ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટી Heritage City અમદાવાદ Ahmedabad નો આજે 611 મો જન્મદિવસ છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Bhupendra Patel અમદાવાદના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદનો ઈતિહાસ આજકાલનો નથી પણ અમદાવાદની સ્થાપનાને આજે 611 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. એમાં પણ અમદાવાદનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં થયા બાદ ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે.પરંતુ આજથી અંદાજે 5 હજાર વર્ષ પહેલાથી અમદાવાદમાં માનવ વસ્તીનો વસવાટ હોવાના પુરાવા મળેલા છે. આજનું અમદાવાદ જે પહેલા 'અહમદાબાદ' અને 'કર્ણાવતી' તરીકે ઓળખાતું હતુ અને તેની પહેલા તે 'આશાવલ' તરીકે ઓળખાતું હતુ.
કહેવાય છે કે અહમદશાહ બાદશાહ અમદાવાદનો પાયો નાખતા હતા, ત્યારે અનેક મુશ્કેલીઓ આવી હતી અને તેનું સમાધાન માણેક નાથ બાબાએ આપ્યું હતું અને ત્યારબાદ માણેકનાથની સાથે મળીને હાલના એલિસ બ્રિજ પાસે અમદાવાદની પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી. આજે તે માણેક બુરજ તરીકે ઓળખાય છે.
ઉલ્લેખનીય છે કે જાહોજલાલી અને સમૃદ્ધિનું શહેર એટલે અમદાવાદ. અમદાવાદનો આજે 611મો સ્થાપના દિવસ છે. માણેકનાથ બાવાની સમાધિએ 13મી પેઢીનું પૂજન કર્યુ હતુ. દર વર્ષે પરંપરાગત માણેકચોક ખાતે માણેકબાવાની સમાધિએ પૂજન થાય છે. અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટએ અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે પૂજન કર્યુ હતુ.
ઈતિહાસકારોનું માનીએ તો સાબરમતીના પૂર્વ કાંઠે આશાવલ નામનું ભીલોનું એક નગર હતુ. હાલની કેલિકો મિલથી જમાલપુર દરવાજાની અંદર તરફ જતાં આસ્ટોડિયા દરવાજા સુધી તે સમયે અંદાજે 6 લાખ જેટલા ભીલોનો વસવાટ હતો અને આશાભીલ તેમનો રાજા હતો.આ આશાવલને ઘણા લોકો 'આશાપલ્લી' પણ કહેતા હતા. માત્ર ભારતીય ઈતિહાસકારો જ નહીં આરબ ઈતિહાસકારોએ પણ આશાવલ નગરનો ઉલ્લેખ કર્યો છે. પાટણના રાજા કર્ણદેવે તેમના રાજનો વિસ્તાર કરવો હતો આ માટે તેમણે મહી અને લાટનો પ્રદેશ જીતવો હતો આ જીતવામાં આશાવલ નગર વચ્ચે આવતું હતુ માટે તેમણે આશાવલ પર ચઢાઈ કરી અને તેને જીતી લીધું અને ત્યાં 'કર્ણાવતી' નગરની સ્થાપના કરી. ઈતિહાસના પાના ઉથલાવીએ તો 1064માં કર્ણાવતીનગરીની સ્થાપના થઈ હતી.આતો વાત થઈ આશાવલ અને કર્ણાવતીની પણ ઈ.સ 1411માં મુઝફ્ફર વંશના રાજા અહમદશાહે સાબરમતી નદીના કિનારે અહમદાબાદની સ્થાપના કરી.
અમદાવાદની પાટનગર બનવાની વાત
સોલંકી વંશ બાદ વાઘેલા વંશનું શાસન આવ્યું અને રાજા કર્ણદેવ વાઘેલાને અલાઉદ્દીનના લશ્કરે પરાસ્ત કર્યા અને ગુજરાતમાં દિલ્હી દ્વારા ખીલજી વંશનું શાસન આવ્યું હતુ. આમ દિલ્હી સલ્તનત ગુજરાતમાં સુબાની નિમણૂંક કરતા અને શાસન કરતા હતા. પણ દિલ્હી પર જ્યારે તઘલક વંશ ચાલતો હતો ત્યારે ગુજરાતના સુબા મુઝફ્ફરશાહે પોતાને સ્વતંત્ર રીતે ગુજરાતનો બાદશાહ જાહેર કર્યો અને પરિણામે ગુજરાત પર સત્તાવાર રીતે મુસ્લિમ શાસનનો આરંભ થયો હતો. આ મુઝફ્ફરશાહનો પૌત્ર અહેમદશાહ હતો, અહેમદશાહને ગુજરાત માટે નવા પાટનગરની શોધ હતી. એક લોકવાયિકા અનુસાર એક દિવસ સાબરમતીને કાંઠે તે આ શોધ માટે ફરતો હતો અને તેમણે એક સસલાને કુતરાનો પીછો કરતાં જોયું અને વિચાર્યુ કે આ નદીના પાણીમાં કંઈક તો છે માટે જ આ જગ્યા મારા પાટનગર માટે યોગ્ય છે આથી કહેવાયું કે "જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા" અને 26 ફેબ્રુઆરી 1411માં શહેરનો પાયો નખાયો જે 'સદાબાદ' તરીકે ઓળખાયુ અને પાછળથી 'અમદાવાદ' તરીકે તેને ઓળખવામાં આવ્યુ.
આ પણ વાંચો : ચણાનો પાક કરનારા ખેડૂતો માટે ખુશીના સમાચાર, કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી મહત્વપૂર્ણ જાહેરાત
આ પણ વાંચો : ભારત પર પડી શકે છે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર, પેટ્રોલ-ડીઝલ થશે મોંઘા, બેરોજગારી વધવાનો પણ ભય
Share your comments