હળદર વાયદામાં તેજી હવે સમી ગઈ છે અને ભાવ છેલ્લા ત્રણ સપ્તાહમાં સરેરાશ ૧૫ ટકાથી પણ વધુ તુટી ગયાં છે. હળદરની લેવાલી હાલ ઓછી થત્તા અને સારો વરસાદ પડ્યો હોવાથી નવી સિઝનમાં પાક સારો થાય તેવી આશા બંધાણી હોવાથી હળદરમા વેચવાલી આવી છે.
હળદર બેન્ચમાર્ક વાયદો શુક્રવારે બે ટકાથી પણ વધુ ઘટીને રૂ.૭૩૦૦ની સપાટી નજીક પહોંચ્યો હતો, જે ૨૫મી ઓગસ્ટનાં રોજ ભાવ વધીને રૂ.૮૬૮૬ની સપાટી પર પહોંચ્યા હતાં. આમ ત્રણેક સપ્તાહમાં ભાવ ૧૬ ટકા જેટવા ઘટી ગયાં છે. એ અગાઉ હળદરનાં વાયદામાં ૨૦ ટકા જેવી તેજી આવી હતી.
નિઝામાબાદમાં હળદરનાં ભાવ સરેરાશ રૂ.૬૨૯૫ ચાલી રહ્યાં છે, જેમાં આ સમયગાળામાં રૂ.૨૦૦થી ૩૦૦નો ઘટાડો આવ્યો છે.
સાંગલીનાં એક હળદરનાં વેપારીએ જણાવ્યુ હતુ કે હળદરમાં હાલ લેવાલી એકદમ ઓછી હોવાથી વાયદામાં પણ વેચવાલી આવી છે. ઓગસ્ટ મહિનામાં હળદરની માંગ સામાન્ય રીતે ઓછી રહેતી હોય છે, પંરતુ સપ્ટેમ્બરમાં સારી માગં રહેતી હોય છે, જે ચાલુ વર્ષે બે સપ્તાહ વિતી ગયા હોવા છત્તા સારી માંગ જોવા મળતી નથી.હળદરમાં નિકાસ પૂછપરછ પણ હાલ એકદમ ઓછી છે, જેની અસર પણ બજાર ઉપર જોવા મળી રહી છે.
હળદરના નવા પાક અંગે જાણકારો કહે છેકે ચાલુ મહિનાનાં અંતે નવી સિઝનનો અંદાજ લગાવી શકાશે, પંરતુ સરેરાશ ૧૫થી ૨૫ ટકા પાક ઊંચો આવે તેવી ધારણાં છે. નવી હળદરની આવકો તો છેક જાન્યુઆરી મહિનાથી શરૂ થતી હોય છે. હળદરમાં કોરનાની માંગને કારણે ગત ફેબ્રુઆરીમાં ભાવ રૂ.૯૦૦૦ની ઊંચી સપાટી પર પહોંચ્યાં હતાં, જેમાં હવે ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે.
Share your comments