અનાજ મનુષ્યની પ્રાથમિક જરૂરીયાત છે. અને અનાજનું ઉત્પાદન ઋતુ પ્રમાણે થતુ હોય છે.તેથી આખા વર્ષ દરમ્યાન અનાજનો ખાવાના ઉપયોગ માટેનો જથ્થો તથા વાવણી માટે બીજ તરીકે ઉપયોગનો જથ્થો ખેડૂતો સંગ્રહ કરતા હોય છે.અનાજના સંગ્રહ દરમ્યાન ભેજ, તાપમાન, જીવાતો અને ફૂગથી ઘણુ નુકસાન થાય છે. આ પૈકી જીવાતોથી થતુ નુકસાન મુખ્ય છે. ઉપદ્રવ ખેતર અને ગોડાઉનમાં જોવા મળે છે. જે આખા દાણાને નુક્સાન કરે છે. દા.ત.: ચોખાનું ચાચવુ, અનિયમીત કાણા પાડતુ કીટક, કઠૉળ અને મગફળી ના ભોટવા જેવી વગેરે જીવાતોનો સમાવેશ થાય છે.દ્વિતીય પ્રકારની જીવાતો: ઉપદ્રવ ફ્ક્ત ગોડાઉનથી શરૂ થાય છે અને તે ભાંગેલા અથવા પ્રાથમિક જીવાતોથી નુકસાન થયેલા દાણાઓ ઉપર નભે છે.દા.ત. રાતા સરસરીયા, ઘઉં ની વાતરી, લોટનું ફુંદું ચોખા નું ફુંદું જેવી વગેરે જીવાતો નો સમાવેશ થાય છે. સંગ્રહિત અનાજમાં અંદાજે એક ડઝન જેટલી જીવાતો આર્થિક નુકસાન કરે છે. એક અંદાજ મુજબ દેશમાં કુલ સંગ્રહેલા અનાજનો લગભગ દસમો ભાગ સંગ્રહ દરમ્યાન નુકસાન થઈ જાય છે. તેમાં ૨.૫ ટકા કીટકોથી નુકસાન થાય છે. સંગ્રહિત અનાજમાં સામાન્ય રીતે જોવા મળતી જીવાતો અંગેની માહિતી અત્રે દર્શાવવામાં આવેલ છે.
અનાજનું ફૂદું (Angoamois grain moth)
ફૂદું સૂકા ઘાસ જેવા રંગનું અથવા પીળા બદામી રંગનું રૂવાંટીવાળી સપાટી ધરાવતું હોય છે. તેની લંબાઈ ૮ થી ૧૦ મી.મી. જેટલી હોય છે. અગ્રપાંખો સાંકડી અને તેના છેડા આંગળીના ટેરવા જેવા આકારના હોય છે. પાંખોની ધારો વાળની આછી જૂલવાળી હોય છે. જ્યારે પશ્વ પાંખોના છેડા અણીવાળા અને તેની ધારો ગાઢી વાળની ઝૂલ ધરાવતી હોય છે. આ જીવાતની ફક્ત ઈયળ અવસ્થા જ ડાંગર, મકાઈ, જુવાર, જવ, ઘઉં વગેરેને નુકસાન કરે છે. ઈયળ મોટા દાણામાં પહોંચી નરમ જગ્યા શોધી દાણાને કોચી તેમાં પ્રવેશ કરે છે અને દાણાની અંદરનો ભાગ ખાય છે. દાણામાં પ્રવેશ્યા બાદ ઈયળ પ્રવેશદ્વારને રેશમનાં તાંતણાથી ઢાંકી દે છે. નાના દાણામાં ઈયળ પ્રવેશી શકતી નથી. પરંતુ રેશમના તાંતણાની મદદથી દાણાનું જાળું બનાવે છે અને તેમાં રહી દાણાને બહારથી કોરી ખાય છે. ઉપદ્રવ વધુ હોય તો દાણામાંથી ખરાબ વાસ આવે છે.
