ખેડા-આણંદ જિલ્લાના ચરોતર વિસ્તારમાં આજકાલ ડાંગર-કાપણીની મોસમ પૂરબહારમાં ખીલી છે. ખેડૂતો માટે છેલ્લાં બે-ત્રણ વર્ષથી ડાંગર-કાપણીના સમયે આવી જતાં મશીનોના કારણે કાપણીની કામગીરી લગભગ સરળ બની ગઈ છે. બીજી તરફ, પરપ્રાંતીય મજૂરોનો ધસારો હવે લૉકડાઉનના કારણે ઓછો થઈ જવાના કારણે મજૂરોની અછત ઊભી થઈ છે, તેવા સંજોગોમાં ઓછા મજૂરોથી પણ આ મશીનના કારણે ડાંગરનો પાક લઈ શકાય છે.
ચાલુ વર્ષ 2020માં આવેલી કોરોના રોગચાળાની સ્થિતિમાં લૉકડાઉન અને બીજી ઘણી સમસ્યાઓ આવી ગઈ હોવા છતાં ખેડૂતો માટે ચાલુ સાલ પાકની દૃષ્ટિએ નિષ્ફળ ગઈ નથી, એટલો સંતોષ સૌના મોં પર દેખાય છે. જો આ વરસ નિષ્ફળ ગયું હોત તો પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ હોત, પણ કુદરતે ખેતીને બચાવી લીધી છે.
પરપ્રાંતીય મજૂરોની અછતઃ દર વર્ષે ડાંગરની કાપણી વખતે વર્ષોવર્ષ પરપ્રાંતીય મજૂરોનો સારો એવો ધસારો આણંદ જિલ્લાનાં ગામડાંમાં રહેતો આવ્યો છે. આ પરપ્રાંતીય મજૂરોમાં મોટા ભાગના આદિવાસી ભાઈ-બહેનો હોય છે. ચરોતરમાં દર વર્ષે પૂરેપૂરી કમાણી મળી રહેતી હોવાથી મજૂરો પરિવાર સહિત આ વિસ્તારમાં ધામા નાખતા હોય છે. પરંતુ આ વર્ષે લૉકડાઉનના કારણે બીજા પ્રાંતોમાંથી આવતા મજૂરોએ પ્રવાસ ટાળવાનું વલણ લીધું છે. આ કારણે ખેતરોમાં મજૂરોની ભારે અછત ઊભી થઈ છે. છેવટે સ્થાનિક મજૂરોના સહારે ખેડૂતોએ કામ આટોપી લેવાનું નક્કી કર્યું છે.
ડાંગરનાં મશીનોની સહાયથી કામ સરળઃ લગભગ બે-ત્રણ વર્ષ પહેલાંથી પંજાબ રાજ્ય બાજુથી ડાંગર કાઢવાનાં અદ્યતન મશીનો ડાંગર અને ઘઉંની સીઝનમાં ગુજરાત તરફ આવવા લાગ્યાં છે. આ મશીનોના કારણે ડાંગરના ઊભા પાકમાંથી સીધી જ ડાંગર નીકળી શકે છે અને તેનો ઢગલો ખેડૂતના ખેતરમાં થઈ શકે છે. આ સીધી અને સહેલી પદ્ધતિના પગલે ખેડૂતનો સમય બચી જાય છે અને ખેડૂત પોતાનો પાક સીધો જ કોથળામાં ભરીને વેચવા જઈ શકે છે. કોથળા ભરવા અને અન્ય નાનાં-નાનાં કામકાજ માટે ખેડૂતને સ્થાનિક મજૂરોના ટેકાની જરૂર પડે છે, જે લગભગ મળી રહે છે.
મશીનથી નીકળતી ડાંગરને સૂકવવાની પળોજણઃ ખેડૂતનો સમય બચાવી લેતાં મશીનોથી નીકળેલી ડાંગર થોડી-ઘણી લીલી હોવાના કારણે ખેતીવાડી ઉત્પન્ન બજારમાં તેનો સારો ભાવ મળતો નથી. થોડી-ઘણી ભીની ડાંગરનો ભાવ નીચે બેસી જવાથી ખેડૂતે ડાંગરને સૂકવવી પડે છે. મશીનથી નીકળેલી ડાંગરને સુકાતાં લગભગ ત્રણેક રાત-દિવસ જેટલો સમય જાય છે. અને આ ગાળા દરમિયાન ખેડૂતે તેની સાચવણી કરવી પડે છે. સારી રીતે સુકાઈ ગયેલી ડાંગરને ખેતરમાંથી માર્કેટ યાર્ડ સુધી લઈ જવાનો અને ચડાવવા-ઉતારવાનો મજૂરીખર્ચ ખેડૂતે ભોગવવો પડે છે, પરંતુ તેને સારી સુકાયેલી ડાંગરનો સારો એવો ભાવ મળી રહે છે.
