ભારતવર્ષમાં કૃષિ એક અગ્રીમ ક્ષેત્ર છે. ભારતમાં લોકો મુખ્યત્વે સીધી અથવા આડકતરી રીતે ખેતી પર નભે છે. હાલનાં બદલાતા જળવાયું પરિવર્તનના યુગમાં કૃષિપાકો સામે અનેક નવી સમસ્યાઓ છે. બદલાતા હવામાનમાં તાપમાન અને વરસાદ મુખ્ય ઘટકો છે. ભારતમાં વધતી જતી વસ્તી તથા ઉદ્યોગ, શહેરીકરણના લીધે માથાદીઠ ખેતી લાયક જમીન ઘટતી જાય છે, જે સ્વીકારવું રહ્યું. આપણા દેશમાં ખેડૂતો ખેતી સાથે સાથે પશુપાલનના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે, ચોમાસા દરમિયાન થતા અનિયમિત વરસાદના લીધે ક્યારેક યોગ્ય ઉત્પાદન લઇ શકાતું નથી. વધુમાં શિયાળુ તથા ઉનાળુ ઋતુમાં ઘાસચારાની ખુબજ ઉણપ વર્તાય છે. તેથી ખેડૂતમિત્રો, આજના આ બદલાતા હવામાનના યુગમાં ટકી રહેવા માટે ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન અને આવક મળે એના માટે પાકનાં વાવેતરનો યોગ્ય સમય પસંદ કરી ખેતીને એક ઉત્તમ નફાના વ્યવસાય તરીકે વિકસાવવો પડશે. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ભારત સરકારશ્રીએ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટેનું જે લક્ષ્ય નક્કી કર્યું છે, તેમાં ભાગીદાર થવા માટે પશુપાલન સાથે યોગ્ય સમયે યોગ્ય પાકો લઇ મહત્તમ ફાયદો થાય એવા પ્રયાસ કરવા પડશે.
ગુજરાતના ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં બાજરી એક મુખ્ય પાક છે. જે અનાજ ઉપરાંત ઘાસચારા માટે પણ એક ઉતમ સ્ત્રોત છે. કૃષિ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ગુજરાત રાજ્યમાં ચોમાસું બાજરીની ઉત્પાદકતા ૧૨૭૨.૦ કી.ગ્રા./હે. તથા ઉનાળુ બાજરીની ઉત્પાદકતા ૨૬૪૨ કી.ગ્રા./હે. રહેવાની ધારણા કરેલ છે. ચોમાસું બાજરીમાં અનિયમિત વરસાદ, વધુ પડતા રોગ, જીવાતો તથા કુદરતી આફતોના લીધે ઘણીવાર ખેડૂતોને ખુબજ આર્થીક નુકશાન થતું હોય છે અને સાથે સાથે ખેડૂતોને શિયાળા તથા ઉનાળા દરમિયાન સુકા ઘાસચારાની ખુબજ અછત વર્તાય છે. તો આવા વિકટ પ્રશ્નનો હલ કરવા માટે આપણે સજાગ થવું પડશે. આ પડકારને પહોચી વળવા આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કેન્દ્રો જેમ કે, કૃષિ સંશોધન કેન્દ્ર, જબુગામ, કૃષિ સંશોધન કેન્દ્ર (પિયત પાકો), ઠાસરા, આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર, દેવગઢ બારિયા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ, દેથલી ખાતે વર્ષ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ દરમિયાન અર્ધ શિયાળુ બાજરી પર ફેરરોપણી સમય તથા જુદી જુદી હાઇબ્રીડ જાતો ઉપર એક પ્રયોગ હાથ ધરવામાં આવેલ જેના પરિણામો ખુબજ ઉત્કૃષ્ઠ આવ્યા છે જે ખેડૂતમિત્રો માટે ખુબજ આશીર્વાદ રૂપ સાબિત થશે. અર્ધ શિયાળુ બાજરી દ્વારા ખેડૂતમિત્રો પોતાની દૈનિક જરૂરિયાત એવા પૌષ્ટિક અનાજ ઉપરાંત ઉંચી ગુણવત્તા વાળો ઘાસચારો મેળવી પોતાના જીવનધોરણને સારી રીતે ટકાવી રાખવામાં સક્ષમ થશે.