લોટનું ફૂદું (Indian meal moth)
અગ્રપાંખો બદામી રંગની જેના આગળના ભાગમાં પીળાશ પડતો અથવા સફેદ રંગનો ભૂરો પટ્ટો હોય છે. ફૂદાંની લંબાઈ ૧૫ થી ૨૦ મી.મી. જેટલી હોય છે. કીટક જ્યારે બેઠેલું હોય ત્યારે તેની શ્રૃંગિકા ૨/૩ ભાગ જેટલા અંતરે એક બીજા ઉપર પસાર થઈ પાંખ ઉપર ટેકવાયેલી હોય છે. ઈયળ રંગે ભૂખરી સફેદ અને ૧૨ થી ૧૫ મી.મી. લાંબી તથા શરીર ઉપર વાળ ધરાવે છે. મકાઇ, અનાજ, સૂકો મેવો, સોયાબીન, ખારેક, કાજુ, મગફળી, અખરોટ, સૂકવેલી વનસ્પતિ, મરેલા કીટક, દૂધનો પાઉડર, મધપૂડાના પદાર્થો વગેરેને નુકસાન કરે છે. પ્રાથમિક આક્રમણ કરનારી જીવાત છે. ફક્ત ઈયળ અવસ્થામાં જ નુકસાન કરે છે. ઈયળ ઘઉંના ભ્રૂણ ખાય જાય છે. મકાઈના ડોડામાં તેના વધુ પડતા ઉપદ્રવથી ઘણી વખત આખા ડોડા રેશમી જાળાંથી સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. ઈયળ રેશમી ભૂંગળીઓ બનાવે છે.
સૂકા મેવાનું ફૂદું (Fig moth)
અનાજના ફૂદાં કરતાં મોટું ભૂખરા રંગનું અને આગળની પાંખો ઉપર ત્રાંસા કાંટા ધરાવતું હોય છે. આરામની અવસ્થામાં કીટકની પાંખો શરીર ઉપર છાપરાની માફક ઢળતી રહે છે. કીટક નીશાચર હોય છે. દિવસ દરમ્યાન અંધારી જગ્યાએ બેસી રહે છે. સામાન્ય રીતે સવારના અને સાંજના સમયે વધુ ક્રિયાશીલ રહે છે. ઈયળ રતાશ પડતાં સફેદ રંગની ૧૨ થી ૧૫ મી.મી. જેટલી લાંબી હોય છે અને નાની નાની રેશમી ભુંગળીઓ બનાવી તેમા રહે છે. ફક્ત ઈયળ અવસ્થા જ નુકસાન કરે છે. અનાજના આખા દાણામાં ઉપદ્રવ થાય તો ઈયળ ફક્ત ભ્રૂણને જ ખાય છે. એક ઈયળ ૬૪ જેટલા દાણાના ભ્રૂણને નુકસાન કરતી નોંધાયેલી છે. કોઠારોમાં જ્યાં અનાજને છૂટું સંગ્રહ કરવામાં આવતું હોય ત્યાં તેનો ઉપદ્રવ ફક્ત સપાટી ઉપર જ રહે છે,જ્યારે કોથળામાં સંગ્રહ કરેલા દાણામાં ઉપદ્રવ સર્વત્ર રહે છે. તેના બનાવેલા બાવાંથી અનાજની ગુણો, ભોંયતળિયું, ઘંટી વગેરે ઢંકાય જાય છે. અનાજ દળવાની ઘંટીના મશીનના ભાગોમાં ઈયળોના ઉપદ્રવને કારણે બાવાં થવાથી કેટલીકવાર મશીનરી જામ થઈ જાય છે. ખૂબ જ સૂકા અને પ્રકાશિત વાતાવરણમાં તેનો ઉપદ્રવ ઓછો રહે છે.
