કમોસમી માવઠાંને કારણે કેરીના પાકને નુકસાન
જાન્યુઆરી મહિનો પૂર્ણ થવાના આરે છે, છતાં પણ માત્ર 20 ટકા આંબાને 9 મહોર આવ્યા છે. જેના માટે પ્રતિકૂળ વાતાવરણ જવાબદાર છે. વારંવાર કમોસમી માવઠાં વરસવાને કારણે આંબા પર મહોર મોડા આવી રહ્યા છે. જેને લઈને ખેડૂતોનુ કહેવુ છે કે આંબા પર મહોર મોડા આવવાથી કેરીના આગમનમાં એક મહિનો મોડુ થશે. ગયા વર્ષે પણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે કેસર કેરી બજારમાં મોડી આવી હતી. અને આ વર્ષે પણ બજારમાં કેરી એક મહિનો મોડી આવે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
વાદળછાયું વાતાવરણ બગાડશે કેરીની મજા
કૃષિ વિભાગના અધિકારીએ માહિતી આપી છે કે આમ તો જાન્યુઆરી મહિનાની મધ્યમાં જ 70 ટકા આંબાને મહોર આવી જતા હોય છે. પરંતુ અત્યારે માત્ર 20 ટકા આંબા પર જ મહોર આવ્યા છે. આ વર્ષે વધારે પડતી ઠંડી પડવાને કારણે, કમોસમી માવઠા વરસવાને કારણે અને વાદળછાયા વાતાવરણને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. અને તેના કારણે કેરીનો પાક 1 મહિનો મોડો બજારમાં આવશે.
મે મહિનામાં આવશે કેરી
ખેડૂત આગેવાનોનુ પણ કહેવુ છે કે માર્ચ મહિનામાં અથાણા માટેની કેરીઓ બજારમાં આવી જશે, જ્યારે ખાવા લાયક કેરી મે મહિનામાં બજારમાં આવી શકે તેમ છે. ભય એ વાતનો છે કે હજુ પણ રાજ્યમાં કમોસમી માવઠાં વરસવાની ભીતિ જોવા મળી રહી છે. અને હજી સુધી ગુજરાતમાં હવામાન સ્થિર થયું નથી તેથી કેરીનુ ઉત્પાદન કેટલુ થશે તે હજી સુધી નિશ્ચિત નથી. ઉપરાંત ખેડૂત નેતાનુ કહેવુ છે કે આ વર્ષે ઈયળ, થિપ્સ અને મઘીયો જેવી જીવાતના કારણે આંબા પર મહોર હજી સુધી આવ્યા નથી. અને જંતુના નાશ માટે બે વખત છોડને દવા પણ આપવામાં આવી છે. પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે આંબાના વૃક્ષોને નુકસાન થયુ હોવાથી ઉત્પાદકોને અસર પહોંચવાની સંભાવના છે.
ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં
કમોસમી માવઠાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આફૂસ કેરી માટે જાણીતા વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીના પાકની તૈયારી કરી રહ્યા છે. પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે બજારમાં પાક મોડો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.
Share your comments