કોષ્ઠક ૧. અર્ધ શિયાળુ બાજરીમાં જુદા-જુદા ફેરરોપણીના સમયગાળા દરમિયાન મળેલ ઉત્પાદન તથા આવક
ફેરરોપણીનો સમયગાળો |
ઉત્પાદન (કી.ગ્રા./હે.) |
કુલ આવક (રૂ.) |
કુલ ખર્ચ (રૂ.) |
ચોખ્ખી આવક (રૂ.) |
|
દાણા |
ઘાસચારો |
||||
૨૦ મી સપ્ટેમ્બર |
૩૦૭૯ |
૭૬૮૫ |
૮૩,૦૯૬ |
૩૦,૭૧૮ |
૫૨,૩૭૮ |
૩૦ મી સપ્ટેમ્બર |
૩૧૦૩ |
૭૬૯૦ |
૮૩,૫૭૯ |
૩૦,૭૧૮ |
૫૨,૮૬૧ |
૧૦ મી ઓક્ટોબર |
૧૯૦૮ |
૫૮૪૧ |
૫૪,૭૨૯ |
૩૦,૭૧૮ |
૨૪,૦૧૧ |
વેચાણ કિંમત:- દાણા: ૧૯.૫ રૂ./કી.ગ્રા, ઘાસ: ૩.૦ રૂ./કી.ગ્રા
ઉપરોક્ત પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે, બાજરી કે જેની ફેરરોપણી ૨૦ મી થી ૩૦ મી સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવે તો એકમ વિસ્તારમાંથી દાણા તથા સુકા ઘાસનું મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે અને સાથે સાથે વધુ ચોખ્ખી આવક મળે છે. ૧૦ મી ઓક્ટોબર દરમિયાન ફેરરોપણી કરેલ બાજરીમાં પાછળથી ઠંડીનું પ્રમાણ વધતું હોવાથી એકંદરે ફૂટની સંખ્યા ઓછી રહે છે સાથે સાથે ડુંડાની સંખ્યા, ડુંડાની લંબાઈ તથા જાડાઈ અને ડુંડામા દાણાની સંખ્યા ઓછી રહે છે. ઉપરોક્ત પરિણામો જે-તે સમયે ગોઠવવામાં આવેલ અખતરા દરમિયાનના વાતાવરણ તેમજ વપરાયેલ વસ્તુઓ અને ખેતપેદાશોના ભાવોને આધીન છે.
કોષ્ઠક ૨ માં જણાવ્યા પ્રમાણે, હાઇબ્રીડ બાજરી જીએચબી ૭૪૪ તથા જીએચબી ૭૩૨ અર્ધ શિયાળુ ઋતુ દરમિયાન ફેર રોપણી કરવાથી દાણા તથા ઘાસચારાનું એકંદરે વધુ ઉત્પાદન આપે છે અને સાથે સાથે વધુ ચોખ્ખી આવક પણ મળે છે.
કોષ્ઠક ૨. અર્ધ શિયાળુ બાજરીમાં જુદી જુદી જાતોમાં મળેલ ઉત્પાદન તથા આવક
બાજરીની હાઇબ્રીડ જાતો |
ઉત્પાદન (કી.ગ્રા./હે.) |
કુલ આવક (રૂ.) |
કુલ ખર્ચ (રૂ.) |
ચોખ્ખી આવક (રૂ.) |
|
દાણા |
ઘાસચારો |
||||
જીએચબી ૫૮૮ |
૨૭૧૦ |
૭૦૮૪ |
૭૪,૦૯૭ |
૩૦,૭૧૮ |
૪૩,૩૭૯ |
જીએચબી ૫૩૮ |
૨૨૮૫ |
૫૭૬૪ |
૬૧,૮૫૦ |
૩૦,૭૧૮ |
૩૧,૧૩૨ |
જીએચબી ૭૩૨ |
૨૮૧૨ |
૭૯૩૩ |
૭૮,૬૩૩ |
૩૦,૭૧૮ |
૪૭,૯૧૫ |
જીએચબી ૭૪૪ |
૨૯૭૮ |
૭૫૦૭ |
૮૦,૫૯૨ |
૩૦,૭૧૮ |
૪૯,૮૭૪ |
વેચાણ કિંમત:- દાણા: ૧૯.૫ રૂ./કી.ગ્રા, ઘાસ: ૩.૦ રૂ./કી.ગ્રા