કઠોળના ભોટવા (Pulse beetle)
કઠોળના ભોટવા જુદા જુદા પ્રકારના હોય છે. આ કીટક ૬ થી ૮ મી.મી. જેટલા લાંબા અને ઉપરથી જોતા હ્રદય આકારના દેખાય છે. જેથી ઉદરપ્રદેશનો ખંડ ઉઘાડો રહે છે. જેને “પીજીડીયમ" કહે છે. ઇયળ આછા ભૂખરા રંગના માથાંવાળી, સફેદ રંગની, ૬-૭ મી.મી. લાંબી અને ગડીઓવાળું શરીર ધરાવે છે. બધા જ પ્રકારના કઠોળ, મુખ્યત્વે મગ, મઠ, તુવેર, વટાણા, ચણા, ચોળા, અડદ, વગેરે ઉપરાંત જુવાર, મકાઇ, કપાસિયા વગેરેમાં પણ નુકસાન કરે છે. ફકત ઇયળ અવસ્થા નુકસાનકારક છે. તે દાણાને કોરી ખાય છે. એક દાણામાં એક થી વધુ ઇયળ રહી નુકસાન કરે છે. ઉપદ્રવિત દાણા કાણાંવાળા દેખાય છે અને બી તરીકે નકામા થઇ જાય છે. ઉપદ્રવિત કઠોળના લોટમાંથી ખરાબ વાસ આવે છે. આ જીવાતથી કઠોળમાં ૭0% સુધી નુકસાન નોંધાયેલુ છે.
ચોખાનું ચાંચવું (Rice weevil)
રાતા બદામી અથવા ગાઢા બદામી અથવા કાળા રંગનું હોય છે. માથું લાંબુ અને ચાંચ જેવા મુખાંગો ધરાવે છે. પુખ્ત કીટક 3 થી ૪ મી.મી. લાંબુ હોય છે. ઢાલ જેવી અગ્રપાંખો ઉપર ઉપસેલી લીટીઓ હોય છે. પાંખ ઉપર આછા પીળા રંગના ૪ ટપકાં હોય છે. વક્ષ ઉપર ખાડા હોય છે. પુખ્ત અને ઇયળ અવસ્થા ઘઉં, ચોખા, મકાઇ,જુવાર તથા ડાંગરમાં નુકસાન કરે છે. આખો દાણો અંદરથી કોરી પોલા કરી નાખે છે.
અનિયમિત કાણા પાડતું કીટક (Lesser grain borer)
રંગે રાતા બદામી અથવા કાળા,ચળકાટ મારતું હોય છે. અગ્રપાંખ ઉપર નાના નાના,ખાડાઓની બનેલી લીટીઓ હોય છે. ચોખાના ચાંચવા કરતા નાનું પરંતુ આશરે ૨ થી 3 મી.મી. લાંબુ હોય છે. માથું વક્ષની નીચે નમેલું હોય છે. જડબાં ખૂબ જ મજબૂત હોય છે. શ્રૃંગિકાના છેલ્લા 3 ખંડ મોટા ગદા જેવા હોય છે. ઇયળ અને પુખ્ત એમ બંને અવસ્થા ડાંગર,ચોખા,ઘઉં,મકાઇ,કઠોળ,બિસ્કિટ,આમલીના બીજ તથા ચામડા અને લાકડામાંથી બનાવેલી વસ્તુઓને નુકસાન કરે છે. તે ખુબ જ ખાઉધરા હોય છે. દાણા ઉપર અનિયમિત આકારના કાણાં પાડે છે. દાણાને અંદરથી કોરી નાખી ફકત તેનું કાણાંવાળું ફોતરું જ રહેવા દે છે. આનાજની ગુણો પર અનિયમિત આકારના લોટના ટપકાં જોવા મળે તો સમજવું કે આ જીવાતનો ઉપદ્રવ છે. તેના ઉપદ્રવથી "ગ્રેઇન હીટીંગ" પણ થાય છે. કીટક ઉડી શકતું હોઇ તેનો ફેલાવો એક જ્ગ્યાએથી બીજી જ્ગ્યાએ થાય છે. આ જીવાત અનાજના કોઠાર અથવા પીપના તળિયાના ભાગમાં ઉપદ્રવ દરમ્યાન વધુ પ્રમાણમાં જોવા મળે છે.
