જીરૂ એ શિયાળામાં ઉગાડવામાં આવતો અગત્યનો મસાલા પાક છે. દુનિયામાં ભારત ઉત્પાદન અને જીરૂના વપરાશમાં મોખરે છે. ગુજરાતમાં ૬૦% વિસ્તારમાં જીરાનું ઉત્પાદન કરવામાં આવે છે. જીરૂની ખેતી વધુ કાળજી માંગી લેતો પાક હોવાથી ખેડૂતોએ જીરૂ પાકતા સુધી સજાગ રહેવું પડતું હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી જીરૂનું ઉત્પાદન સારૂ થતું હોવાથી જીરાની નિકાસમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે. પરિણામે ખેડૂતની આવક વધવાથી જીરૂની ખેતી કરવાનો ઉત્સાહ દર વર્ષે ખેડૂતોનો વધતો જાય છે. જીરૂના પાકમાં બરાબર કાળજી લેવામાં આવે તો આવક આપતો જાય તેવો પાક છે. જો હવામાન અનુકૂળ ન આવે તો આવક કરતાં ખોટ અથવા ખેતી ખર્ચ પણ મળતો નથી. જે ખેડૂતો જીરાની ખેતી કરવા માંગતા હોય તેઓ જીરાની વૈજ્ઞાનિક ખેતીનો બરાબર અભ્યાસ કર્યા પછી બરાબર સમજ કેળવીને જે ખેતી કરવી જોઈએ.
આબોહવા અને જમીન :-
જીરાના પાકને સારી નિતારવાળી, રેતાળ, ગોરાળું તેમજ મધ્યમ કાળી જમીન અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય તત્વ ધરાવતી જમીન વધારે માફક આવે છે. જીરાના પાકને ઠંડુ અને સુકું હવામાન વધુ માફક આવે છે. ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ જીરામાં ફૂગ જન્ય રોગોમા વધારો કરે છે.
જમીનની તૈયારી:-
જમીનમાં હળવી ઊંડી ખેડ કરવી ત્યાર પછી બે વાર કરબથી ખેડ કરી ભરભરી બનાવી અને સમાર મારી સમતલ કરવી. જમીનના ઢાળ મુજબ ક્યારા સમતલ અને નાના બનાવવા જેથી પાણીનો ભરાવો ના થાય.
સુધારેલી જાતો :-
જીરૂની જાતો જેવીકે એમ.સી -૪૩, ગુજરાત જીરૂ-૧, ગુજરાત જીરૂ-૨, ગુજરાત જીરૂ-૩, અને ગુજરાત જીરૂ-૪, જેમાં ગુજરાત જીરૂ-૨ અને ગુજરાત જીરૂ-૩ જાતોની ઉત્પાદન ક્ષમતા વધુ હોવાથી વધુ પ્રચલિત છે. પરંતુ ગુજરાત જીરૂ-૨ ની સુકરા સામે ટકી શકવાની ક્ષમતા ખુબજ ઓછી છે. જયારે ગુજરાત જીરૂ-૩ માં દાણા-ફાડા થવાનો પ્રશ્ન રહેલો છે. આથી આ બન્ને જાતોના વિકલ્પને આધારે વધુ ઉત્પાદન આપતી અને આખા, રાખોડી રંગના ગુણવતા યુક્ત દાણાવાળી અને સુકરા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત ગુજરાત જીરૂ -૪ વર્ષ ૨૦૦૩ માં બહાર પાડવામાં આવેલ છે. આ જાતની પ્રતિ હેક્ટરે ૧૨૫૩ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. આ જાત ગુજરાત જીરૂ -૨ અને ગુજરાત જીરૂ -૩ કરતા અનુક્રમે ૩૬.૦૫ અને ૨૫.૪૩ % વધુ ઉત્પાદન આપે છે. આ જાતની મહતમ ઉત્પાદનક્ષમતા ૧૮૭૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે.
