આજના સમયમાં એક તરફ શહેરીકરણ વધવાથી ખેતીલાયક જમીન અને પાણીની અછત ઉભી થઇ રહી છે તો બીજી તરફ જળવાયું પરિવર્તનના કારણે ચીલાચાલુ ખેતીમાં મુશ્કિલો ઉભી થવાથી નફાકારક ખેતી કરવું અઘરૂં બની રહયું છે. આવી પરિસ્થિતિમાં નફાકારક ખેતી કરવા માટે હાઇડ્રોપોનીક્સ ખેતી (Hydroponics Farming) વિષે જાણવા જેવું છે.
હાઈડ્રોપોનિક ફાર્મિંગ તકનીક એક એવી પદ્ધતિ છે જેને અપનાવીને વગર માટીએ ખેતીને બહુ જ વૈજ્ઞાનિક તકનીકથી કરવામાં આવે છે. તમે લોકોએ જોયું જ હશે અથવા તમારા ઘેર આ પ્રકારનો આવિષ્કાર પણ કર્યો હશે કે કોઈ છોડને ગ્લાસ અથવા બોટલમાં નાખી દે છે, અને થોડા જ દિવસોમાં તેમાં મૂળ ઉત્પન્ન થવા લાગે છે! તો તેનાથી એ સિદ્ધ થાય છે કે માટી વિના પણ ખેતી કરવી શક્ય છે.
હાઈડ્રોપોનિક્સ કૃષિ શું છે?
હાઇડ્રોપોનીક્સ (Hydroponics) એક એવી ખેતી પધ્ધતિ છે જેમાં વગર માટી અને ઓછા પાણી સાથે નિયંત્રિત તાપમાનમાં પાક ઉગાડવામાં આવે છે. આ પાકની ખેતી માટીને બદલે અન્ય આધાર જેવાકે કોકોપીટ, પરલાઇટ અને રોક્વુલ વિગેરે પર કરવામાં આવે છે. પાકના છોડને જોઈતા પોષક તત્વો પાણીમાં ઓગાળીને જરૂરિયાત પ્રમાણે પાઇપ અથવા ખાસ પધ્ધતિથી પુરા પાડવામાં આવે છે. તેમાં પાણીની સાથે જ છોડને ખનીજ પોષણ પહોંચાડવામાં આવે છે. એક છોડને વિકાસ માટે સૂર્યપ્રકાશ અને ન્યુટ્રિશનની જરૂર હોય છે. જો તે છોડને પર્યાપ્ત માત્રામાં મળે છે તો માટી વગરની ખેતીને છત પર અથવા કોઈપણ જગ્યાએ કરી શકાય છે.
હાઇડ્રોપોનિક્સ ખેતી કેવી રીતે કરવી?
માટી રહિત ખેતી કરવા માટે તમારે જરૂરી પોષક તત્વો, રેતી, કાંકરા, કોકોપીટ, પરલાઇટ વગેરેની જરૂર પડે છે. જેમાં કોઈ કુંડા, નળીવાળી ટાંકી, પાઈપ, બેગ વગેરેનો ઉપયોગ એ પ્રકારે કરવામાં આવે છે કે પાણીનો પ્રવાહ હંમેશાં જળવાઇ રહે કારણ કે પાણીની સાથે જ જરૂરી પોષક તત્વો પણ છોડને મળતા રહે.
હાઈડ્રોપોનિક ખેતી વ્યવસાય શરૂ કરતા પહેલાં હાઈડ્રોપોનિક ખેતીની ટ્રેનીંગ જો શક્ય હોય તો અવશ્ય લેવી, જેના માધ્યમથી યુવા કિસાનને એ જાણકારી મળે છે કે જે છોડને તે લગાડવા જઈ રહ્યા છે અથવા જે ખેતી તેઓ કરવા ઈચ્છે છે તેને કયા પ્રકારે અને કેટલી માત્રામાં પોષણ આહાર ની જરૂર પડશે, છોડના મૂળને ઓક્સિજન કયા પ્રકારે ઉપલબ્ધ કરાવી શકાય. છોડને લગાડવા માટે કયા પ્રકારનું સેટઅપ લગાવવામાં આવે અને કયા પાકને કેટલા તાપમાનની જરૂર પડશે.
હાઇડ્રોપોનીક્સ ખેતીની ખાસિયતો
- હાઇડ્રોપોનીક્સ ખેતીમાં પાણીની 90% જેટલી બચત થાય છે.
- આ પધ્ધતિ દ્વારા સીઝન વગર પણ શાકભાજી વિગેરેની ખેતી કરી શકાય છે.
- ઉંચી ગુણવત્તા અને વધુ ઉત્પાદન મળે છે.
- પોષક તત્વોનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
- નિયંત્રીત તાપમાનમાં ખેતી થવાથી સિજન વગર ખેતી કરી વધુ ભાવ મેળવી શકાય છે.
- રોગ જીવાતનો નહીવત ઉપદ્રવ.
- નિંદામણનો 100% નિયંત્રણ.
માહિતી સ્ત્રોત - વિક્રમ એન. શિયાલ અને મયુર કે. રાઠવા નવસારી કૃષિ મહાવિધ્યાલય, નવસારી-૩૯૬ ૪૫૦
Share your comments