Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Caringa કારીંગડાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને મુલ્યવર્ધન

કારીંગડા એ Cucurbitaceae પ્રજાતિનો પાક છે. તેનું વૈજ્ઞાનિક નામ Citrullus lanatus L. છે. તે વેલાવાળો, જમીન ઉપર પથરાતો અને ગરમી તથા પાણીની ખેંચ સહન કરી શકતો પાક છે. પાકને સુકો તેમજ અર્થ સુકો વિસ્તાર વધુ અનુકૂળ આવતો હોવાથી તેનું વાવેતર આવા વિસ્તારોમાં સદીઓથી કરવામાં આવે છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
કારીંગડા
કારીંગડા

કારીંગડાને વર્ષોથી ચોમાસુ તેમજ ઉનાળુ ઋતુમાં બાજરી, દિવેલા,ગુવાર, મગ અને જુવારમાં મિશ્રપાક તરીકે લેવામાં આવે છે. ઘણા ખેડૂતો તાજેતરમાં ઉનાળાની ઋતુમાં પણ વાવેતર કરતાં થયા છે અને તેના કૂમળાકળ શાકભાજી તરીકે માર્કેટમાં વેચી સારા ભાવ પણ મેળવે છે. કારીંગડાના બીજમાં ૩૦ ટકાથી પણ વધારે તેલ અને પ્રોટીન રહેલા છે. આ બીજ સફેદ, કાળા તેમજ બ્રાઉન કલરના હોય છે. ઘણા ખેડૂતો કારીંગડાના બીજ લીધા પછી વધેલો માવો પશુઓના ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે. નર ફુલો ઋતુ ની શરૂઆત માં જ પ્રાધ્યાન્ય ધરાવે છે અને માદા ફુલો નો પાછળ થી વિકાસ થાય છે તેમાં ગૌણ અંડાશય હોય છે.

હાલમાં કારીંગડા પાકનું વાવેતર મુખ્યત્વે રાજસ્થાન તથા ગુજરાત રાજયમાં જોવા મળે છે. ગુજરાતમાં મખ્યત્વે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં અને રાજસ્થાનમાં બાડમેર,બિકાનેર, જોધપુર, જેસલમેર, પોખરણ, નોખા, ચરુ, સીકર, બાલોતરા વગેરે જગ્યાએ વાવેતર કરવામાં આવે છે.

આબોહવા અને જમીન :

કારીંગડાને સુકા અને અર્ધ સુકા વિસ્તારની આબોહવા વધુ માફક આવે છે. કારીંગડા પાક ને રેતાળ, ગોરાડુ અને નિતારવાળી જમીન વધુ પસંદ આવે છે. જે જમીનમાં પાણી ભરાઈ રહેતુ હોય તેવી જમીન આ પાકને માફક આવતી નથી.

જમીનની તૈયારી:

જમીનની તૈયારી માટે સૌ પ્રથમ ટ્રેકટર ધ્વારા ઊભી તથા આડી એમ બે ખેડ કરી તેને સમાર મારી જમીન તૈયાર કરવામાં આવે છે. પાકને અનુકુળ જમીન તૈયાર કરીને જમીનમાં સારૂ કોહવાયેલુ છાણીયુ તથા અળસીયાનું ખાતર તેમજ જુદા-જુદા ખોળનો ઉપયોગ કરવામાં આવે છે.

જાત અને વાવણી સમય :

ગુજરાત રાજયમાં કારીંગડાના માટે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સુધારેલ જાતો જેવી કે ગુજરાત કારીંગડા-૧ અને ગુજરાત કારીંગડા-૨ ખેડૂતોને વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ બીજને ફુગનાશક દવાનો અને જૈવિક ખાતરનો પટ આપીને વાવણી કરવા સુચન કરવામાં આવે છે. તેથી ઉગાવો સારો મળશે તેમજ ઉત્પાદનમાં વધારો થાય છે.

કારીંગડાની વાવણી બે ઋતુમાં કરવામાં આવે છે:

૧. ચોમાસુ ઋતઃ જૂન-જુલાઈ મહીનામાં (સારો વરસાદ થાય ત્યારે)

૨. ઉનાળુ ઋતુઃ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં

વાવેતરની પધ્ધતિ:

આ પાકને જુદી-જુદી પધ્ધતિથી વાવણી કરી શકાય છે.

