બટાટા એક અગત્યનો શાકભાજીનો રોકડીયો પાક છે. ધાન્ય પાકોની સરખામણીમાં એકમવિસ્તાર અને ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે. આ પાક એકમ વિસ્તારમાંથી ઘઉં કરતા આશરે સાતગણું, ડાંગર કરતા નવગણું અને મકાઈ કરતાં અગિયાર ગણું ઉત્પાદન આપે છે.
જમીનની તૈયારી
આગલા પાકના જડીયા વીણી, બે થી ત્રણ ઊંડી ખેડ કરી જમીન તૈયાર કરવામાં આવે છે. જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે સારુ કહોવાયેલું છાણીયું ખાતર ૨૫-૩૦ ટન અને એક ટન દિવેલી ખોળ હેક્ટરે નાંખી જમીન ખેડી ભેળવી દેવું.
વાવણી સમય
બટાટા તાપમાન ઉપર આધારિત હોઈ તેનું વાવેતર ૧૫ મી નવેમ્બરની આજુબાજુ કરવું હિતાવહછે. વધું વહેલું કે મોડું વાવેતર કરવાથી ઉત્પાદન ઓછું મળે છે.
બિયારણની પસંદગી
- સારી ગુણવત્તા ધરાવતું રોગમુક્ત બિયારણ પસંદ કરવું જોઈએ.
- બહારના રાજ્યોમાંથી જયારે બીજ લાવવાનું થાય ત્યારે તે બટાકાના બીજજન્ય રોગો જેવા કે કોમન ફેબ, બટાટાના ચાઠાના રોગ તથા બટાટાના બંગડીના રોગથી મુક્ત હોવું જોઈએ.
- બટાટાની જાત વધારે ઉત્પાદન આપતી હોવી જોઈએ.
- રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોવી જોઈએ.
- કંદનો રંગ, ચમક અને આકાર સારા હોવા જોઈએ.
- પસંદ કરેલ જાતની સંગ્રહશક્તિ સારી હોવી જોઈએ.
- હેતુને ધ્યાને લઈ નીચેની જાતો પસંદ કરવી.
- કચીચારા માટે : કુફરી પુખરાજ, કુફરી અશોકા, કુફરી સતલજ, કુફરી ખ્યાતી
- ફેન્ચ ફ્રાઈ માટે : કુફરી ચંદ્રમુખી, કુફરી સૂર્યા
- ઢગલા પદ્ધતિથી સંગ્રહ કરવા માટે : કુકરી બાદશાહ, કુફરી જવાહર, કુફરી બહાર, ફુકરી સતલજ, કુફરી પુષ્કર
- પ્રોસેસીંગ માટે : કુફરી ચિપ્સોના-૧, કુફરી ચિપ્સોના-૨, કુફરી ચિપ્સોના-૩, કુફરી ચંદ્રમુખી, કુફરી લૌકર, કુફરી જ્યોતિ, કુફરી એટલાન્ટીક
- બટાકાની કાપણી પછી સીધા વેચાણ માટે : કુફરી બાદશાહ, કુફરી પુખરાજ, કુફરી સતલજ બીજનો દર : વાવણી માટે ૧ હેક્ટરે ૨૫૦૦થી ૩OO0 કિ.ગ્રા. બિયારણ જરૂર રહે છે. બિયારણનો આખા કંદનો વાવણી માટે ઉપયોગ કરો. બિયારણ ટુકડા ૨૫થી ૪૦ ગ્રામ વજનના કરવા જોઈએ.
બીજ માવજત
- એક હેક્ટર વાવેતર માટેના બટાટાના ટુકડાને વાવણી પહેલાં મેન્કોઝેબ ૧ કિલો દવા સાથે ૫ કિ.ગ્રા. શંખજીરૂનું મિશ્રણ કરી દેવાની સૂકી માનવત આપવી. જેથી બટાટામાં થતો કહોવારો અટકાવી શકાય તથા પાકનો ઉગાવો સારો અને એક સરખો મેળવી શકાય.
- દવાની માવજત આપેલ ટુકડાને ૮-૧૦ કલાક ખુલ્લાં છાંયામાં સુકવ્યા પછી જ વાવેતરમાં ઉપયોગ કરવો.
- બટાટા કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢ્યા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેનો વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ. વધુ આગામી અંકમાં પ્રસીધ્ધ થશે.
માહિતી સ્ત્રોત - અપૂર્વકુમાર એમ. પટેલ અને શરદકુમાર એચ. પાલડીયા વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી - ૩૯૬ ૪૫૦
Share your comments