હૈદરાબાદ અને મહારાષ્ટ્રમાં જોવા મળતી અંજીરની ખેતી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂતે જિલ્લામાં પ્રથમ વખત અંજીરની ખેતી કરી પ્રયોગ કર્યો છે. જેમાં ખેડૂતે ચાર વીઘામાં 1000 રોપા અંજીરના વાવ્યા છે. જેનું ઉત્પાદન નવ માસ દરમિયાન થાય છે.
અમીરગઢ તાલુકાના કલેડી ફાર્મ ખાતે છગનભાઇ દેવજીભાઈ પટેલ પરંપરાગત ખેતી કરતા હતા. જોકે તેઓએ પરંપરાગત ખેતીથી કઇક અલગ કરવાનું વિચારતા તેઓએ અંજીરની ખેતી કરવાનું વિચાર્યું હતું અને પોતાની ચાર વીઘા જમીન પર અંજીરની ખેતી કરવાનો જિલ્લામાં પ્રથમ પ્રયોગ કર્યો હતો. જોકે છગનભાઇની આ ખેતીના પ્રયોગને નિહાળવા અને જાણવા માટે તાલુકા સહિત જિલ્લાના કેટલાક પ્રગતિશીલ ખેડૂતો આવે છે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.
હૈદરાબાદથી અંજીરના રોપા લવાયા: આ અંગે ખેડૂત છગનભાઇ પટેલએ જણાવ્યું હતું કે ‘અમો ચાર વીઘા જમીન પર અંદાજે 1000 જેટલા રોપા હૈદરાબાદથી લાવીને વાવ્યા છે. વીઘા દીઠ અંદાજે 50 હજારનો ખર્ચ નવ માસ દરમિયાન થાય છે. જોકે હજી સુધી ઉત્પાદનનું વેચાણ કરેલું ના હોવાથી ખર્ચનો હિસાબ મળ્યો છે પરંતુ મળતર કેટલું છે તે હિસાબ જાણી શકાયો નથી.’નોંધપાત્ર છે કે અંજીરની ખેતીની વાવણી અને જાળવણી કર્યા બાદ નવ માસે તેનું ઉત્પાદન મળે છે તેમજ 10 વર્ષ સુધી આ પાક પરથી ઉત્પાદન લઈ શકાય છે.
Share your comments