વાવેતર સમય :-
નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જયારે મહત્તમ ઉષ્ણતામાન ૩૦ ડીગ્રી સેલ્સીયસ આજુબાજુ થાય ત્યારે વાવણી વધારે લાભદાઈ પુરવાર થાય છે. મોડી કરેલ વાવણીમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
વાવણીની ઊંડાઈ અને બિયારણ દર :-
વાવણીની ઊંડાઈ ૧.૫ થી ૨ સેન્ટીમીટર સુધી રાખવી જોઈએ અને એક હેક્ટર દીઠ ૧૨ થી ૧૬ કિલોગ્રામ મુજબ જીરૂના બીજનું વાવેતર કરવું જોઈએ.
વાવણીની પદ્ધતિ :-
છોડની સંખ્યા પાકની ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર કરે છે. છોડની સંખ્યા ઓછી હોવાથી ઉત્પાદન ઓછું મળે છે અને જો છોડની સંખ્યા વધુ હોય તો જગ્યા, પાણી અને ખાતર પૂરતા પ્રમાણમાં ન મળવાથી છોડનો વિકાસ થઇ શકતો નથી. મોટા ભાગે ખેડૂતો ચાસમાં વાવણી કરવાને બદલે પુખીને વાવેતર કરે છે. જેને કરણે બિયારણ એકસરખું જમીનમાં ન પડવાથી અને પિયત આપવાથી ખુલ્લી જગ્યામાં પડેલા બીજનો પાણી દ્વારા વ્યય થાય છે. જેથી જીરૂનું વાવેતર હારમાં ૩૦ સે.મી (એક ફૂટ ) ના અંતરે કરવું હિતાવહ છે.
ખાતર :-
જમીન તૈયાર કરતી વખતે એક હેક્ટર દીઠ ૧૦ થી ૧૨ ટ્રેક્ટર ટ્રોલી સારું કોહવાયેલું ગળતરીયું છાણીયું ખાતર નાખી જમીનમાં બરાબર ભેળવવું. ત્યારબાદ વાવણી વખતે ૧૫ કિલોગ્રામ નાઈટ્રોજન (૨૦ કિલોગ્રામ યુરીયા ) અને ૧૫ કિલોગ્રામ ફોસ્ફરસ (૩૩ કિલોગ્રામ ડી.એ.પી.) જમીનમાં આપવું ત્યારબાદ બીજને પુખીને અથવા ઓરીને વાવણી કરવી. બાકીનો ૧૫ કિલોગ્રામ (૩૩ કિલોગ્રામ યુરીયા ) પાક ઉગ્યા બાદ એક માસે ચાસમાં આપવું.
પિયત :-
પ્રથમ પિયત વાવણી બાદ તરતજ આપવું જોઈએ બીજું હલકું પિયત જમીનના પ્રાતને ધ્યાને રાખી ૮ થી ૧૦ દિવસના અંતરે આપવું જોઈએ. ત્રીજું પિયત ૩૦ દિવસે જયારે ચોથું પિયત ૬૦ દિવસે આપવાની ભલામણ છે.
નિંદામણ નિયંત્રણ :-
જીરાના મહત્તમ ઉત્પાદન, ચોખ્ખા વળતર અને અસરકારક નિંદામણ માટે ઓક્સાડાયાજીલ ૭૫ ગ્રામ/ હે. (૫ ઈ.સી. ૨૫ મી.લી. ૧૦ લીટર પાણીમાં )પ્રમાણે વાવણીના ૭ દિવસ પછી છંટકાવ કરવો. વાવણી બાદ ૪૫ દિવસે હાથ નિંદામણ કરવું.
રોગ-જીવત :
૧. ચરમી અથવા કાળીયો :-
આ રોગ વાદળછાયું, ભેજવાળું કે ઝાકળવાળું વાતાવરણ મળતા જ આ રોગનો ફેલાવો જોવા મળે છે. અને પાક સંપૂર્ણ પાણે નિષ્ફળ જાય છે. સામાન્ય રીતે વાવણી બાદ ૩૫ થી ૪૦ દિવસે ફૂલ આવવાની અવસ્થાએ આ રોગની શરૂઆત થાય છે. બીજ દ્વારા આ રોગનો ફેલાવો થતો હોવાથી રોગમુક્ત બીજની પસંદગી કરવી જોઈએ. પાક ૩૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૦.૨૫ ટકા (૩૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ) ભેળવી ૧૦ દિવસના અંતરે કુલ ૪ છંટકાવ કરવા જોઈએ. ક્યારીની ફરતે પાણી ભરાય ના રહે તેની કાળજી રાખવી જોઈએ. જેમ બને તેમ હલકું પિયત અને નાના ક્યારા રાખવા જોઈએ.
