ગુજરાતમાં વર્ષ 2007ની આસપાસનાં બે-ત્રણ વર્ષમાં ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું હતું. એ ગાળાને યાદ કરીએ ત્યારે દુઃખ થાય છે. મીડિયામાં અને બધે જ આ મુદ્દાની ચર્ચા હતી. લોકો અફસોસ કરતા હતા, ત્યારે કેટલાક લોકોએ ખેડૂતોની આવક વધે એવા પ્રયાસો કરવાનો વિચાર તરતો મૂક્યો હતો. એવા જ કેટલાક વિચારોને વધારે આગળ ધપાવીને અહીં એની રજૂઆત કરવા પ્રયાસ કર્યો છે.
ખેડૂતની આવકના ચિંતાજનક આંકડાઃ ગુજરાતમાં સરેરાશ ખેડૂતની માસિક-વાર્ષિક આવક ઓછી છે, અને ખર્ચનું પ્રમાણ વધી ગયું છે. કેન્દ્ર સરકારના આંકડાઓ જોતાં જણાય છે કે, ગુજરાતમાં ખેડૂત-દીઠ માસિક આવક માત્ર રૂપિયા 7926 જેટલી છે. પંજાબ કે હરિયાણા જેવાં અન્ય રાજ્યોની સરખામણીએ આ આવક ઘણી ઓછી કહેવાય. પંજાબના ખેડૂતોની માસિક આવક રૂપિયા 18,049 છે, જે ટકાવારીમાં 40 ટકા થાય છે. તો હરિયાણાના ખેડૂતોની માસિક આવક 54 ટકા થાય છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાતના ખેડૂતોની દૈનિક આવક રૂપિયા 264 છે. સરકારે અકુશળ ખેતમજૂર માટે દૈનિક મજૂરીના દર રૂપિયા 341 નિશ્ચિત કરેલા છે, એનાથી આ આવક 77 રૂપિયા ઓછી છે. તો સાધારણ ખેતમજૂરની દૈનિક મજૂરી રૂપિયા 178 છે.
ઓછી આવકમાં ગુજરાન ચલાવવા મજબૂરઃ ગુજરાતમાં 39.30 લાખ ખેડૂત પરિવારોની વાર્ષિક આવક રૂપિયા એક લાખથી ઓછી છે અને એની પાછળ સિંચાઈ-સુવિધાનો અભાવ જેવાં અનેક કારણો છે. ક્યારેક પાક પણ નિષ્ફળ જાય છે અને ક્યારેક પાક લેવામાં સૂઝબૂઝનો અભાવ જોવા મળે છે. તો છેલ્લાં કેટલાંક વર્ષોથી ખેડૂત રોકડિયા પાક લેતો થયો છે, જેથી અન્ય પાકો માટેના ખર્ચા પરવડતા નથી.
ઓછી જમીનઃ ગુજરાતમાં મોટી અને વિશાળ જમીનો ધરાવતા ખેડૂતોની સંખ્યા ઘટતી જાય છે, અને તેની સામે નાના સીમાંત ખેડૂતોની સંખ્યા વધતી જાય છે. આનું કારણ મોટા પરિવારોના ભાગલા થતી વખતે ભાગે આવતી જમીન ઓછી હોવાનું પણ હોઈ શકે છે. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં લગભગ 85 ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે, જેમના કબ્જામાં બે હૅક્ટરથી ઓછી જમીનો છે. આ કારણે પણ ગુજરાતમાં ખેડૂતની આવક ઘટી છે.
નીચા ભાવે અનાજ વેચવાની મજબૂરીઃ ગુજરાતના ખેડૂતને ક્યારેક પોતાના ધાર્યા ભાવથી ઘણા નીચા ભાવે પોતાનાં ખેત-ઉત્પાદનો વેચવાની મજબૂરી ઊભી થાય છે, અથવા તો માલને જાહેર માર્ગો પર નિકાલ કરી દેવાનું વલણ દાખવવું પડે છે. આ પણ ખેડૂતની સરેરાશ આવક ઘટવાનું એક કારણ હોઈ શકે. વળી, ગુજરાતમાં હૅક્ટરદીઠ ઉત્પાદકતામાં પણ ઘટાડો થયો છે.
આ બધી વાસ્તવિકતા છે, અને એને બદલવામાં જ ખેડૂતની હિંમત રહેલી છે. અહીં નીચે કેટલાંક પગલાં આપ્યાં છે, જે સમજી-વિચારીને ગુજરાતનો ખેડૂત પોતાને સધ્ધર કરી શકે છે અને કદી દેવાદાર બનાય નહીં, તે સુનિશ્ચિત કરી શકે છે.
ખેતીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખવોઃ ગુજરાતનો ખેડૂત ક્યારેક ‘ગાજરની પિપૂડી, વાગી તો વાગી, નહીં તો કરડી ખાધી’-વલણ રાખતો જોવા મળે છે, જે તાકીદે છોડી દેવાની જરૂરિયાત છે. આવા વલણમાં કશો ફાયદો નથી, પરંતુ બીબીંઢાળ જિંદગીનો સરળ રસ્તો છે. એમાં કશી નવીનતા નથી, અને ઊલટાનું જ્યારે દેવું ચડી જાય ત્યારે મોતનો માર્ગ હાથમાં આવે છે.
