ખરાબ જમીનનો એક મુખ્ય પ્રકાર ભાસ્મિક જમીન છે. ભાસ્મિક જમીનોમાં નીચાણવાળા વિસ્તાર કે જયા લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે. સાથે જમીનના તળનાં ક્ષારો જમીનની ઉપલી સપાટીમાં ધીમે ધીમે જમા થાય છે.
ભાલનો વિસ્તાર, જૂનાગઢનો ઘેડ વિસ્તાર, કચ્છનો વાગડ વિસ્તાર, બનાસકાંઠાનો થરાદ વિસ્તાર, પાટણનો સમી –હરીજ વિસ્તારમાં મુખ્યત્વે ભાસ્મિક જમીન જોવા મળે છે. જે વિસ્તારોમાં કેનાલ પિયત વિસ્તાર કે જ્યાં બેફામ અને આડેધડ પિયત પાણી વાપરવામાં આવે છે ત્યાંની પણ જમીન ભાસ્મિક થવાની શક્યતાઓ વધી જાય છે. વધુ એક કારણ કૂવા કે ઉંડા બોરના નબળી ગુણવત્તાવાળા ક્ષારયુક્ત પાણીનો પિયત તરીકે ઉપયોગ કરવાથી પાણીમાં રહેલા ક્ષારો જમીન પર જમા થવાથી સામાન્ય જમીન લાંબા ગાળે ભાસ્મિક જમીનમાં બદલાય છે. ઉપરાંત દરિયાકાંઠાની નજીકની જમીનમા દરિયાનું પાણી નીચલા તળમાં ઘુસી જવાથી આ પ્રકારની જમીન જોવા મળે છે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠે આ કારણોથી જમીન ખારી ભાસ્મિક બનેલ છે.
જમીન ખારી છે કે ભાસ્મિક એ કઈ રીતે જાણી શકાય ? જમીન ખારી છે કે ભાસ્મિક તેનો ખ્યાલ બે રીતે આવી શકે
નરી આંખે જમીનનું અવલોકન કરીને
-
જો જમીનની ઉપલી સપાટી પર સફેદ રંગનો ક્ષારનો થર જામી જતો જોવા મળે
-
જમીન પોચી, ભરભરી અને લુણો લાગ્યો હોય એવું લાગે તો જમીન ખારી છે તેમ સમજવું.
-
જ્યારે જો જમીનની સપાટી કાળા રંગની, કઠણ અને બરડ જણાય, જમીન ભીની થતા ચીકાણી અને સુકાતા સખત બની જતી હોય તો તેવી જમીન ભાસ્મિક પ્રકારની છે.
-
ખારી અને ભાસ્મિક જમીનનો ખરેખર ખ્યાલ જમીન ચકાસણી પ્રયોગશાળમાં જમીનનું પૃથકકરણ કરવાથી જ આવે છે.
-
મૃદા પરીક્ષણ રીપોર્ટમાં જો જમીનોમાં કુલ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ ઓછું હોય એટલે કે સંતૃપ્ત દ્રાવણની વિંધુતવાહકતા ૪ ડેસી સાયમન પ્રતિ મીટર કરતા ઓછી હોય છે, પરંતુ વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ ૧૫ ટકા કરતા વધારે હોય તેને ભાસ્મિક જમીન કહેવાય. આવી જમીનનો પી.એચ. આંક પણ ૮.૫ કરતા વધારે હોય છે.
ભાસ્મિક જમીનથી મને શું?
-
જમીનમાં દ્રાવ્ય ક્ષારો અને વિનિમય પામતા સોડિયમની માત્રા વધુ હોવાથી જમીનના બંધારણ પર વિપરીત અસર થાય છે. આવી જમીનમાં પાણી નીચે ન ઉતરતાં લાંબો સમય સુધી પાણી ખેતરમાં ભરાઈ રહે છે. તેથી જમીનમાં પુરતી હવા - ઉજાસ રહેતો નથી. છોડનાં મૂળને તેમજ જમીનમાં રહેલ સૂક્ષ્મજીવો અને અન્ય ફાયદાકારક જીવો માટે શ્વાસ માટે અગત્યની પ્રાણવાયુ ઓછી હોવાના કારણે પાક ઉત્પાદનમાં માઠી અસર થાય છે.
-
જમીનમાં પોષક્તત્વો હોવા છતાં પાક તેનું અવશોષણ કરી શકતો નથી. પાક નબળો અને પીળો દેખાય છે.
-
પાકમાં પોષક તત્વોની ઉણપ પણ સહેલાઇથી જોઈ શકાય છે. સામાન્ય રીતે આવી જમીનને ભાસ્મિક જમીન કહેવાય છે.
-
ભાસ્મિક જમીનને સુધારવા વધુ પડતા સોડિયમને દૂર કરવા માટે જમીન સુધારક તરીકે જીપ્સમનો ઉપયોગ કરી ત્યાર બાદ મીઠા પાણીથી જમીનમાંના ક્ષારો દૂર કરવા જોઈએ .
-
જીપ્સમ એક ખનીજ પદાર્થ છે, જેને ગુજરાતી ભાષામાં ચિરોડી તરીકે ઓળખાય છે.
-
રાસાયણિક બંધારણની દ્રષ્ટિએ જીપ્સમ કેલ્શિયમ સલ્ફેટ છે. જીપ્સમ અદ્વિતીય ખનીજ સ્વરૂપે કુદરતી રીતે બહુ મોટા જથ્થામાં ભારતમાં ઉપલબ્ધ છે.
-
દેશમાં જિપ્સમ કુદરતી રૂપે રાજસ્થાન, ગુજરાત, હિમાલય પ્રદેશ, જમ્મુ - કાશ્મીર અને તામિલનાડુમાં મળે છે. જો કે ગુજરાતમાં કચ્છ અને અમરેલીના અમુક વિસ્તારોમાં ખનીજ જીપ્સમ મળે છે, પરંતુ તેની ગુણવતા ઓછી હોવાના કારણે તેની અસરકારકતા ઓછી હોય એમ માલૂમ પડે છે.
-
જયારે રાસાયણિક ખાતરોના કારખાનાઓમાં આડપેદાશો તરીકે મળતું જીપ્સમ કે જેને કોસ્ફોજીપ્સમ તરીકે ઓળખવામા આવે છે, તેની ગુણવત્તા સારી અને બારીક હોવાથી ખેતરમાં સહેલાઇથી નાખી શકવાના લીધે તેની વધુ અસરકારક જોવા મળેલ છે.
-
સમગ્ર દેશમા અંદાજે ર લાખ ટન કરતા વધારે કોસ્ફોજીપ્સમ આડપેદાશ તરીકે મળે છે.
માહિતી સ્ત્રોત
જી. આઈ. ચૌધરી1 અને ડો. એસ. કે. શાહ2 1અનુસ્નાતક વિધાર્થીની (જમીન વિજ્ઞાન), ચિ.પ.કૃષિમહાવિદ્યાલય, સ.દા. કૃ.યુ. સરદારકૃષિનગર 2મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (જમીન વિજ્ઞાન), દિવેલા-રાઇ સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર
Share your comments