કોષ્ઠક ૩. અર્ધ શિયાળુ બાજરીમાં જુદી જુદી જાતોમાં ફેરરોપણીના સમયગાળાની અસરો
ફેરરોપણીનો સમયગાળો |
બાજરીની હાઇબ્રીડ જાતો |
ઉત્પાદન (કી.ગ્રા./હે.) |
કુલ આવક (રૂ.) |
કુલ ખર્ચ (રૂ.) |
ચોખ્ખી આવક (રૂ.) |
|
દાણા |
ઘાસચારો |
|||||
૨૦ મી સપ્ટેમ્બર |
જીએચબી ૫૮૮ |
૩૦૭૮ |
૭૯૩૦ |
૮૩,૮૧૧ |
૩૦,૭૧૮ |
૫૩,૦૯૩ |
જીએચબી ૫૩૮ |
૨૬૮૧ |
૬૩૮૧ |
૭૧,૪૨૩ |
૩૦,૭૧૮ |
૪૦,૭૦૫ |
|
જીએચબી ૭૩૨ |
૩૧૬૫ |
૮૬૨૫ |
૮૭,૫૯૩ |
૩૦,૭૧૮ |
૫૬,૮૭૫ |
|
જીએચબી ૭૪૪ |
૩૩૯૧ |
૭૮૦૪ |
૮૯,૫૩૭ |
૩૦,૭૧૮ |
૫૮,૮૧૯ |
|
૩૦ મી સપ્ટેમ્બર |
જીએચબી ૫૮૮ |
૩૧૩૨ |
૭૭૫૭ |
૮૪,૩૪૫ |
૩૦,૭૧૮ |
૫૩,૬૨૭ |
જીએચબી ૫૩૮ |
૨૬૮૦ |
૫૯૧૩ |
૬૯,૯૯૯ |
૩૦,૭૧૮ |
૩૯,૨૮૧ |
|
જીએચબી ૭૩૨ |
૩૨૪૪ |
૮૯૬૫ |
૯૦,૧૫૩ |
૩૦,૭૧૮ |
૫૯,૪૩૫ |
|
જીએચબી ૭૪૪ |
૩૩૫૬ |
૮૧૨૭ |
૮૯,૮૨૩ |
૩૦,૭૧૮ |
૫૯,૧૦૫ |
|
૧૦ મી ઓક્ટોબર |
જીએચબી ૫૮૮ |
૧૯૨૦ |
૫૫૬૬ |
૫૪,૧૩૮ |
૩૦,૭૧૮ |
૨૩,૪૨૦ |
જીએચબી ૫૩૮ |
૧૪૯૫ |
૪૯૯૯ |
૪૪,૧૫૦ |
૩૦,૭૧૮ |
૧૩,૪૩૨ |
|
જીએચબી ૭૩૨ |
૨૦૩૦ |
૬૨૦૯ |
૫૮,૨૧૨ |
૩૦,૭૧૮ |
૨૭,૪૯૪ |
|
જીએચબી ૭૪૪ |
૨૧૮૮ |
૬૫૯૦ |
૬૨,૪૩૬ |
૩૦,૭૧૮ |
૩૧,૭૧૮ |
વેચાણ કિંમત:- દાણા: ૧૯.૫ રૂ./કી.ગ્રા, ઘાસ: ૩.૦ રૂ./કી.ગ્રા
કોષ્ઠક ૩ માં હાઇબ્રીડ જાતોની જુદા જુદા સમયગાળા દરમિયાન ફેરરોપણી કરવાથી ઉત્પાદન પર પડતા ફેરફારની વિગત જણાવેલ છે. પરિણામો પરથી તારણ કાઢી શકાય કે, બાજરીની હાઇબ્રીડ જાતો જીએચબી ૭૪૪ તથા જીએચબી ૭૩૨ ની ફેરરોપણી ૨૦ થી ૩૦ મી સપ્ટેમ્બર દરમિયાન કરવાથી એકમ વિસ્તાર દીઠ દાણા તથા સુકા ઘાસનું મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે પરિણામે વધુ ચોખ્ખી આવક મળે છે.
No tags to search
અર્ધ શિયાળુ બાજરી માટે આટલું કરો:
- સૌ પ્રથમ ઉપર ભલામણ કર્યા મુજબ બાજરીની સારી હાઇબ્રીડ જાતની પસંગી કરો.
- ફેરરોપણીના એક મહિના પહેલા ઉપરોક્ત પસંદ કરેલ જાતનું યોગ્ય રીતે ધરૂવાડિયું તૈયાર કરવું. (એટલે કે ૨૦ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ફેરરોપણી કરવા માટે ૨૦ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન ધરૂવાડિયું તૈયાર કરવું).