ઘઉંની વાતરી (Khapra beetle)
પુખ્ત કીટક ૨ થી 3 મી.મી. લાંબુ,લંબગોળ આકારનું અને મજબૂત બાંધાનું હોય છે. નર, માદા કરતા અડધો અને રંગે વધુ ગાઢો હોય છે. આ કીટકની શ્રૃંગિકા અને પગ શરીર તરફ સંકેલાઇ શકે તેવા હોય છે. આ કીટકની ઇયળ અવસ્થા બદામી સફેદ રંગની અને રાતા વાળવાળી હોય છે. આ વાળ શરીર ઉપર નાની ગુચ્છિકાઓના સ્વરૂપે દરેક ખંડ ઉપર ગોઠવાયેલા હોય છે. જે તે હલાવી શકે છે. તેમ જ શાહુડીની માફક ઉભા કરી શકે છે. ઇયળના ઉદરપ્રદેશના છેડે આવા વાળના ગુચ્છની બનેલી પૂંછડી આવેલી હોય છે. આ જીવાતની ઇયળ અવસ્થા ઘઉં, મકાઇ, જુવાર ચોખા, કઠોળ, તેલીબિયાં અને તેનો ખોળ, સૂકો મેવો વગેરેને નુકસાન કરે છે. ઇયળ સ્વભાવે હઠીલી અને ખાઉધરી હોય છે. ઘઉં તેનો પ્રિય ખોરાક છે. દાણાને સંપૂર્ણ રીતે ભૂસાના રૂપમાં ફેરવી નાખે છે. આ ઉપરાંત તેના વાળ અને શરીરના કાંચળીના ભાગોના કારણે અનાજ દૂષિત થાય છે. તેનો ઉપદ્રવ અનાજના જથ્થામાં ઉપરની સપાટીએ રહે છે. આશરે ૯0 થી ૧૧00 ફેરનહીટ ઉષ્ણતામાન અને ઓછો ભેજ ધરાવતા અનાજના દાણા તેને વધુ અનુકૂળ આવે છે. પરંતુ ઓછા પ્રાણવાયુવાળા વાતાવરણમાં તે જીવી શકતું નથી. તેથી જ તેનો ઉપદ્રવ અનાજની સપાટી ઉપર વધુ જોવા મળે છે.
ઝીંઝણી (Saw toothed beetle)
કીટક બદામી રંગનું સાંકડું અને ચપટું હોય છે. તેની લંબાઈ ૨ થી 3 મી.મી. જેટલી હોય છે. જેથી તે સો ટૂથેડ (કરવતીના કીટક) તરીકે ઓળખાય છે. તે ઉડી શકતું નથી, પરંતુ ખૂબ ચપળ હોય છે. પુખ્ત અને ઈયળ એમ બંને અવસ્થા ચોખા, ઘઉં, મકાઈ, ધાન્ય પાકોની બનાવટો, તેલીબિયા અને સૂકા મેવા, સૂકા માંસનાં પદાર્થો, તમાકુ અને તેની બનાવટોમાં નુકસાન કરે છે.
