુ જીવન એટલું કિંમતી નથી જેટલું તમે માનો છો. કમ સે કમ મારા માટે તો આ જીવન એટલું કિંમતી નથી કે તેને સિદ્ધાંતોના ભોગે બચાવાય. મારા ઉપરાંત મારા અન્ય સાથીઓ પણ છે જેમના મુકદ્દમાઓ પણ મારા જેટલા જ ગંભીર છે. અમે સયુંક્ત યોજના અપનાવી છે અને તેના પર અમે જીવનના અંત સુધી વળગીને જ રહીશું. તેના માટે વ્યત્કિગત રીતે જે પણ કિંમત ચૂકવવી પડે તે અંગે અમને ચિંતા નથી.

પિતાજી મને પણ ખૂબ દુ:ખ થઈ રહ્યું છે. મને ડર છે કે આપ પર દોષારોપણ કરવામાં અથવા તો આપના આ કૃત્યની નિંદા કરવામાં ક્યાંક હું સભ્યતાની સીમા ના ઓળંગી જઉં. ક્યાંક મારા શબ્દો કઠોર ના થઈ જાય. આમ છતાં હું સ્પષ્ટ શબ્દોમાં મારી વાત જરૂર કહીશ. જો કોઈ અન્ય વ્યક્તિએ મારી સાથે આવું આચરણ કર્યું હોત તો હું તેને દગાખોરીથી ઓછું ન આંકત. પરંતુ આપની બાબતમાં કહીશ કે આ એક નબળાઈ છે - નિમ્ન સ્તરની નબળાઈ. આ એવો સમય છે જ્યારે આપણા બધાની કસોટી થઈ રહી હતી. મને કહેવા દો કે આપ આ કસોટીમાં નિષ્ફળ ગયા. હું જાણું છું કે તમે પણ એટલા જ દેશપ્રેમી છો જેટલી કોઈ અન્ય વ્યક્તિ હોઈ શકે. મને ખ્યાલ છે કે આપે આપનું સમગ્ર જીવન ભારતની આઝાદી માટે ન્યોછાવર કરી દીધું છે. પરંતુ આ અગત્યની પળોમાં આપે આવી નબળાઈ કેમ દેખાડી તે હું સમજી શકતો નથી.

અંતે હું આપને, આપના અન્ય મિત્રોને તેમજ મારા મુકદ્દમા બાબતે રસ દાખવતા તમામ લોકોને હું કહેવા માંગુ છું કે આપનું આ પગલું મને નાપસંદ છે. હું આજે પણ કોર્ટમાં પોતાનો બચાવ રજૂ કરવાના પક્ષમાં નથી. જો કોર્ટ અમારા સાથીઓએ આપેલા સ્પષ્ટીકરણના નિવેદનને મંજૂર કરત તો પણ હું સ્પષ્ટીકરણ રજૂ કરત નહીં.

ભૂખ હડતાલના દિવસોમાં ટ્રિબ્યુનલને મેં જે આવેદનપત્ર અને સાક્ષી આપ્યા હતા તેમના અંગે ગેરસમજ કરવામાં આવી છે. અને અખબારોમાં એવું છપાયું કે હું મારું સ્પષ્ટીકરણ કરવા માંગુ છું. પરંતુ હું હંમેશા સ્પષ્ટીકરણ રજૂ કરવાનો વિરોધી છું. આજે પણ હું એ જ માન્યતાને વળગી રહ્યો છું.

બોસ્ટલ જેલમાં કેદ મારા સાથીઓ તો આ ઘટનાને મારી દગાબાજી અને વિશ્વાસઘાત જ સમજતા હશે. મને તો તેમની સમક્ષ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાનો પણ મોકો નહી મળે.

હું ઈચ્છુ છુ કે આ બાબતે જે ગેરસમજો ઉદભવી છે તે અંગે જનતાને હકીકતની ખબર પડે. તેથી હું આપને પ્રાર્થના કરું છું કે તાત્કાલિક આ ચિઠ્ઠીને પ્રકાશિત કરી દો.

આ પણ વાંચો:ભારત સહિત અનેક દેશોમાં ધરતી ધ્રૂજી, PAKમાં 9ના મોત, અફઘાનિસ્તાનથી લઈને દિલ્હી-NCR સુધી આંચકા અનુભવાયા

Share your comments

Subscribe Magazine

More on News

More