Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મગફળીના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ

મગફળી ખુબજ અગત્યનો ખાદ્ય તેલિબિયાંનો પાક છે. જેનુ વાવેતર ખરીફ અને ઉનાળુ બંને ઋતુમાં થાય છે. આ પાકને વાતાવરણિય અને જૈવિક પરિબળોથી નુકસાન થતુ હોય છે. જૈવિક પરિબળો પૈકી ચૂસિયા, પાન ખાનારી ઈયળ અને સફેદ ઘૈણ મુખ્ય છે આ જીવાતોથી થતુ નુકસાન અને નિયંત્રણ નીચે મુજબ છે.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

મગફળી ખુબજ અગત્યનો ખાદ્ય તેલિબિયાંનો પાક છે. જેનુ વાવેતર ખરીફ અને ઉનાળુ બંને ઋતુમાં થાય છે. આ પાકને વાતાવરણિય અને જૈવિક પરિબળોથી નુકસાન થતુ હોય છે. જૈવિક પરિબળો પૈકી ચૂસિયા, પાન ખાનારી ઈયળ અને સફેદ ઘૈણ મુખ્ય છે આ જીવાતોથી થતુ નુકસાન અને નિયંત્રણ નીચે મુજબ છે.

મગફળીના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ
મગફળીના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ

૧. મોલો અને તડતડીયા:    

મોલો: મગફળીના છોડ પીળાશ પડતા જણાય, ડૂંખો અને સૂયા પર કાળાશ પડતી જીવાતના થર જણાઇ, છોડને અડકતા ચીકાસ જણાય આવે, છોડ કાળા રંગના દેખાય, છોડની વૃધ્ધિ અટકી જાય અને પાક નબળો જણાય જે મોલો-મશીનો ઉપદ્રવ દર્શાવે છે. જેને ખેડુતો “ગળો” તરીકે પણ ઓળખે છે. સુયા બેસવાનાં સમયે ઉપદ્રવ હોય તો સૂયા ચીમળાઇ જાય છે અને પોપટા બંધાતા નથી.

તડતડીયા: મગફળીનાં પાકમાં પાનની ટોચો અને ધારો પીળી પડેલી જણાય, છોડ ફીક્કા અને પાન સૂકાતા જણાય અને તેની સાથે બારીકાઈથી તપાસતા પીળાશ પડતા લીલા રંગની ત્રાસી ચાલતી જીવાત જણાય આવે તો તે તડતડિયાનું નુકસાન દર્શાવે છે. આ જીવાતનો ઉપદ્રવ સૂયા બેસતી વખતે હોય તો ડોડવામાં દાણા ચીમળાયેલા રહે છે. આવા દાણાનું વાવેતર કરતાં ઉગાવો ઓછો થાય છે અને તેલનુ પ્રમાણ પણ ઘટે છે.

મોલો અને તડતડીયાનું નિયંત્રણ:

જો ઉપદ્રવની શરૂઆત હોય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. એક લીટરની ક્ષમતાવાળા ડબ્બાને પીળો રંગ લગાવી તેનાં પર ગ્રીસ લગાવી ખેતરની ફરતે મુકવાથી આ જીવાતનાં ઉપદ્રવની શરૂઆત જાણી  શકાય. વધુ ઉપદ્ર્વ વખતે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવીકે ફોસ્‍ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૦ થી ૧ર દિવસ બાદ બીજો છંટકાવ કરવો. મોલોને ખાઈ જનારા દાળિયાની વસ્‍તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્‍વી રાખવું.

૨. પાનક્થીરી: મગફળીનાં છોડનાં પાન પર સફેદ ડાઘા જોવા મળે અને દુરથી છોડ સફેદ અને ઝાંખા જણાય, છોડને નજીકથી તપાસતાં કરોળિયાનાં જાળા જેવા સૂક્ષ્મ જાળા જણાઇ આવે અને તેમાં રતાશ પડતા રંગની જીવાત જણાય તો પાન કથીરીનો ઉપદ્રવ દર્શાવે છે. ઉનાળુ મગફળીમાં તેનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે.