- ત્યારબાદ ખેતરને યોગ્ય રીતે તૈયાર કરી સરખો ભેજ હોય ત્યારે સાંજના સમયે ૨૦ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન બાજરીના ધરુંને ઉપરથી કાપીને ફેરરોપણી કરવી. ફેરરોપણી કરતા પહેલા ચાસમાં ભલામણ કરેલ ખાતરો આપવા. (ભલામણ કરેલ ખાતર: ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા ૬૦ કી.ગ્રા. ફોસ્ફોરસ છે, જેમાંથી ૬૦ કી.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફોરસ ફેરરોપણી વખતે ચાસમાં આપવો અને બાકીનો ૬૦ કી.ગ્રા. નાઈટ્રોજન ફેરરોપણી બાદ ૩૦ દિવસે આપવો).
- જરૂર જણાયે પાકમાં એક થી બે વાર હાથ નિંદામણ તથા આંતરખેડ કરવી અને પાકમાં જરૂરી પિયત આપવા.
- ખેતરની ફરતે ચળકતી પ્લાસ્ટિક રીબીન(પટ્ટી) બાંધવાથી પક્ષીઓથી થતા નુકશાનને ઓછું કરી શકાય છે.
- લગભગ ત્રણ મહિના પછી પાકવાની અવસ્થા આવે છે તો યોગ્ય રીતે કાપણી કરી ડુંડાની લણણી કરી સારું ઉત્પાદન લઇ શકાય છે.
અર્ધ શિયાળુ બાજરીના ફાયદા:
- એકમ વિસ્તારમાંથી ખરીફ ઋતુ કરતા દાણા તથા સુકા ઘાસનું વધુ ઉત્પાદન લઇ શકાય છે.
- એકમ વિસ્તારમાંથી ખરીફ ઋતુ કરતા વધુ ચોખ્ખી આવક મળે છે.
- બદલાતા હવામાનમાં ખુબજ સરસ રીતે પાક લઇ શકાય છે.
- ઉનાળુ ઋતુની સરખામણી એ ઓછા પિયતની જરૂર પડે છે.
- શિયાળુ તથા ઉનાળું ઋતુ દરમિયાન પડતી ઘાસચારાની તંગી નિવારી શકાય છે.
- ચોમાસું બાજરીની સરખામણીમાં ઘણું વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
- ઉનાળુ ઋતુની જેમ પાછળ વરસાદ નડતો નથી અને સારું ઉત્પાદન લઇ શકાય છે.
- બાજરી વાવતાં પહેલા ચોમાસામાં કોઈ ટૂંકા ગળાનો પાક લઇ શકાય છે.
- જ્યાં ઉનાળા દરમિયાન પિયત પાણીની અછત સર્જાય છે એવા વિસ્તારો માટે આ પાક ખુબજ આશીર્વાદ રૂપ છે.
આશા રાખીએ છીએ કે, ખેડૂતમિત્રો આ માહિતીથી સંતુષ્ઠ થશે અને અર્ધ શિયાળુ બાજરીના નવીન અભિગમને અપનાવશે જે આવનારા ભવિષ્યમાં હવામાન બદલાવના કારણે આવનાર પડકારોને પહોચી વળવામાં ઉતમ સાબિત થશે. વધુ માહિતી માટે કૃષિ સંશોધન કેન્દ્ર, કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામનો રૂબરૂમાં અથવા મો. નં. ૯૪૨૬૪૮૫૮૩૦, ૯૭૨૪૩૧૯૪૫૫ પર સંપર્ક કરવો.
આ પણ વાંચો:ગાજરની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો અને મેળવો વિપુલ આવક
ડૉ. એચ. સી. પરમાર, ડૉ. વિનોદ બી. મોર, ડૉ. આર. પી. કાચા, ડૉ. જી. જે. પટેલ, ડૉ. એસ. યુ. ઝાલા, ડૉ. એમ.વી. પટેલ અને ડૉ. કે. બી. કથીરિયા
કૃષિ સંશોધન કેન્દ્ર, કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામ
કૃષિ સંશોધન કેન્દ્ર (પિયત પાકો), આણંદ કૃષિ યુનિવર્સિટી, ઠાસરા
આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારિયા
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ, દેથલી
ઈ-મેઈલ: hcparmar@aau.in મો: ૯૭૨૪૩ ૧૯૪૫૫, ૯૪૨૬૪ ૮૫૮૩૦
Share your comments