કપાસમાં જુદી–જુદી જીવાતો નુકશાન કરે છે. કપાસનો છોડ પોતે જીવાતનાં નુકશાનને અમુક હદ સુધી સહન કરે છે તેથી તેની વૃધ્ધિ પર અસર જણાતી નથી. પાકમાં જીવાતની સંખ્યા વધે તેમ નુકશાનમાત્રા પણ વધે છે. જે તે જીવાતની સંખ્યાના કારણે પાકમાં નુકશા માત્રા એટલી વધે જેથી છોડની વૃધ્ધિ તથા ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે, ઉત્પાદન ઘટે અને પરિણામે આર્થિક નુકશાની સહન કરવી પડે. આવી પરિસ્થિતિ માટે જીવાતની ચોકકસ સંખ્યા જવાબદાર છે. જેને આર્થિક ક્ષમ્યમાત્રા કહેવાય છે.
કપાસમાં પણ વિવિધ જીવાતોનો અભ્યાસ કરી તેની ક્ષમ્યમાત્રા નકકી કરવામાં આવે છે. ક્ષમ્યમાત્રા નકકી કરી તેના પર જીવાતની સંખ્યા ગણવાની હોય છે. સમાંતરે આવી રીતે જીવાતના અવલોકનો લઈ ક્ષમ્યમાત્રાની ગણતરી કરી જંતુનાશક દવા કે અન્ય નિયંત્રણ પગલા લેવા જોઈએ. જીવાતની ક્ષમ્યમાત્રાને ધ્યાને લઈ જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી દવાનો આડેધડ ઉપયોગ ટાળી શકાય અને તેના પરિણામરૂપ જીવાતને કુદરતી રીતે નિયંત્રણ કરતા કુદરતી દુશ્મનોની વસ્તી જાળવી શકાય, જીવાતમાં જંતુનાશક દવા સામેની પ્રતિકારકશકિત ઓછી થાય તેમજ પર્યાવરણને ઝેરી અસરથી બચાવી શકાય.
કપાસ પાકમાં જુદી જુદી જીવાતોની ક્ષમ્યમાત્રા નકકી કરવાની પધ્ધતિ નીચે મુજબ છે.
૧. ગુલાબી ઈયળ:
ક્ષમ્યમાત્રા :
દરરોજના ૮ નર ફુદા/ ફેરોમેન ટ્રેપ એક ફેરોમેન ટ્રેપમાં ૮ નર ફૂદાંઓ પ્રતિ દિવસમાં અને તે સતત ત્રણ દિવસ સુધી આકર્ષાય ત્યારે અથવા ૧૦ ટકા નુકસાન પામેલા ફુલો અથવા જીંડવામાં જીવતી ઈયળ જોવા મળે ત્યારે અહેવાલ તૈયાર કરવો.
ર. ટપકાવાળી ઈયળ:
ક્ષમ્યમાત્રા :
ર૦ ઈયળ / ર૦ છોડ નિયત કરેલ પ્લોટમાંથી અંગ્રેજી ડબલ્યુ આકારે ચાલીને આખા પ્લોટમાંથી રેન્ડમ પધ્ધતિથી ર૦ છોડ પસંદ કરી તેનુ બારીકાઈથી નિરીક્ષણ કરવુ અને તે દરેક છોડ પરથી ટપકાવાળી ઈયળની સંખ્યાની ગણતરી કરવી. બધા જ છોડની ઈયળોનો સરવાળો કરી તે કુલ ઈયળોનો (ર૦ છોડ માટે) અહેવાલ તૈયાર કરવો. ઈયળોની ગણતરી કરતી વખતે ઈયળનું કદ ધ્યાનમાં લેવાનું નથી.
૩. લીલી ઈયળ (હેલીયોથીસ):
ક્ષમ્યમાત્રા :
૧પ ઈયળ / ર૦ છોડ ઉપર મુજબ પસંદ કરેલ ર૦ છોડને બારીકાઈથી નિરીક્ષણ કરી, દરેક છોડ પરની લીલી ઈયળની સંખ્યાની ગણતરી કરવી. બધા જ છોડની ઈયળોનો સરવાળો આવે તે સંખ્યાનો અહેવાલ તૈયાર કરવો.
માહિતી સ્ત્રોત - પ્રો. એમ. વી. વરીયા, ડો. જી. કે. કાતરીયા, ડો. એમ. જી. વળુ, ડો. એ. એમ. પોલરા, પ્રો. ડી. કે. ડાવરા, ડી. આર. પટેલ અને પી. બી. કનેરીયા કપાસ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ. જૂનાગઢ
Share your comments