ગુજરાતવાસીઓને ગરમીથી માંડ શાંતિ થઈ જ હતી, ત્યાં ફરી એકવાર લોકોને ગરમીએ પરેશાન કરી દીધા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસમાં એટલે કે 14 મે સુધી ગરમીનો પારો ફરી 44 ડિગ્રી પર પહોંચી જશે.
ગરમીનું જોર વધશે
છેલ્લાં ચારથી પાંચ દિવસ અમદાવાદમાં હીટવેવનું જોર ઘટતાં ગરમીથી રાહત રહી હતી. પરંતુ, આગામી ચાર દિવસો એટલે કે 8થી 14 મે દરમિયાન ઉત્તર- પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે, જેની અસરોથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવને લીધે ગરમીનો પારો 45એ પહોંચી શકે છે.
તાપમાનમાં નોંધાયો હતો ઘટાડો
અમદાવાદમાં ગત 27 એપ્રિલથી 2 મે દરમિયાન હિટવેવથી ગરમીનો પારો 43થી 44 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 28.4 ડિગ્રી નોંધાયો હતો. ગુજરાતના 8 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.
અમદાવાદમાં અપાયુ ઓરેન્જ એલર્ટ
ઉનાળાની શરૂઆત થતા જ ગરમીએ લોકોને રડાવી મૂક્યા છે, હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેનાથી લોકોને રાહત મળે તેવા એંધાણ નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ સુધી રાજ્યમાં સૂકું વાતાવરણ રહશે. બે દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં 9 તારીખે ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે હીટ વેવની આગાહી કરવામાં આવી નથી.
પવનની દિશા બદલાઈ
રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થશે, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક ઉંચકાશે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, જે આગામી બે દિવસોમાં મજબુત બનશે. લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઈ છે કે, રણ-સુકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઈને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે. જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ ઉપર ગરમ પવનનો મારો ચાલુ થશે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હિટવેવથી ગરમીનો પારો ઉંચકાશે.
હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
આંશિક રાહત બાદ આજથી ફરી એક અઠવાડિયા સુધી રાજ્યભરમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં એક અઠવાડિયા સુધી 44થી 45 ડિગ્રી ગરમી રહી શકે છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશરથી ગરમ અને સૂકા પવન ફૂંકાવવાના લીધે ગરમીમાં વધારો નોંધાયો છે.
10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
તમને જણાવી દઈએ કે આ વર્ષ ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે, મે માસનું ઓલટાઈમ હાઇએસ્ટ તાપમાન તારીખ 20 મે 2016ના રોજ 48 ડિગ્રી નોંધાયું છે. આ વર્ષે એપ્રિલ માસમાં 44 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું જે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક છે. આ વર્ષના ગરમીના મિજાજને જોતા મે માસમાં પણ રેકોર્ડબ્રેક ગરમી છેલ્લા અઠવાડિયામાં પડી શકે છે. ગરમીને કારણે શહેરીજનો પરસેવે રેબઝેબ થઈ ગયા છે.
એપ્રિલથી જ લૂ ફૂંકાવવાની શરૂઆત
સામાન્ય રીતે મે માસના બીજા અઠવાડિયમાં લૂ લાગતી હોય છે. પરંતુ આ વર્ષે તો એપ્રિલ માસથી જ લૂ લાગવાની શરૂઆત થઇ ગઈ હતી. એકબાજુ દેશભરમાં પ્રચંડ ગરમી પડી રહી છે. ઉત્તર ભારતમાં રાજસ્થાન, યુપી, બિહાર , મધ્યપ્રદેશ સહિતના રાજ્યો આકરા તાપમાં તપી રહ્યા છે. આમ આ વર્ષનો ઉનાળો શરૂઆતથી જ તેનું રોદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. તેવામાં મે માસમાં ગરમીનો પારો વધવાની સંભાવના દેખાઈ રહી છે.
આ પણ વાંચો : પૃથ્વીનું કલ્પ પાક એટલે કઠોળ
આ પણ વાંચો : કોલસા સંકટ : ભારતીય રેલ્વેએ 24 મે સુધી 1100થી વધુ ટ્રેનો કરી રદ
Share your comments