રાતા સરસરિયા (Rust red flour beetle and confused flour beetle) :
આ કીટક રાતા બદામી રંગનું, સુંવાળું, ચપટું અને લગભગ 3 થી ૪ મી.મી. લંબાઈવાળુ હોય છે. પૃષ્ઠ બાજુએ સમાંતર ઘાટી લીટીઓ આવેલી હોય છે. આ કીટક સહેજ દખલ થતાં જલ્દીથી ચાલી જઈ સંતાઈ જાય છે. જેથી તેને સરસરિયા કહે છે. ઈયળ ફીક્કા પીળા રંગની અને ૪ થી ૫ મી.મી. લાંબી હોય છે. ભૌતિક રીતે તેમજ યાંત્રિક રીતે નુકસાન પામેલા અનાજના દાણા, અનાજનો ભ્રુણવાળો ભાગ, લોટ તથા લોટની બનાવટો, સુકાં ફળો વગેરેને નુકસાન કરે છે. દ્વિતીય આક્રમણ કરનારી અગત્યની જીવાત છે. પુખ્ત કીટક તેમજ ઈયળ અવસ્થા બંને નુકસાન કરે છે. ખાસ કરીને ભાંગેલા/તૂટેલા અનાજમાં ઉપદ્રવનું પ્રમાણ વધુ હોય છે. અનાજ દળવાની ઘંટીઓમાં પણ ઉપદ્રવ વધુ હોય છે. આ જીવાતનાં ઉપદ્રવવાળો લોટ પીળો પડી બટાઈ જાય છે. પાછળથી તેમાં ખરાબ વાસ આવવાથી તે ખાવા લાયક રહેતો નથી.
ચોખાનું ફૂદું (Rice moth)
આછા ભૂખરા બદામી રંગનું ૧૪ થી ૨૪ મી.મી. જેટલું લાંબું અને શેરવાંટીવાળુ હોય છે. અગ્રપાંખ ઉપર ઘાટી શિરાઓ આવેલી હોય છે. ઈયળ મેલા સફેદ રંગની, શરીર ઉપર ભૂરાં ટપકાંવાળી અને પીળા રંગના પહોળા માથાંવાળી હોય છે. ફક્ત ઈયળ અવસ્થા ચોખા, જુવાર, બાજરી, હલકાં ધાન્યો, કઠોળની દાળ, અનાજની બનાવટો, સૂકા ફળો, દળેલા મસાલા વગેરેને નુકસાન કરે છે. આ નાની ઈયળ તૂટેલા દાણા ખાઈને જીવે છે. જ્યારે મોટી ઈયળ દાણાને કોરી શકતી હોય છે. તે દાણાની અંદરનો સ્ટાર્ચયુક્ત ભાગ ખાઈને જીવે છે. ઈયળ દાણામાં જાળાં બનાવે છે. આ જીવતનો જો વધુ ઉપદ્રવ હોય તો બધું જ અનાજ જાળાંના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને તેમાંથી ખરાબ વાસ આવે છે.
અંજીરનુ ફુંદુ (ફીગ મોથ)
પુખ્ત ભુખરા રંગનુ અને અનાજનાં ફુદાં કરતા મોટુ હોય છે. જેની આગળની પાંખો ઉપર ત્રાંસા પટ્ટા હોય છે. ઈયળો ૧૨ થી ૧૫ મી.મી. લાંબી અને રતાશ પડતી સફેદ રંગની હોય છે. ઈયળો ઘઉં, ચોખા, જુવાર, મકાઈ, બાજરી, સુકા મેવા, મસાલા તથા લોટ વગેરેને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો અનાજની ગુણો, ભોયતળીયું વગેરે રેશમી તાંતણામાંથી બનાવેલા ઝાળાથી છવાઈ જાય છે.
સંકલિત વ્યવસ્થાપન
સંગ્રહિત અનાજને જીવાતના ઉપદ્રવથી મુક્ત રાખવા માટે જુદા જુદા સ્તરે જીવાત નિયંત્રણની જુદી જુદી પધ્ધતિઓ અપનાવી શકાય.
અનાજ ભરવાના કોઠારો તથા સાધનોની સાફ સૂફી :
- કોઠારોની દિવાલોમાં રહેલી તીરાડો અને તૂટી ગયેલા ખૂણા ખાંચરાને સીમેંટની મદદથી દૂરસ્ત કરી લેવા જોઈએ. કોઠારોને બરાબર સાફ કરી કચરો ભેગો કરી બાળી દેવો. જરૂર જણાય તો કોઠારને ધોળી નાંખવો.