એના બદલે ખેડૂતે વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓ સમજીને તેનો ઉપયોગ કરવો જોઈએ. કેટલાક ખેડૂતો ડ્રીપ-સિંચાઈ, માટીની તપાસ, બિયારણની ઉચ્ચતાની ખાતરી તથા સારું છાણિયું ખાતર નાખીને જમીનને તંદુરસ્ત રાખવાની કસરત કરતા હોય છે. આ પદ્ધતિઓ સારી છે. આમાં વિજ્ઞાન છે, અને તેથી નુકસાન નથી.
સરકારી યોજનાઓનો લાભઃ ગુજરાતના ખેડૂતને સરકારી સહાયો અંગે બહુ ઓછી માહિતી હોય છે. ઘણી વાર તમે સમજાવવા જાઓ તો તમને જ કેટલાક ખેડૂતો શંકાની નજરે જોતા હોય છે! કેટલાક ખેડૂતો તો સરકારી એજન્ટોને પણ લેભાગુ સમજી લેતા હોય છે. ખેડૂતોના આવા વલણના કારણે કેટલીક યોજનાઓનો લાભ ખેડૂત સુધી પહોંચતો અટકે છે, અને ખેડૂત હતો ત્યાંનો ત્યાં જ રહી જાય છે. હવે, જે ખેડૂત સરકારી યોજનાની સમજ આપવા આવેલા અધિકારીઓને જ ન સાંભળતો હોય એ સરકાર પાસે જઈને સહાય માગે એ તો બહુ દૂરની વાત કહેવાય. એટલે, સો વાતની એક વાત, ગુજરાતના ખેડૂતે સરકારની ખેડૂતલક્ષી યોજનાઓથી વાકેફ થતા રહેવું પડશે. ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ લેતા થશે એટલે એમની તો સ્થિતિ સુધરશે પરંતુ સાથોસાથ કૃષિક્ષેત્રનો પણ વિકાસ થશે. વર્તમાન વડાપ્રધાન ઇચ્છે છે કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી, તો એમાં ખેડૂત પોતે પણ થોડો સહકાર આપે તો સોનામાં સુગંધ ભળશે.
ઋતુ-આધારિત ખેતી કરવીઃ ગુજરાતના ખેડૂતે ઋતુ-આધારિત ખેતીના વિકલ્પ પર પણ ધ્યાન આપવા જેવું છે. વર્ષોથી ગુજરાતનો ખેડૂત વધારે ખર્ચાળ ખેતી જ કરતો આવ્યો છે, પણ હવે એમાં પરિવર્તન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. જો દેવામાં ડૂબી જવાની સ્થિતિ આવતી હોય તો એક વાર શાંતિથી બેસીને તેના ઉપાય વિચારવા જોઈએ, મરી ન જવું જોઈએ. ખાસ કરીને ઋતુ પર આધારિત ખેતી કરવાથી દર ઋતુમાં એક પાકની આવક નિશ્ચિત થઈ જાય છે. સાથોસાથ, માટીની સ્થિતિની ચકાસણી કરાવતા રહીને વૈજ્ઞાનિક ધોરણે ખેતી કરવાનો પણ વિકલ્પ સારો અને આવકાર્ય છે.
વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીઃ કેટલાક ખેડૂતો વૈજ્ઞાનિક ખેતી શબ્દોને સમજવામાં અર્થનો અનર્થ કરે છે અને વૈજ્ઞાનિક ખેતીને પેન્ટ-શર્ટ-ટાઇ પહેરેલા શહેરી યુવાન સાથે ગણી લે છે. પરંતુ વૈજ્ઞાનિક ખેતીનો અર્થ છે ખેતીની જમીનનો સ્વભાવ ઓળખવો, પાકને ઓળખવો અને સિંચાઈ-પદ્ધતિને સમજવી વગેરે. કોઈ પણ પાક લેતાં પહેલાં જમીનને સમજી-ઓળખી લેવી જોઈએ. કપાસ અને એરંડી જેવા પાક અને ડાંગર, ચણા, ઘઉં વગેરે પાક અલગ અલગ છે, તમાકુ વળી સાવ અલગ છે. તેથી, ખેડૂતે વિજ્ઞાનનાં સંશોધનો અને નવી શોધખોળો વગેરેનો આશ્રય લેવો જોઈએ. સાથોસાથ, દરિયાઈ ખેતી જેવાં સાહસિક પગલાં લેતાં પણ ખેડૂતે પાછીપાની કરવી ન જોઈએ.
સરકારી સહાયથી સાધનઃ ખેડૂતે સરકારી સહાય વડે મીની-ટ્રૅક્ટર જેવાં સાધનો વસાવવામાં પાછા પડવું ન જોઈએ. આવાં સાધનોમાં ઉત્તમ સહાય સરકાર તરફથી મળે છે, પરંતુ મોટા ભાગના ખેડૂતોને એનો ખ્યાલ હોતો નથી. આવી સહાયના કારણે ખેડૂતની પાસે પોતાનું સાધન કે વાહન થઈ જાય છે, જેનો તે ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે. તાજેતરમાં ગુજરાત સરકારે ખેડૂતોને સહાયની સાત યોજનાઓ જાહેર કરી છે, એમાં ટ્રૅક્ટર માટે સહાય તથા ખેતરમાં વાડ માટે સહાય વગેરે જેવી સાત સહાયની વિગતો છે.
Share your comments