૧લી મે ગુજરાત રાજયની સ્થાપનાના અવસરે રાજયના ખેડુતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે 'મિશન મૉડ' પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે, ધરતી મા અને ગૌમાતાના સંરક્ષણ માટે રસાયણમુકત ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડુતો આત્મનિર્ભર બને તેવા આશયથી મહાઅભિયાન હાથ ધરાયું છે.
જિલ્લાના આત્મા પ્રોજેકટના ડાયરેકટર અને નાયબ ખેતી નિયામક(તાલીમ)શ્રી એન.જી. ગામીત વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેકટ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગના સંયુકત ઉપક્રમે સુરત જિલ્લામાં ૫૫૬ ગ્રામ પંચાયતોના ૧૦-૧૦ ગામોના એક એવા ૬૩ કલસ્ટર બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વિશેષ તાલીમ આપીને 'માસ્ટર ટ્રેઈનર' બનાવ્યા છે જિલ્લામાં ૬૩ જેટલા માસ્ટર ટ્રેનર ખેડુતો દ્વારા ગામડે ગામડે ફરી પ્રત્યક્ષરીતે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આજરોજ જિલ્લાના ૫૫થી વધુ ગામોમાં પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ શિબિરો યોજાઈ હતી. ખેડુતો સાથે સાથે તંત્રના સ્ટાફ તરીકે ટેકનીકલ માસ્ટર ટ્રેનર તરીકે જોડાયા છે. ગામોમાં ખેડુતોને જીવામૃત, ધન જીવામૃત જેવા પ્રાકૃતિક કિટ્સ નાશકો બનાવવાની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી રહી છે.
દરેક ગ્રામ પંચાયતમાં તા.૩૦મી જુન સુધી ચાર વાર તાલીમ આપવામાં આવશે. માસ્ટર ટ્રેનર ખેડુતને તાલીમદીઠ રૂા.૫૦૦ લેખે સ્ટાઈપેન્ડની ચુકવણી કરવામાં આવશે. ગામદીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અધિકારીઓ ગામડાઓ ખુદી રહ્યા છે.
આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય માર્કેટ મળી રહે એ માટે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અઠવાડિયામાં બે દિવસ ખાસ માર્કેટની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
Share your comments