- કોઠારમાં ઉંદરના દર જણાય તો તેમાં રેતી અને કાચના ટૂકડા ભરી સીમેંટથી તે બંધ કરી દેવા.
- કોઠારમાં નવુ અનાજ ભરતા પહેલા જૂના અનાજમાં કીટકનો ઉપદ્રવ થયો છે કે નહીં તે તપાસી લેવું. જો ઉપદ્રવ હોય તો તેને કેટલાંક ભલામણ કરેલા રસાયણોમાંથી કોઈપણ એક રસાયણથી જીવાતમુક્ત કરવું અને ત્યારબાદ જ નવું અનાજ કોઠારમાં ભરવું.
- અનાજને મસળવાનું ખળું,ઘર અથવા કોઠારથી દૂર હોવું જોઈએ અને તેની સફાઈ અવારનવાર કરવી જરૂરી છે.
- અનાજને હેરફેર કરવાના સાધનો જેવા કે ખટારા (ટ્રક), ટ્રેકટર, ગાડા વગેરેને પણ વાપરતા પહેલા સાફ રાખી કીટકમુક્ત કરવા જોઈએ.
- અનાજ ભરવાના કોથળા બને ત્યાં સુધી નવા હોવા જરૂરી છે જૂના કોથળા વાપરવાના હોય તો તેને સાફ કરી ધૂમીકરણથી કીટકમુક્ત કર્યા બાદ જ ફરીથી ઉપયોગમાં લેવા.
- કોઠારો ભેજમુક્ત અને ઉંદરમુક્ત રાખવા.
- અનાજને જો ગુણોમાં સંગ્રહ કરવામાં આવ્યું હોય તો ગુણોને વ્યવસ્થિત રીતે કોઠારમાં લાકડાના ડનેજ કે વાંસની તાડપત્રી ગોઠવીને તેના પર ગુણોની થપ્પી કરવી જોઈએ કે જેથી જમીનના ભેજથી બચાવી શકાય.
ધૂમકર વાપરવાની રીત
સંગ્રહેલા અનાજના કીટકોના ઉપદ્રવના નિયંત્રણ માટે અનાજ સંગ્રહ પધ્ધતિ અનુસાર ધૂમીકરણની પધ્ધતિની પસંદગી કરવી. ધૂમકર વાપરવાની જુદી જુદી પધ્ધતિઓની માહિતી નીચે મુજબ છે.
ગેસપ્રૂફ કવરની મદદથી
આ પધ્ધતિનો ઉપયોગ ખાસ કરીને અનાજના ઢગલામાં અથવા તો ગુણોમાં ભરેલા અનાજમાં જ્યાં હવાચૂસ્ત પરિસ્થિતિ ન હોય ત્યાં કરી શકાય. આ પધ્ધતિમાં સૌ પ્રથમ ગેસપ્રૂફ કવર (પોલીથીન શીટ, રબરાઈઝડ ક્લોથ, તાડપત્રી વગેરે) થી અનાજની ગુણ અથવા છૂટા અનાજને ઢાંકી દઈ કવરની કિનારીઓ જમીન સાથે નીચે ભીની માટીની મદદથી સીવી લેવી. ધૂમકર મૂકવા માટે કવરની કિનારીનો થોડો ભાગ પ્રવેશદ્વારના રૂપમાં ખુલ્લો રાખવો. આ પ્રવેશદ્વાર મારફતે સીલીન્ડરની મદદથી ધૂમકરને અંદર છોડવું ત્યારબાદ તુરત જ પ્રવેશદ્વારની જગ્યા ભીની માટીથી સીવી દેવી. ધૂમકરણ માટેનો ભલામણ કરેલો સમય પૂરો થયા બાદ અનુભવી અને જાણકાર માણસે ગેસ માસ્ક અને હાથમોજા પહેરીને ગેસપ્રૂફ કવર એકદમ ઝડપથી ઉઘાડી નાખવું જોઈએ અને ત્યારબાદ તુરત જ દૂર ખુલ્લી જગ્યાએ જતા રહેવું જોઈએ. ગેસપ્રૂફ કવરને ૨ થી ૬ કલાક બાદ સંપૂર્ણ દૂર કરી નાખ્યા બાદ હેલાઈડ લેમ્પની મદદથી ધૂમકરનો ગેસ રહ્યો છે કે નહીં તેની તપાસ કરી લેવાની કાળજી રાખવી.
