શાકભાજી પાકમાં ડુંગળી એ રોકડીયા પાકો છે.આર્થીક ઉદારીકરણ તેમજ નિકાસલકક્ષી નીતિને કારણે ડુંગળીના વાવેતર વિસ્તારમાં વધારો થતો જાય છે. ડુંગળી પાકમાં ઉત્પાદનને અસર કરતા ઘણા પરિબળો જેવા કે રોગ-જીવાત, નિંદામણ, તથા ખાતર અને પિયત વ્યવસ્થા વગેરે છે. જેમા ડુંગળી પાકમા આવતા જુદા જુદા રોગો મુખ્ય છે કે જે પાકની ગુણવત્તા અને ઉત્પાદન તેમજ કાપણી, પ્રોસેસીંગ વિગેરે પર ઘણી માઠી અસર કરે છે. જેથી તેનું નિયંત્રણ જરૂરી છે. આ મુખ્ય રોગોના લક્ષણો અને નિયંત્રણ માટેની વિગતવાર માહીતી અહી રજુ કરેલ છે.
૧. ડુંગળીમાં ધરૂમૃત્યુ
આ રોગ ડુંગળીના ધરૂને ઘણું જ નુકશાન કરે છે. આ રોગ મુખ્યત્વે ફયુઝેરીયમ અને પીથીયમ નામની ફુગથી થાય છે જયારે ધરૂવાડીયામાં વધારે ગીચ ધરૂ ઉછેરવામાં આવે છે ત્યારે આ રોગ વધારે નુંકશાન કરે છે.
આ પણ વાંચો : Masur : મસૂરની ખેતી તમામ પ્રકારની જમીનમાં કરી શકાય છે,
લક્ષણો : આ રોગ બે તબકકે જોવા મળે છે.
૧. જમીનમાંથી બીજના અંકુર ફૂટતા પહેલા ધરૂનો સડો.
ર. જમીનમાંથી ધરૂ બહાર આવ્યા પછી ધરૂનો સડો.
અંકુર ફૂટયા પહેલા રોગ લાગે તો ઉગાવો ઘણો જ ઓછો જોવા મળે છે અને ઘણીવાર બીજ સ્ફુરણ થતા પહેલા જ જમીનમાં સળી જાય છે અને અંકુર જમીનની બહાર નીકળી શકતુ નથી. બીજા તબકકામાં ધરૂ બહાર આવ્યા પછી જમીનની સપાટીએ થડની પાસેથી ધરૂ નમી પડે છે અને નાશ પામે છે.
નિયંત્રણ :
તંદુરસ્ત પાકમાંથી બીજ વાવેતર માટે પસંદ કરવું જોઈએ.
ડુંગળીના બીજને થાયરમ ૭પ એસ.ડી. ફૂગનાશક દવાની ૩ થી ૪ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે બીજ માવજત આપીને સારા નિતારવાળી જગ્યાએ ધરૂવાડીયું બનાવી વાવેતર કરવું.
ધરૂવાડીયાને વાવ્યા બાદ ૧૦ થી ૧ર દિવસે પછી થાયરમ ૦.ર ટકા અથવા કાર્બેન્ડેઝીમ ૦.૧ ટકાના દ્રાવણથી ત્રણ લીટર પ્રતિ ચોરસમીટર ના પ્રમાણથી ધરૂવાડીયાને નિતારવું.
ટ્રાઈકોડર્મા હારઝીયમની બીજ માવજત આપીને તેમજ ધરૂવાડીયાને વાવ્યા બાદ ૧૦ થી ૧ર દિવસે નિતારવાથી પણ ધરૂમૃત્યું રોગનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
ર. ડુંગળીનો જાંબલી ધાબાનો રોગ :
લક્ષણો :
આ રોગને લીધે પાન ઉપર ત્રાક આકારના લાંબા રાખોડી રંગના મધ્યમ કાળાશ પડતા ડાઘ પડે છે અને આવા ડાઘનો આજુબાજુનો ભાગ જાંબલી, રાખોડી થઈ જાય છે. પુષ્પદંડ ડાઘા પાસેથી જમીન તરફ ઢળી પડે છે તેથી બીજ બરાબર પાકતા નથી અને પુષ્પદંડ સુકાઈ જાય છે, આને લીધે બીજ ઉત્પાદનમાં ઘણું જ નુકશાન થાય છે.
થ્રિપ્સ જીવાતનો પાકમાં ઉપદ્રવ હોય તો રોગનો ફેલાવો વધુ થાય છે.આ રોગની સાથે સ્ટેમફાઈલમ નામની ફુગનું આક્રમણ પણ ડુંગળીના પાકમાં જોવા મળે છે.
નિયંત્રણ :
ડુંગળીના બીજ ઉત્પાદન માટેના પાકમાં પાક જયારે ૬૦ થી ૭૦ દિવસનો થાય અથવા રોગની શરૂઆત થાય ત્યારે મેન્કોઝેબ ૦.ર ટકા (મેન્કોઝેબ ૭પ ટકા વે.પા. ૧૦ લિટર પાણીમાં ર૭ ગ્રામ) અથવા કલોરોથેલોનીલ ૦.ર ટકા (કલોરોથેલોનીલ ૭પ ટકા વે.પા. ૧૦ લિટર પાણીમાં ર૭ ગ્રામ) ના દ્રાવણમાં સ્ટીકર (જેવી કે સેન્ડોવીટ) ઉમેરી છંટકાવ કરવો. આ જ દવાના ૧ર થી ૧પ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
થ્રિપ્સ જીવાતનું અસરકારક રીતે નિયંત્રણ કરવું.
પાકને નિંદામણ મુકત રાખવો આ માટે પેન્ડીમીથાલીન નિંદામણનાશક દવા એક લિટર સક્રિય તત્વ પ્રતિ હેકટરે ફેરરોપણી બાદ ત્રીજા દિવસે છાંટવાથી ડુંગળીના કંદ ઉત્પાદનના પાકમાં આવતા જાંબલી ધાબા રોગનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
૩. ડુંગળીના કાંદાનો સડો:
ડુંગળીના પાકમાં ફયુઝેરીયમ ઓકસીસ્પોરમ નામની ફુગથી થાય છે.
લક્ષણો :
રોગકારક ફુગનો ચેપ મૂળ દ્વારા લાગે છે. નબળા અને ઈજાગ્રસ્ત મૂળમાં રોગનો ચેપ વધુ લાગે છે તેથી મુળ સડી જાય છે. કંદમાં પણ ચેપ લાગે છે તેથી પોષકતત્વો અને પાણી કંદને ન મળવાથી ચીમળાઈ ને સડી જાય છે. આ રોગ પાણી મારફત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. તાપમાન વધવાથી આ રોગની તીવ્રતા વધે છે.
નિયંત્રણ :
એક જ જમીનમાં એક નો એક પાક ન લેતા, પાકની ફેરબદલી કરવી.
ઉનાળામાં જમીન ખેડી તપાવવી.
ઈજાગ્રસ્ત કે રોગીષ્ટ કંદ કે કળીઓનો વાવેતરમાં ઉપયોગ કરવો નહી.
ડુંગળીના ધરૂને ૦.૧ ટકા કાર્બન્ડેઝીમના દ્રાવણમાં બોળીને ફેર રોપણી કરવી તેમજ ફેર રોપણી કરેલ પાકમાં આ રોગના લક્ષાણો જણાય તો ૦.૧ ટકા કાર્બન્ડેઝીમના દ્રાવણને નિતારવાથી ખુબજ સારી રીતે રોગનું નિયંત્રણ થઈ શકે છે.
Share your comments