અંગ્રેજીમાં વિન્ટર ચેરી તરીકે ઓળખાતી અણમોલ ઔષધિ ભારતમાં અશ્વગંધાના નામે જાણીતી છે. વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ વિધાનિયા સોમ્નીફેરા છે કે જે ભારતમાં અગત્યની તેમજ ‘દિવ્ય ઔષધિ’ તરીકેની નામના ધરાવે છે. વિવિધ અલ્કેલોઇડસ ધરાવતી આ વનસ્પતિ ભારત સિવાય અન્ય ઘણા દેશોમાં જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ વનસ્પતિનું વાવેતર થાય છે. આજે આપણે એ જાણીશુ કે અશ્વગંઘાની ખેતીમાં નિંદામણ કેવી રીતે કરવું
મૂળની ગુણવત્તા:
ઊંચી ગુણવત્તાવાળા મૂળ બે હાથથી ભાંગતાં સહેલાઈથી તૂટી જાય છે. તેનો તૂટેલો ભાગ સ્ટાર્ચયુક્ત સફેદ જોવા મળે છે. રેસાનું પ્રમાણ ખૂબ જ નહિવત્ત તેમજ સ્વાદે તૂરા, સ્હેજ કડવાશયુક્ત હોય છે. અશ્વગંધાના મૂળમાં અગત્યનું રસાયણ એવું આલ્કલોઈડ “વીથેનોલોઈડ” સમાયેલ છે. જે શારીરીક પુષ્ટતા માટે જરૂરી છે. મૂળમાં તેનું પ્રમાણ ૦.૪ થી ૧.૨ ટકા સુધી અને શર્કરાયુક્ત સ્ટાર્ચનું પ્રમાણ ૩૦ થી ૬૦ ટકા સુધી હોય છે. આલ્કલોઈડ અને સ્ટાર્ચના પ્રમાણ મૂળની જાડાઈ પ્રમાણે વધઘટ થાય છે. આલ્કલાઇડ માટે ૦.૪૦ થી ૦.૫૬ સે.મી. વ્યાસના જાડા મૂળ તથા ૦. ૦૮ થી ઓછા વ્યાસના પાતળા મૂળ વધુ સારા ગણાય છે.
કાપણી:
વાવણી બાદ ૧૩૫ થી ૧૫૦ દિવસે છોડ પાકીને તૈયાર થઈ જાય છે. જયારે છોડના ગળાના પાન અને ફળ પીળાં પડી જાય ત્યારે પાક કાપણી માટે તૈયાર થયો તેમ કહી શકાય. પાકી ગયેલા છોડને પાણી આપી મૂળ સાથે આખો જ છોડ જમીનમાંથી ખેંચી કાઢવામાં આવે છે. ફળોને સુકવી પગર કરી બીજ મેળવવામાં આવે છે. મૂળના કટકા કરી તેની અલગ સૂકવણી કર્યા બાદ કટકાને ૩ થી ૪ જુદા જુદા ગ્રેડમાં અલગ પાડવામાં આવે છે. ઉપરના ત્રણ ગ્રેડ કરતાં જે વધે તે મૂળ અલગ રાખવા. આ પ્રકારના મૂળની છાલનો રંગ પીળો તેમજ મૂળ જલ્દી તૂટી જાય તેવા હોય છે.
આ પણ વાંચો - અશ્વગંધાની વૈજ્ઞાનિક ખેતીમાં ઉપયોગી બાબતો અને રોગ નિયંત્રણ
છોડનું વર્ણન:
સામાન્ય રીતે આ છોડ ૨૫ થી ૪૦ સે.મી.ની ઊંચાઈ અને વધુ શાખાઓ વાળો હોય છે. તેના પાન ઘાટા લીલા રંગના અને પુષ્પ નાનુ અને પીળુ કે લાલ તેમજ ફળ લીલા રંગનું વટાણા જેવું થાય છે. મૂળની લંબાઈ ૧૦ થી ૧૮ સે.મી.ની જ્યારે જાડાઈ ૧.૫ થી ૨.૫ સે.મી.ની હોય છે.
આબોહવા અને જમીન:
આ પાકને વૃદ્ધિના સમયે ગરમ ભેજવાળી અને પાકવાના સમયે સૂકી આબોહવા વધુ માફક આવે છે. આમ તો કોઈપણ પ્રકારની જમીનમાં આ પાક થઈ શકે છે. ગોરાડું કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. કાળી રેતીવાળી જમીનમાં પણ સારૂં ઉત્પાદન મેળવી શકાય છે.મંદસોરમાં હલકી રેતાળ જમીનમાં આ પાકનું વાવેતર કરવામાં આવે છે.
વાવણી સમય અને અંતર:
આ પાકનું વાવેતર અર્ધચોમાસું એટલે ઓકટોબરના છેલ્લા પખવાડિયામાં કરવું હિતાવહ છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણને પૂંખીને વાવે છે. પરંતુ ૩૦ સે.મી. ના અંતરે હારમાં વાવવામાં આવે તો વધુ ઉત્પાદન તેમજ આંતરખેડ અને નિંદામણ પણ સારી રીતે કરી શકાય છે.
આ પણ વાંચો - અશ્વગંધા ઔષધિની વૈજ્ઞાનિક પદ્ધતીથી ખેતીથી કરી શકો છો લાખોની કમાણી
બિયારણનો દર:
એક હેક્ટરની વાવણી કરવા માટે આશરે ૧૦ થી ૧૨ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. બિયારણની માવજત: એક કિ.ગ્રા. બિયારણ દીઠ ૩.૦ ગ્રામ ડાયથેન એમ ૪૫ નામની દવાનો બિયારણને પટ આપ્યા બાદ વાવણી કરવી.
ખાતર:
પ્રતિ હેકટરે ૧૦ ટન છાણિયું ખાતર તેમજ ૨ ટન દિવેલી ખોળ અથવા ૫ ટન મરઘાનું ખાતર સેન્દ્રિય ખાતર તરીકે પાયામાં આપવાની ભલામણ છે. ખાતર નાખ્યા પછી એક થી બે ઉંડી ખેડ કરી ખાતર બરાબર જમીનમાં ભેળવવું ખુબ જરૂરી છે.
નીંદામણ
આંતરખેડ તથા પારવણી: પાકના વાવેતર પછી ૨૦-૨૫ દિવસે જરૂરી નીંદામણ કરવું. તદ્ઉપરાંત જો પાક હારમાં વાવેલ હોય તો એકાદ બે આંતરખેડ કરવી તેનાથી જમીન પોચી અને ભરભરી બનતાં છોડનો વિકાસ સારો થશે. એક ચોરસ મીટરમાં આશરે ૬૦ થી ૭૦ છોડ રહે તે પ્રમાણે પારવણી કરવી, જેથી હેકટરે ૬ થી ૭ લાખ છોડ મળી રહે.
માહિતી સ્ત્રોત - કુ. જૈના વિ. પટેલ , શ્રીમતી ધરા ડી. પ્રજાપતિ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, આણંદ કૃષિ યુનીવર્સીટી, આણંદ
Share your comments