Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કોબી તથા ફુલાવરના પાકને પારાવાર નુકસાન કરતી અગત્યની જીવાતઃ હીરા કૂંદી

હીરા ફુદાનો ઉપદ્રવ મુખ્ય પાકમાં ઓછો રહે તે માટે ટામેટી આંતર પાક તરીકે લેવી જોઈએ ઈયળો પાન ઉપરનાં હરિતદ્રવ્યોને ખાય છે.પાન પર પારદર્શક જાળીવાળાં ટપકાં જોવા મળે છે કોબી અને કોબીફલાવર એ શાકભાજી પાકોમાં અગત્યના પાકો છે તેનો ઉપયોગ વિવિધ વાનગી બનાવવામાં થાય છે આ બંને પાકોમાં મૂખ્યત્વે હીરા ફુદુ, મોલો, લીલી ઈયળ, દડા કોરનાર ઈયળ, પાન ખાનાર ઈયળ, થ્રીપ્સ, રંગીન ચૂસીયા અને કોબીજના પતંગિયાનો ઉપદ્રવ જોવા મળે છે. કોબી અને કોબીફલાવરના પાકમાં નુકશાન કરતી વિવિધ જીવાતોમાં હીરા ફુદું વધુ નુકશાન કરતી જીવાતો પૈકીની એક છે.

KJ Staff
KJ Staff

કોબી અને કોબીફલાવર એ શાકભાજી પાકોમાં અગત્યના પાકો છે તેનો ઉપયોગ વિવિધ વાનગી બનાવવામાં થાય છે આ બંને પાકોમાં મૂખ્યત્વે હીરા ફુદુ, મોલો, લીલી ઈયળ, દડા કોરનાર ઈયળ, પાન ખાનાર ઈયળ, થ્રીપ્સ, રંગીન ચૂસીયા અને કોબીજના પતંગિયાનો ઉપદ્રવ જોવા મળે છે. કોબી અને કોબીફલાવરના પાકમાં નુકશાન કરતી વિવિધ જીવાતોમાં હીરા ફુદું વધુ નુકશાન કરતી જીવાતો પૈકીની એક છે.

ઓળખ: પૂર્ણ વિકસીત ઇયળ પીળાશ પળતા લીલા રંગની હોય છે. ફુદાં કદમાં નાના અને બદામી કે ભૂખરા રંગનાં હોય છે. અગ્ર પાંખોની પાછળની ધારે સફેદ ટપકાં હોય છે. જેનાંથી ફુદાં બેઠેલા હોય ત્યારે પાક ઉપર હારમાં ત્રણ હીરા મૂકાયેલા હોય તેવી ભાત ઉપસી આવતી હોવાથી તેને ''હીરા ફુદાં'' તરીકે ઓળખવામાં આવે છે.

નુકશાનકારક અવસ્થા: ઇયળ

નુકશાન: ઈયળો પાન ઉપરનાં હરિતદ્રવ્યોને ખાય છે. જેથી પાન પર પારદર્શક જાળીવાળાં ટપકાં જોવા મળે છે જે પાછળથી કાણાંના રૂપમાં ફેરવાય જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન જાળીવાળાં દેખાય છે. જેનાં લીધે ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થતી હોય છે.

સંકલિત નિયંત્રણ વ્યવસ્થા:

૧. કોબીજની રોપણી ઓકટોબરનાં બીજા પખવાડિયાથી નવેમ્બરના પ્રથમ પખવાડિયા દરમ્યાન કરવાથી તેમાં જીવાતોનો ઉપદ્રવ ઓછો રહે છે અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે.

૨. હીરા ફુદાનો ઉપદ્રવ મુખ્ય પાકમાં ઓછો રહે તે માટે ટામેટી આંતર પાક તરીકે લેવી જોઈએ.

