તમે જાણો છો તેમ હાલ મગફળીના પાકમાં ઘણા રોગ આવતા હોય છે અને તેના કારણે પાકમાં નુકશાન થવાની સંભાવના વધી જાય છે અને ખેડૂતે નુકશાન ભોગવવુ પડે છે આજે અમે તમને એ જણાવીશુ કે તમે મગફળીનાં પાકમાં આવતા સફેદ ધૈણને કઈ રીતે રોકી શકો છો અને પોતાના મગફળીના પાકને કઈ રીતે બચાવી શકો છો ?
- મગફળીનું વાવેતર કરતા પહેલા બીજને ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૫૦૦ મિ.લિ. પ્રતિ ૨૦ કિ. ગ્રા. પ્રમાણેની માવજત આપી, છાંયડામાં સૂકવી વાવેતર માટે ઉ૫યોગ કરવો.
- આ જીવાતનાં નિયંત્રણ માટે અગાઉથી કોઈ જંતુનાશક વાપરી ના હોય અને જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે તો ઉભા પાકમાં કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આપી શકાય. જો સમયાંતરે વરસાદ પડતો હોવાથી પિયત આપવાનું થતું ન હોય તો પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઇ ચાસમાં પુરતા પ્રમાણમાં આપવી. આ કીટનાશકને રેતી સાથે ભેળવી વરસાદ પડતા પહેલા ચાસની બાજુમાં રેડવાથી પણ સારા પરિણામ મેળવી શકાય.
- બીજ માવજત માટે ધ્યાનમાં રાખવાની બાબતો
- મગફળીના દાણાને બીજ માવજત આપવાથી સફેદ ઘૈણના ઉપદ્રવમાં ઘટાડો જોવા મળે છે, તેથી પાકનાં વાવેતર પહેલાં બીજની માવજત મહત્વપૂર્ણ છે.
- બીજ માવજત આપનાર વ્યક્તિએ હાથમાં રબ્બરના મોજા પહેરવા અથવા પ્લાસ્ટિકની કોથળી બાંધવી અને મગફળીના ૨૦ કિ. ગ્રા. બીજને પ્લાસ્ટિકના કંતાન પર લેવા.
- મગફળીના ૨૦ કિ.ગ્રા. બિયારણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૫૦૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૫૦૦ મિ.લિ. પૈકી કોઇપણ એક કીટનાશક ધીમે ધીમે મગફળીના દાણા ઉપર રેડતા જવું અને હળવા હાથે મગફળીના દાણાને માવજત આપવી.
- માવજત આપેલ દાણાંને પ્લાસ્ટિકના કંતાનમાં ફેલાવીને ૩ થી ૪ કલાક સુધી છાંયડામાં સૂકવવા.
- માવજત આપ્યા બાદ હાથમોજા, પ્લાસ્ટિક અને ઉપયોગમાં લીધેલ અન્ય વસ્તુઓને સારી રીતે સાબુ વડે ધોઈ નાખવા.
- કીટનાશકનો પટ આપેલ દાણાને બાળક, પશુ-પક્ષી કે અન્ય જાનવર ન ખાય તેની કાળજી રાખવી.
- માવજત આપેલ દાણા તેજ દિવસે વાવી દેવા જોઈએ. વાવણી કર્યા બાદ બીજ માવજત આપેલ દાણા વધે તો તેને જમીનમાં ખાડો ખોદી દાટી દેવા જોઈએ.
માહિતી સ્ત્રોત - પિયુષ એચ. પટેલ, ડેનિશા આર. પટેલ, ડૉ. જે. જે. પટેલ નવસારી કૃષિ મહાવિધ્યાલય, નવસારી - ૩૯૬૪૫૦
આ પણ વાંચો - શુ તમે જાણો છો કે, મગફળીના પાકમાં તેના પાન પીળા કેમ પડી જાય છે ? ભાગ – 2
Share your comments