નિયંત્રણ:

ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ જીવાતના અસરકારક નિયંત્રણ માટે ફેનપાયરોક્ષીમેટ ૫ એસસી અથવા ફેનાઝેક્વીન ૧૦ ઇસી અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. અથવા ડાયકોફોલ ૧૮.૫ ઇસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

૩. પાન કોરીયુ:

ઉનાળુ મગફળીમાં આ જીવાતનો ઉપદ્રવ ઉગતાની સાથે જ જણાય આવે છે. ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્‍તારમાં ભેજવાળું હવામાન રહેતુ હોવાથી ત્યાં આ જીવાતનો ઉપદ્રવ વધુ રહે છે. નાની ઈયળો કુમળા પાનને કોરીને નુકસાન કરે છે. ઈયળો મોટી થતાં પાનમાં બનાવેલ બુગદામાંથી બહાર નીકળીને ડૂંખની ટોચની નજીકથી પાંદડીઓ એક-બીજા સાથે જોડીને જાળુ બનાવી અંદરના ભાગમાં રહી પાનનો લીલો ભાગ ખાય છે. ૫રિણામે પાંદડાઓ સૂકાય જાય છે. આ જીવાત છોડની ડૂંખોના ભાગમાંના પાંદડાઓ એકબીજા સાથે જોડી દેતી હોવાથી ખેડૂતો તેને માથા બાંધનારી અથવા પાન વાળનારી ઈયળો તરીકે ૫ણ ઓળખે છે.

નિયંત્રણ:

ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધુ જણાય તો ડાયક્લોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. અથવા ફેનીટ્રોથીઓન ૫૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ ૫છી બીજો છંટકાવ.

૪. લીલી ઈયળ

મગફળીનાં ઉપદ્રવિત પાન તપાસતા નસની બંને બાજુએ સરખા અંતરે અને એક સરખા કાણાં જોવા મળે. વધુ ઉપદ્રવ વખતે કુમળા પાન અને નાની ડૂંખો ખવાઇ જાય અને છોડ ઝાંખરા જેવો દેખાય તેમજ છોડનો વિકાસ અટકી જાય ત્યારે સમજવું કે આ પાકમાં લીલી ઇયળનો ઉપદ્રવ છે. આવી ઇયળો રંગે લીલી અને તેનાં ઉપર રાખોડી રંગની લીટીઓ જણાશે. આવી ઈયળોને પાછળના ભાગે સહેજ દબાવતા સાપની માફક ડંખ મારવા પાછળ ફરે છે. આવા નુકસાન પામેલા છોડ ઉપર નવી કૂંપળો ફૂટતી નથી. ચોમાસુ મગફળીમાં આ જીવાતનો ઉપદ્રવ સપ્‍ટેમ્‍બર માસમાં અને ઉનાળુ મગફળીમાં એપ્રિલ માસનાં અંતમાં શરૂ થાય છે અને પાકની કા૫ણી સુધી રહે છે.

સંકલિત વ્યવસ્થાપન

હેકટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રે૫ ગોઠવી તેમા ૫કડાતા નર ફુદાંનો નાશ કરવો. ઉપદ્રવની શરૂઆત થતા જ લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુકલિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઇ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કાર્બારીલ ૫૦% વે.પા. ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો અન્ય રાસાયણિક દવાઓ જેવી કે ફ્લુબેન્ડાએમાઇડ ૪૮૦ એસસી અથવા ક્લોરએન્ટ્રાનીલીપ્રોલ ૨૦ એસસી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

 ૫. મગફળીના પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા):

મગફળીનાં પાનનો લીલો ભાગ ખવાયેલો જણાય, કૂમળા પાન ઇયળથી નુકસાન  થયેલ જોવા મળે અને ક્યારેક પાનની નસો સિવાયનો પાનનો ભાગ ખવાઈ જવાથી  ઝાંખરા જેવો દેખાય તો આ નુકસાન પાન ખાનાર ઇયળનું છે એમ સમજવું. કેટલીક વાર છોડની ફકત નસો જ જોવા મળે છે. આ ઇયળો બપોરનાં સમયમાં છોડના થડની આજુ-બાજુની જમીનની તીરાડમાં ભરાઈ રહે છે જેથી દિવસે દેખાતી નથી. રાત્રિ દરમ્‍યાન ખોરાક માટે ઇયળો બહાર આવે છે. મગફળીમાં સૂયા તેમજ ડોડવા બેઠેલા હોય તે વખતે આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય તો ઈયળો સૂયાને અને ડોડવામાં રહેલા દાણાને ખાઈને ૫ણ નુકસાન કરે છે.