૧. પૂંખીને : આ પધ્ધતિ મુખ્યત્વે ચોમાસા ઋતુમાં અપનાવવામાં આવે છે. તેમાં બીજને ખેતરમાં પૂંખી દેવામાં આવે છે અને પછી તેના પર ખેડ અથવા પંજેઠી વડે જમીનમાં ભેરવી દેવામાં આવે છે. તેના માટે પ્રતિ હેકટર માટે ૨ થી ૩ કિ.ગ્રા. બીજની જરૂરીયાત પડે છે.

ર. હારમાં વાવેતર : આ પધ્ધતિમાં કારીંગડાના બીજને બે હાર વચ્ચે ૩ મીટર અંતર અને બે છોડ વચ્ચે ૧ મીટરનો અંતર રાખી બીજની વાવણી કરવામાં આવે છે. આ રીતે વાવેતર કરવામાં આવે તો તેમાં નિંદામણ કરવામાં સરળતા રહે છે. આ પધ્ધતિમાં બીજની જરૂરીયાત                                       ૦.૫ થી ૧ કિ.ગ્રા./ હેકટરે રહે છે. આ ઉપરાંત આ પાકને શાકભાજી તરીકે ઉનાળું ઋતુમાં બે હાર વચ્ચે ૧ મીટર અંતર અને બે છોડ વચ્ચે ૧ મીટરનો અંતર રાખી બીજની વાવણી કરવા માટે ભલામણ કરવામાં આવે છે.

૩. મિશ્ર પાક પધ્ધતિ : કારીંગડાના બીજને બાજરી, જુવાર, દિવેલા તેમજ કઠોળ જેવા પાકોની સાથે ભેળવીને પણ તેનું વાવેતર કરવામાં આવે છે. આ પધ્ધતિ સુકા વિસ્તારમાં તેમજ ચોમાસુ ઋતુમાં વધુ અનુકૂળ આવે છે.

ખાતર વ્યવસ્થાપન :

કારીંગડાનું વાવેતર મિશ્રપાકમાં કરવામાં આવે તો તેમાં કોઈ ખાતર આપવાની જરૂરીયાત રહેતી નથી. પરંતુ કારીંગડાના પાકને એકલો લેવામાં આવે તો ૪૦-કિ.ગ્રા. નાઈટ્રોજન અને        ર૦-કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ એક હેકટર માટે આપવાની ભલામણ કરવામાં આવે છે. જેમાં ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૨૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પાયામાં અને બાકીનો ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ૩૦ અને ૪૫ દિવસનો પાક થાય પછી આપવાનો થાય છે.

આ પાક માટે રાસાયણીક ખાતરો આપવાની વાત કરીએ તો ૮૭-કિ.ગ્રા. યુરીયા અને ૧૨૫-કિ.ગ્રા. સિંગલ સુપર ફોસ્ફેટ પ્રતિ એક હેકટર માટે આપવાની જરૂરીયાત રહે છે. કારીંગડામાં સજીવ ખેતી માટે ૪૦-કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૨૦-કિ.ગ્રા. ફોસ્ફરસ જૈવિક ખાતરોનો ઉપયોગ કરીને આપી શકાય. આ રીતે જરૂર મુજબ ખાતર આપવામાં આવે તો ખર્ચ ઘટાડી શકાય અને ઉત્પાદન વધારી શકાય છે. તેમ છતાં જમીનની ચકાસણી તથા સોઈલ હેલ્થ કાર્ડ મુજબ ખાતરોનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

નિંદામણ વ્યવસ્થાપન :

પૂંખીને વાવેતર કરવામાં આવેલ હોય તો તેમાં હાથથી ૨૦ અને ૪૦ દિવસે નિંદામણ કરવા જણાવવામાં આવે છે અને જો હારમાં વાવેતર કરવામાં આવેલ હોય તો તેમાં ૨૫ દિવસે આંતર ખેડ કરવા જણાવવામાં આવે છે. નિંદામણ મુક્ત ખેતર રાખવામાં આવે તો ઉત્પાદન વધુ મેળવી શકાય છે.

પિયત વ્યવસ્થાપન

કારીંગડાએ મોટાભાગે વરસાદ આધારીત તેમજ ચોમાસુ ઋતુમાં લેવામાં આવતા હોવાથી પિયત આપવાની જરૂરીયાત રહેતી નથી. પરંતુ જો વરસાદ ખેંચાય અને પાણી આપવાની સગવડ હોય તો તેની કટોકટી અવસ્થા જેવી કે ફુલ આવવા અને ફળ બેસવાની અવસ્થાએ બે પિયત આપવામાં આવે તો વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

જો ઉનાળું ઋતુમાં શાકભાજી માટે કારીંગડાનું વાવેતર કરવામાં આવે તો તેમાં ટપક પિયત પધ્ધતીનો ઉપયોગ કરવાથી પાણીની બચત તેમજ જરૂર મુજબ પાણી સમયાંતરે આપી શકાય છે. આ પધ્ધતીમાં પાણીમાં દ્રાવ્ય રાસાયણીક અને જૈવિક ખાતરો પાકને સીધા મુળ જોડે આપી શકાય છે. આ પધ્ધતીમાં નિંદામણનો ઉપદ્રવ બહુ ઓછો રહે છે.