૩. મુખ્ય પાકની ફરતે તેમજ દશ હાર બાદ બે હાર રાયડાની પિંજર પાક તરીકે ઉગાડવાથી હીરા ફુદાંનો ઉપદ્રવ મુખ્ય પાકમાં ઘટાડી શકાય છે.

૪. કોબીજ અને કોબી ફલાવરની રોપણી બાદ તરત જ હીરા ફુદાના નરને આકર્ષતા ફેરોમેન ટ્રેપ હેકટરે ૧૦ ની સંખ્યામાં ગોઠવવાથી તેનાં ઉપદ્રવનો ખ્યાલ આવે છે અને અમુક અંશે વસ્તીનું નિયંત્રણ કરી શકાય છે. ફેરોમેન લ્યુર જરૂરીયાત મુજબ બદલતા રહેવું.

પ. પાકમાં જીવાતનો ઉપદ્રવ જણાય કે તરત જ રાસાયણિક જંતુનાશકોનો સહારો ન લેતાં લીમડાની લીંબોળીની મીંજ પ૦૦ ગ્રામને મિકસર કે ખાંડણી દ્વારા ભૂકો બનાવી તેને એક વાસણમાં તે ડૂબે તેટલું પાણી લઈ ૪ થી ૬ કલાક સુધી પલળવા દેવું. ત્યારબાદ તેને બરાબર નિચોવી કસ કાઢી લેવો અને તેમાં વધારાનું પાણી ઉમેરી ૧૦ લિટર જથ્થો બનાવી પાક પર છંટકાવ કરવો. જે જીવાતને ઈંડા મૂકતી તેમજ નુકસાન કરતી રોકે છે.

૬. આ જીવાતના પરજીવી એપેન્ટેલીસ પ્લુટેલી કુદરતી રીતે ૬૦ ટકા જેટલું નિયંત્રણ કરતાં હોય છે તેથી આવા પરજીવીની હાજરી હોય તો દવાનો છંટકાવ ટાળવો.

૭. પાકમાં ફુદુંનો ઉપદ્રવ જણાય ત્યારે બેસીંલસ થુરીજીએન્સીસ (બીટી)  પાવડર ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારા પરિણામ મેળવી શકાય.

૮. સામાન્ય ઉપદ્રવ વખતે આવા ઉપાયો યોજવાથી જીવાતોના પરભક્ષી, પરજીવી અને રોગકારકોને અસર કર્યા વગર કુદરતી રીતે નિયંત્રણ થતું રહે છે. તેમજ રાસાયણિક જંતુનાશકોનો વપરાશ ઘટાડી શકાય છે.

૯. વધુ ઉપદ્રવ વખતે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી દવા ૩ મિલિ અથવા  ફેનવલેરેટ  ર૦ ઈસી દવા પ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

૧૦. વનસ્પતિજન્ય કે રાસાયણિક દવાના મિશ્રણ સાથે કપડા ધોવાનો પાઉડર ૧૦ ગ્રામ ૧૦ લિટર પ્રવાહી મિશ્રણમાં ઉમેરવાથી અસરકારકતા વધારી શકાય.

૧૧. રાસાયણિક જંતુનાશક દવાઓના એક કરતા વધારે છંટકાવની જરૂરિયાત જણાય તો એકની એક દવા વારંવાર ન વાપરતા બદલતી રહેવી.

૧૨. ઉપદ્રવવાળા દડા, ફલાવર ગમે ત્યાં ફેંકી ન દેતા તેને ઢોરને ખવડાવી દેવા, અથવા યોગ્ય રીતે નિકાલ કરવો. જેથી તેમાં રહેલી ઈયળોનો નાશ કરી શકાય અને વસ્તી વધતી અટકાવી શકાય.

 ૧૩. પાક પુરો થયે ખેતર ખેડી અવશેષોનો નાશ કરવાથી તેમાં રહેલી સુષુપ્ત અવસ્થાનો નાશ થાય છે અને પછીની પેઢીમાં જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More