            માર્કેટ યાર્ડમાં ડાંગરના ચડતા-ઊતરતા ભાવઃ ખેડૂતને એક સંતોષ એ પણ છે કે, સારો માલ હશે તો સારો ભાવ પણ મળી રહેશે. આ વર્ષે ખેતરોમાં લક્ષ્મી-17 જેવી કેટલીક નવી ડાંગરોનો ઉતારો સારો એવો રહેવા પામ્યો છે, જેથી ખેડૂતોમાં લગભગ ખુશીનું વાતાવરણ છે.
ડાંગરના ભાવ હાલમાં ખેડૂતની વિવિધ પ્રકારની ડાંગરોના ભાવ રૂપિયા 300, 400 અને 500 સુધી બોલાય છે. લક્ષ્મી-17 ડાંગરનો ભાવ 400 રૂપિયા (20 કિલો, 1 મણ) બોલાય છે. જો તે ડાંગર ભીની જણાય અથવા અંદર રહેલો ચોખાનો દાણો ભાંગી જાય તો 400થી ઓછી રકમમાં ખેડૂતની ડાંગર વેચાય છે.
ડાંગર બાદનો પાક લેવા માટે ખેડાણઃ ચરોતરનાં ખેતરોમાંથી બહુ ઝડપથી ડાંગરનો પાક ઊતરી ગયો છે અને હવે લગભગ બધા જ ખેડૂતો ડાંગરને વેચી રહ્યા છે. હવે પછી ખેતરોમાં કયો પાક લેવો, એ અંગે પણ ખેડૂતો પોતપોતાની અનુકૂળતા જોઈ-તપાસી રહ્યા છે.
ખંભાત પાસેનાં ગામોમાં, ખાસ કરીને તારાપુર વિસ્તારમાં ડાંગર બાદ તરત જ ટામેટાની ખેતી માટે કેટલાક ખેડૂતો જમીનોને ભાડે રાખે છે. વીઘા દીઠ અમુક રકમ નક્કી કરીને સીઝન પૂરતાં ખેતરોને ભાડે રાખીને તેમાં ટામેટાની ખેતી કરવામાં આવે છે. જોકે, ગત વર્ષે ટામેટાની ખેતી બાદ જ લૉકડાઉન વગેરેની સ્થિતિ આવવાથી ટામેટાની ખેતી કરનારા ખેડૂતોની માઠી દશા થઈ હતી, તેના કારણે આ વર્ષે કેટલાક ખેડૂતો તેને ટાળે, એવું બની શકે છે.
તે વિકલ્પ ન વિચારાય તોપણ ઘઉંના પાક માટે ખેડૂતો તૈયાર રહેશે, અને બજારમાં ભાલિયા ઘઉં (ભાલ વિસ્તારમાં પાકેલા ઘઉં)ની ખૂબ સારી માંગ રહેતી હોવાથી ઘઉં પકવવાનો વિચાર વધારે ફળદ્રુપ સાબિત થશે, એમ પણ ખેડૂતોમાં વિશ્વાસ જોવા મળે છે.
તમાકુનો પાક અને ચરોતરઃ ચરોતરનો પ્રદેશ વિશ્વભરમાં મોટા ભાગે તમાકુના પાક માટે જાણીતો છે, પરંતુ ખંભાત પાસેનાં લગભગ બધાં જ ગામડાં ડાંગર પકવે છે. ખંભાતથી શરૂ કરીને છેક આણંદ સુધી ડાંગર તો પકવવામાં આવે જ છે, પરંતુ તેની સારી અનુકૂળ જમીન ખંભાતની આસપાસ પ્રાપ્ત થાય છે. આણંદ પાસેનાં લગભગ બધાં જ ગામો તમાકુનો પાક પકવે છે અને સારો ઉતારો પ્રાપ્ત કરે છે.
                                    
                                    
                                    
                                    
                                    
                        
                        
                        
                        
                        
Share your comments