કોઠારો (ગોડાઉન) માં ધૂમીકરણ કરવાની રીત
કોઠારોમાં છૂટું અથવા ગુણોમાં ભરીને અનાજ સંગ્રહવામાં આવ્યું હોય ત્યારે આવા કોઠારોને હવાચૂસ્ત કરી પછી તેમાં ધૂમીકરણ કરવામાં આવે છે. કોઠારને હવાચૂસ્ત કરવા માટે કોઠારના બારી-બારણાં બંધ કરી દઈ તેની તિરાડોને ગુંદરપટ્ટી અથવા તો ઘઉંની લોબ્દી ચોપડેલી કાગળની પટ્ટીઓથી બંધ કરી દેવી. કોઠારની છતને ૦.૦૩ મી.મી. ની જાડાઈવાળી પોલીથીન શીટથી ઢાંકી દેવી જોઈએ. આવા કોઠારોમાં, એલ્યુમીનીયમ ફોસ્ફાઈડ, ધૂમકર
વાપરી શકાય. એલ્યુમીનીયમ ફોસ્ફાઈડની ગોળીઓ ૧ ઘનમીટર દીઠ ૩ થી ૪ ટીકડીના પ્રમાણમાં વાપરવી જોઈએ. આ પ્રમાણે ધૂમીકરણ માટે જોઈતી કુલ ગોળીઓનાં ૨/૩ ભાગ જેટલી ગોળીઓ અનાજના જથ્થાની ઉપરની બાજુએ અને ૧/૩ ભાગની ગોળીઓ અનાજના જથ્થાની નીચેની બાજુએ મૂકવી. આવી ગોળીઓ ભૂંગળી વડે અનાજમાં ઉંડે દાખલ કરી શકાય. ધૂમકર દવા કોઠારમાં મૂક્યા પછી કોઠારના બારણાંને અગાઉ જણાવ્યા પ્રમાણે હવાચૂસ્ત કરવું.
સાવચેતીનાં પગલાં અને કાળજી
- જે કોઠાર કે ઓરડાને ધૂમિકરણ કરવામાં આવેલ હોય તે જગ્યાએ મનુષ્યોએ બેસવું કે સૂવું નહીં. એ જ રીતે પાળેલા પ્રાણીઓ માટે પણ કાળજી લેવી.ધૂમિકરણની માવજત હંમેશાં તાલિમ પામેલ તાંત્રિક વ્યકિતની સીધી દેખરેખ હેઠળ કરવી.
- જયાં ધૂમકર આપવાનું હોય તેનું ક્ષેત્રફળ નક્કી કરી જરૂરી ધૂમકરનો જથ્થો નક્કી કરવો.
- ધૂમિકરણ કરેલ ગોડાઉનને બરાબર કાગળ –પટ્ટીથી હવાચુસ્ત બનાવવુ.
- ધૂમિકરણ કરેલ ગોડાઉનને તાળુ મારી તેના ઉપર લાલ અક્ષરે ભયની નોટીસ મુકવી.
- ધૂમકરણનો સમય પૂર્ણ થયેથી (વધારેમાં વધારે સાત દિવસ) બારી-બારણા ખોલી બહારની ચોખ્ખી હવા દાખલ થવા દેવી.
- ગોડાઉન ખોલ્યા પછી તરત જ અંદર દાખલ થવુ નહીં.
Share your comments