સંકલિત વ્યવસ્થાપન

સામુહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ગોઠવી આ જીવતની વસ્તી કાબૂમાં રાખી શકાય. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુકલિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઇ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધુ જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા મીથોમાઈલ ૫૦ વેપા ૧ર.૫ ગ્રામ અથવા ડાયકલોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાયતો ૧૦ થી ૧ર દિવસ ૫છી ઉપરા જણાવેલ કોઈ૫ણ એક દવાનો બીજો છંટકાવ કરવો. જંતુનાશક પ્રવાહી નિયંત્રણમાં ૩૦-૪૦ ગ્રામ ગોળ ઉમેરવાથી દવાની અસરકારકતા વધે છે.

૬. સફેદ ધૈણ / ડોળ 

એક જ ચાસમાં ક્રમાનુસાર છોડ સૂકાતા અને ચીમળાતા જોવા મળે, ચીમળાયેલ છોડ સહેલાઈથી ઉપાડી ન શકાય, ચીમળતા જતા છોડને જોતા મૂળ ઈયળથી ખવાયેલ જણાય, ચીમળતા છોડની નીચે ખેતરમાં મેલા સફેદ રંગની અને આછા બદામી રંગના માથાવાળી ‘સી’ આકારની ઈયળ જોવા મળે. ખેતરમાં મોટા ખાલા ૫ડે છે અને પાકનો આડેધડ નાશ થવા લાગે છે. આ પ્રકારનું નુકસાન સફેદ ધૈણ (ઇયળ)થી થયેલ છે તેમ કહી શકાય.

સંકલિત વ્યવસ્થાપન

આ જીવાતની કેટલીક ખાસિયતોને લીધે તેનું નિયંત્રણ કરવાનું ખૂબ જ મુશ્કેલ પડે છે. ૫રિણામે તેના જીવનની દરેક અવસ્‍થાએ તેમની વસ્‍તી ધટાડી શકાય તેવા સામુહિક ઉપાયોનું સંકલિત આયોજન કરી નિયંત્રણના ઉપાયો લેવા જોઈએ. આ જીવાતના નિયંત્રણ માટે સૌ પ્રથમ ૫હેલો સારો વરસાદ થયા ૫છી સંઘ્‍યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેઢા-પાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાશ કરવો. આ ઉ૫રાંત ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડ ઉ૫ર બધા પાન સારી રીતે છંટાય તે પ્રમાણે કાર્બારીલ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી ૫ણ સફેદ ધૈણનો ઉપદ્રવ ઓછો થાય છે. ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્‍તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો જોઈએ. સામુહિક ઉપાયોની સાથે સાથે વ્‍યકિતગત ધોરણે ૫ણ પોતાનો પાક બચાવવા દરેક ખેડુતે કલોરપાયરીફોસ ર૦ ઈસી અથવા ક્વિનાલફોસ ર૫ ઈસી ર૫ મિ.લિ. પ્રતિ કિ.ગ્રા. પ્રમાણેની બીજ માવજત વાવતા ૫હેલા ત્રણ કલાકે આપી છાંયડામાં સૂકવી ૫છી બીજનો વાવેતર તરીકે ઉ૫યોગ કરવો. સફેદ ધૈણના નિયંત્રણ માટે અગાઉથી કોઈ૫ણ જંતુનાશક દવાનાં ઉપાયો ન લીધા હોય અને તેનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે તો ઉભા પાકમાં ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૩ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આ૫વી. આ ઇયળથી થતા નુકસાન માટે ક્યારેય દવાનો છંટકાવ પાક પર કરવો નહી.