૨.સુકારો :-
આ રોગના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાત ગુજરાત જીરૂ-૪ નું વાવેતર કરવું જોઈએ. ટ્રાયકોડર્મા હરજીયનમ ૫.૦ કિલોગ્રામ ૫૦૦ કિલોગ્રામ દિવેલના ખોળ સાથે ભેળવી જમીનમાં વાવેતર સમયે આપવું અને ૫.૦ કિલોગ્રામ ટ્રાયકોડર્મા હરજીયનમ ૧૦૦ કીલોગ્રામ રેતીમાં ભેળવી પાક ઉગવાના એક મહિના બાદ વેરીને આપવું. બીજને વાવતા પહેલા કાર્બનડેઝીમ અથવા ક્લોરોથેનોનીલ અથવા બેનોફિટ ૩ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપી વાવણી કરવાથી સુકારનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
૩.ભૂકી છારો:-
આ રોગ ઈરીસીફી પોલીગીની નામની ફુગથી થાય છે. આ રોગનો ફેલાવો પવન દ્વારા થાય છે. આ રોગના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ દવા (૧૦ લીટર પાણીમાં ૧૦ મી.લી) અથવા પ્રોપેકોનાઝોલ દવા (૧૦ લીટર પાણીમાં ૧૦ મી.લી) અથવા ડાયફેનાકોનાઝોલ (૧૦ લીટર પાણીમાં ૧૦ મી.લી) ત્રણ છંટકાવ રોગની શરૂઆત થતા તુરંતજ ૧૫ દિવસના અંતરે કરવાથી ભૂકી છારનું નિયંત્રણ કરી શકાય છે.
જીવાતોનું સંકલિત નિયંત્રણ :-
જીરૂના પાકની સમયસર વાવણી કરવી જોઈએ. જયારે મોલોનો ઉપદ્રવ જણાય ત્યારે મોલો સહિતના પાકના ભાગોને કાપીને નાશ કરવો. જીરૂમાં મોલો અને થ્રીપ્સમાં અસરકારક નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ૩ મી.લી. ફોસ્ફોમીડોન અથવા ૧૦ મી.લી. ડાયમીથોએટ અથવા ૨૦ મી.લી મીથાઈલ –ઓ –ડેમેટોન અથવા ઈમીડાકલોપ્રીડ મિશ્ર કરી ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો. જીરૂમાં થાયમીથોક્ઝામ ૭૦ ડબ્લ્યુ.એસ. દવા ૪.૨ ગ્રામ પ્રતિ ૧ કિલોગ્રામ બીજ અને ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબ્લ્યુ.એસ. ૧૦ ગ્રામ/ કિલોગ્રામ બીજ્દીઠ પટ આપીને વાવણી કરવાથી મોલો તથા થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ થાય છે.
કાપણી:-
છોડ પુરેપુરા પીળા થાય ત્યારે કાપણી કરવાથી ગુણવતામાં સુધારો થાય છે. મોડી કાપણી કરવાથી જીરૂના દાણા ખરી પડે રંગ આછો થાય તેલના ટકામાં પણ ઘટાડો જોવા મળે છે. દાણા ખરી ના જાય તે માટે કાપણી ઝાકળ ઉડી જાય તે પહેલા અથવા સવારના ૧૦ થી ૧૧ વાગ્યા સુધીમાં કરવી જોઈએ.
પાકવાના દિવસો :-
જીરૂનો પાક ૧૦૫ થી ૧૧૦ દિવસમાં તૈયાર થઇ જાય છે.
ઉત્પાદન કિલોગ્રામ /હેક્ટર :-
૯૫૦ થી ૧૧૦૦ જેટલું સરેરાશ ઉત્પાદન મળે છે.
આ પણ વાંચો:ગાજરની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો અને મેળવો વિપુલ આવક
રાહુલ પી. સોલંકી, ડો.હસમુખ એચ.પટેલ, ડો.સાહિલ જે.સિંધી અને ડો.રામભાઈ કે.ઓડેદરા
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
ખાપટ-પોરબંદર
Share your comments