પાક સંરક્ષણ :

કારીંગડાના પાકમાં મુખ્યત્વે કોઈ રોગ કે જીવાતનો ઉપદ્રવ જોવા મળતા નથી પરંતુ જો ચુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો તેમાં કોઈપણ શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવા જણાવવામાં આવે છે.

લણણી અને કાપણીઃ

કારીંગડાનો પાક લગભગ ૭૫ થી ૮૦ દિવસે તૈયાર થઈ જાય છે. કારીંગડા પીળાશ પડતા થાય ત્યારે તોડી લઈને એક બાજુ ઢગલો કરવામાં આવે છે. ત્યારબાદ કારીંગડાના ફળને હાથથી ફોડી અથવા કાપી દાણા અને ફોતરા-માવો/ગર જુદા પાડવામાં આવે છે. દાણાને સુકવી નાખી બજારમાં વેચાણ માટે લઈ જવામાં આવે છે. ફોતરા અને માવો/ ગર પશુઓને ખવડાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. કારીંગડાના ફળમાંથી બીજ કાઢવાનું આધુનિક થ્રેસર પણ બજારમાં ઉપલબ્ધ છે. જેનાથી ઝડપથી કારીંગડામાંથી બીજ કાઢી શકાય છે.

આ પાકને શાકભાજી માટે વાવેતર કરવામાં આવે તો તેની અંદાજીત ૧૨ થી ૧૫ વીણી બે દિવસના સમયગાળે કરવાની થાય છે. તેની અંદર પ્રથમ વીણી ૫૦ દિવસની આજુ-બાજુ ચાલુ થઈ જાય છે. આની અંદર કુમળા ફળની સાઈજ ટેનીશ બોલ જેટલી થાય ત્યારે તેને વેલાથી તોડીને માર્કેટમાં માંગ મુજબ વેચાણ કરીને આવક મેળવી શકાય છે.

ઉત્પાદન:

કારીંગડા બીજનું ઉત્પાદન હેકટરે સરેરાશ ૫૦૦ થી ૮૦૦ કિ.ગ્રા. મળે છે. તેમજ શાકભાજી માટે કુમળા ફળનું ઉત્પાદન સરેરાશ ૧૦૦ કિવન્ટલ પ્રતિ હેકટરે મળે છે.

કારીંગડાનો ઉપયોગ અને મુલ્યવર્ધન

  • કારીગડાના ફળમાંથી નિકળતા બીજને શેકીને (ધાણી) ખાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
  • કારીંગડાના ફળમાંથી નિકળતા બીજમાંથી દાળ નિકાળવામાં આવે છે. જે ને મગત્સરી/મગજ તરીકે ઓળખવામાં આવે છે જેનો તાજેતરમાં ઉપયોગ શબ્જઓમાં ગ્રેવી બનાવવામાં તેમજ મીઠાઈ ડેકોરેશનમાં કરવામાં આવે છે.
  • કારીંગડા ફળમાંથી નિકળતો માવો (પલ્પ) ને પશુઓને ખોરાક તરીકે આપવામાં આવે છે.
  • બીજમાંથી દાણા નિકાળ્યા પછી વધેલા બીજના ફોતરાનો ઉપયોગ પશુઓના ખાણ-દાણ બનાવવામાં થાય છે.

આ પણ વાંચો : Urad Dal : અડદની ખેતી પદ્ધતિ વિશે જાણો, કઈ રીતે તેની માવજત કરી શકાય ?

ડૉ. એન. એન. પ્રજાપતિ, મદદ. સંશો. વૈજ્ઞાનિક, ડૉ.અશોક એન.ચૌધરી, મદદ, સંશો. વૈજ્ઞાનિક  અને

ડૉ. આર.એસ.સોલંકી, યંગ પ્રોફેશનલ -૨

પાક સુધારણા કેન્દ્ર, સ.દાં.કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર-૩૮૫૫૦૬, જિ. બનાસ કાંઠા

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More