કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા કેન્દ્ર સરકારે ઘણા પ્રયત્ન કર્યા છે. આગામી ખરીફ સિઝન માટે સરકારે વ્યાપક તૈયારી કરી કરી છે. કઠોળના પાક અને તેની ઉત્પાદકતામાં વધારો કરવાની રણનીતિ હેઠળ આગામી સીઝનમાં જ વાવેતર હેઠળનો વિસ્તાર વધારવાની સાથે ખેડૂતોને સારી ગુણવત્તાના બિજના વિતરણનું વ્યાપક અભિયાન ખૂબ જોરદાર રીતે ચાલી રહ્યું છે. જેના અનુસંધાને આગામી ખરીફ સીઝન 2021-22માં બીજની 20 લાખથી વધુ મીની કીટનું વિતરણ કરવાની તૈયારી છે. સમગ્ર અભિયાન માટે રાજ્યોની બીજ એજન્સીઓ અને કેન્દ્રિય બીજ એજન્સીઓની વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે.
10 ગણા પેકેટ વિતરણ કરવાનો ટાર્ગેટ
આયાત પરની નિર્ભરતા દૂર કરવા કેન્દ્ર સરકારે ખરીફ સિઝન દરમિયાન ગત વર્ષોની સરખામણીમાં બીજના 10 ગણા પેકેટ વિતરણ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જે અંતર્ગત તમામ રાજ્યોને બીજના પેકેટ મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
MSP કરતા 10 ગણા બજાર ભાવ
કઠોળનું ઉત્પાદન વધારવની સાથોસાથ ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય વળતર મળે તે પણ સરકારની પ્રાથમિકતા છે. આ જ કારણે ઘરેલુ કોમોડિટી બજારોમાં કઠોળના તાજા ભાવો સરકારના સૂચવેલ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) કરતા વધારે ચાલી રહ્યા છે. જેનો લાભ ખેડુતોને મળી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે કૃષિ ઉત્પાદનોનો બજાર ભાવ એમએસપી કરતા 10 ટકા વધુ મેળવવો એ સંતોષકારક સંકેત છે. એમએસપી કરતા હાલમાં મંડી બજારમાં ભાવ 10 થી 20 ટકા જેટલી ઊંચા નોંધાઈ રહ્યા છે.
કઠોળની આયાત પાછળ હજારો કરોડોનો ખર્ચ
કઠોળની આયાત માટે વાર્ષિક રૂ .15,000-20,000 કરોડની વિદેશી મુદ્રા ખર્ચ કરવી પડે છે. આયાત પરની અધિનતા સમાપ્ત થઈ જાય તો સ્થાનિક કક્ષાએ કઠોળના વાવેતર પર આટલી મોટી રકમ ખર્ચ કરી શકાય છે. કઠોળનું ઉત્પાદન વધારવાના લક્ષ્ય સાથે કૃષિ મંત્રાલયે પહેલી જૂનથી શરૂ થતી ખરીફ સીઝનમાં વાવેતર માટે કઠોળ ઉત્પાદકમાં અવ્વલ રાજ્યોના ખેડુતોને તમામ સહાય આપવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોની એજન્સીઓ વચ્ચે સંકલન
કઠોળની ઉત્પાદકતા વધારવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે પરામર્શ કરીને એક વિગતવાર યોજના તૈયાર કરી છે. મુખ્ય કઠોળ તુવેર , મગ અને ઉરદની ઉત્પાદકતા વધારવાની સાથે વાવણી વિસ્તાર વધારવાની વ્યાપક યોજના પર કામ ચાલુ છે. આ પાકના બીજ ખેડૂતો સુધી પહોંચાડવાની યોજના ચાલી રહી છે. જેમાં રાજ્યોની બીજ એજન્સીઓ અને કેન્દ્રિય બીજ એજન્સીઓની વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે. આ પાકના બીજ ખેડૂતોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યા છે.
20 લાખથી વધુ મીની કીટ વિતરણનો લક્ષ્યાંક
આગામી ખરીફ સીઝન 2021-22માં બીજની 20 લાખથી વધુ મીની કીટનું વિતરણ કરવાની જોગવાઈ છે. ગત વર્ષોમાં વહેંચાયેલ પેકેટ્સ કરતા આ સંખ્યા 10 ગણી વધારે છે. આ માટે કુલ રૂ.82 કરોડથી વધુનો ખર્ચ થશે. કેન્દ્ર સરકાર આ તમામ ખર્ચ ઉઠાવશે. વિતરણ કરવામાં આવેલા પેકેટોમાં સૌથી વધુ 13.52 લાખ પેકેટો અરહરના છે. જ્યારે લગભગ પાંચ લાખ પેકેટો મગના હશે.
ગુજરાત સહિતના 11 રાજ્યોની પસંદગી
તુવેરના બીજની મીની કીટ વિતરણ માટે 11 રાજ્યોના 187 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. 9 રાજ્યોના 85 જિલ્લામાં મગના બીજનું વિતરણ કરવામાં આવશે. જેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની પસંદગી કરવામાં આવી છે. તેવી જ રીતે આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિતના 6 રાજ્યોના 60 જિલ્લાઓની અડદના બીજ માટે પસંદગી કરવામાં આવી છે. આ યોજનાને સફળ બનાવવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદની સંસ્થાઓ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્યોના કૃષિ યુનિવર્સિટીઓમાં બીજ વિતરણ કાર્ય કરવામાં આવ્યું છે.
Share your comments