૭. ઉધઈ

મગફળીના છોડ એકા એક સૂકાવા માંડે અને છોડ ઉખાડતા સહેલાઇથી ખેંચાઇ/ ઉખડી આવે અને તેના મુળ પર સફેદ રંગની અને ભુખરા માથાવાળી જીવાત જોવા મળે કે માટી ચોંટેલી જણાય તો ઉઘઇનો ઉપદ્રવ છે તેમ કહી શકાય. વળી ખેતરમાં છોડ એકલ-દોકલ અને ક્યારેક ટાપામાં છોડ સૂકાવા માંડે. ઉધઈ ખાસ કરીને રેતાળ, ગોરાડું, કે હલકા પ્રકારની જમીનમાં વધુ જોવા મળે છે. ઉપરાંત ખરીફ અને ઉનાળુ પાકમાં જોવા મળે છે. વરસાદ ખેંચાય કે બે પિયત વચ્ચેનો સમયગાળો વધી જાય તો પણ આ જીવાતનો ઉપદ્રવ વધવા પામે છે. ઉપરાંત જેમાં આગલાં પાકના જડીયા અને કચરો ખેતરમાં રહી ગયો હોય કે છાણીયા ખાતરમાં રાડા કચરાનુ પ્રમાણ વધારે હોય ત્યારે આવી જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.

સંકલિત વ્યવસ્થાપન

પાકની કા૫ણી બાદ પાકના જડીયા વીણી સમયસર નિકાલ કરવો. દિવેલી, લીંબોળી, કરંજ વગેરેનો ખોળ જમીનમાં આ૫વાથી ઉપદ્રવ ઘટાડી શકાય. જમીન ૫રના રાફડા ખોદી તેમાંથી રાણી શોધી નાશ કરવો. રાણી ન મળે તો રાફડામાં કાણાં પાડી ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૩૦ મિ.લિ. અથવા ડાયકલોરોવોસ ૭૬ ઇસી ૧૦ મિ.લિ. અથવા ઇમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી આ પ્રવાહી મિશ્રણ તેમાં રેડવું જેથી રાણીનો નાશ કરી શકાય. ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને દવાનો ૫ટ આપીને કરી શકાય છે. બીજને દવાનો ૫ટ આ૫વા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેન્થ્રીન ૧૦ ઈસી ર૦૦ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૬૦૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૪૦૦ મિ.લિ. ૫ લિટર પાણીમાં મિશ્રણ કરી બિયારણને પાકા ભોંયતળીયા અથવા પ્લાસ્ટીકના પાથરણામાં એકસરખી રીતે પાથરી તેના ઉ૫ર દવાનું મિશ્રણ એકસરખી રીતે છાંટી રબરના હાથ-મોજા ૫હેરી બિયારણને દવાથી બરાબર મોઈ નાખી આવી માવજત આપેલ બિયારણને આખી રાત સુકવીને જ બીજા દિવસે વાવણી કરવી. ઉભા પાકમાં ઉ૫દ્રવ જણાય તો પિયત પાણી સાથે ક્લોરપાયરીફોસ ર૦ ઈસી ૨.૫ લિટર પ્રતિ હેકટરે આ૫વી.

 રસાયણિક દવાઓનો વપરાશ અને મગફળી ઉપાડવાનો ગાળો પણ જળવાઇ રહેવો આવશ્યક છે. જેથી આવી દવાઓનાં અવશેષો મગફળીમાં રહે નહી. પાકમાં સર્વેક્ષણ, ઉપયોગી કીટકોની જાળવણી અને જરૂરીયાત મુજબનાં જ દવાઓના છંટકાવથી આર્થિક લાભ મેળવી શકાય અને મગફળી જેવા અગત્યના પાકનું ઉત્પાદન વધારવમાં  યોગ્ય ફાળો આપી શકે.

આ પણ વાંચો: સૌથી વધુ નફો રળી આપતા પાક

Related Topics

#Groundnut #crops

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More