કોરોના, કુદરતી મહામારી, વાવાઝોડુ, કમોસમી વરસાદ જેવી અનેક પરેશાનીઓથી જગતના તાત Farmers ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે અમે એક એવા પાકની ખેતી વિશે તમને માહિતી આપીશું જેનાથી તમને અઢળક નફો થશે.
અજમાની ખેતી
અજમોએ ધાણાના કુળનો છોડ છે. અજમાના છોડની લંબાઈ એક મીટરની આસપાસ જોવા મળે છે. અજમાની ખેતી રવી પાક તરીકે કરવામાં આવે છે. અજમાના છોડના વિકાસ માટે શિયાળાની ઠંડી જરૂરી છે. અજમાની ખેતી માટે વધારે વરસાદની જરૂર નથી. અજમાની બજાર કિંમત ખૂબ જ સારી હોય છે. જેના કારણે અજમાની ખેતી જગતના તાત માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે. આજે અમે તમને અજમાની ખેતીમાં વાવેતરથી લઈને કાપણી સુધીની સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.
મસાલા પાક તેમજ ઔષધીય પાક તરીકે પ્રખ્યાત
અજમાની ખેતી મસાલા પાક તેમજ ઔષધીય પાક તરીકે કરવામાં આવે છે. અજમાને ઔષધીય ગુણધર્મોથી ભરપુર ઔષધિ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અજમો ખોરાકમાં સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. અજમાના બીજમાં ઘણા ખનિજ તત્વોનું મિશ્રણ જોવા મળે છે. જેનો ઉપયોગ મનુષ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અજમાના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. જેનો ઉપયોગ દવાઓ તરીકે થાય છે. આ સિવાય તેના દાણાને પીસીને આયુર્વેદિક દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.
જમીન
અજમાના પાકને સારી નિતારશકિત ધરાવતી ગોરાડું કે મધ્યમ કાળી જમીન વધારે માફક આવે છે. 2-3 વખત હળથી ખેડ કરવી. કરબ વડે આડી ઉભી ખેડ કરી ઢેફાં ભાંગી જમીન ભરભરી બનાવવી જોઈએ. જમીન સમતળ કરી લાંબા અને સાંકડા કયારા બનાવવા ખૂબ જ જરૂરી છે.
સુધારેલી જાતો
અજમાની ખેતીમાં વધુ ઉત્પાદન આપતી જાત ગુજરાત અજમો-૨ ની પસંદગી કરવી જોઈએ.
બીજ માવજત
અજમાના બીજને એઝેટોબેકટર અને ફોસ્ફટ કલ્ચરનો પટ આપવો.
વાવેતર સમય
અજમાની વાવણી ઓકટોબરના ચોથા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં કરવી જોઈએ.
અંતર અને બીજનો દર
અજમાની વાવણી ઓરીને જમીનની ફળદ્રુપતા મુજબ 45 થી 60 સે.મી.ના અંતરે અને ઉંડાઈ 1 થી 1.5 સે.મી. સુધી કરવી. અજમાની ખેતીમાં એક હેકટર વિસ્તાર માટે 2 થી 2.5 કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે. બીજ નાનું હોવાથી છાણીયા ખાતરનો પાવડર કે ઝીણી રેતી મિશ્ર કરી બીજની વાવણી કરવી. અજમાની વાવણી પૂર્વ-પશ્ચિમ દિશામાં કરવી.
ખાતર વ્યવસ્થાપન
અજમાની ખેતીમાં જમીન તૈયાર કરવાના સમયે 4 થી 5 ટન પ્રતિ હેકટરે કોહવાયેલ છાણીયું ખાતર આપો.
પિયત વ્યવસ્થાપન
અજમાની વાવણી બાદ તરત જ અને સારા ઉગાવા માટે જરૂરિયાત મુજબ પાણી આપવું જોઈએ. હવામાન મુજબ અજમાના પાકને 4 થી 6 પિયતની જરૂરિયાત રહે છે.
નિંદામણ અને આંતરખેડ
અજમાની ખેતીમાં જરૂરિયાત મુજબ 2 થી 3 આંતરખેડ કરવી અને હાથ નિંદામણ વડે પાક નીંદણમુકત રાખવો.
જીવાત નિયંત્રણ
મોલોના નિયંત્રણ માટે લીંબોળીના મીંજનું 5%નું મિશ્રણનું 15 દિવસના અંતરે બે વાર છંટકાવ કરવુ જોઈએ.
કાપણીનો યોગ્ય સમય
વહેલી સવારે દેહધાર્મિક પરિપકવતાએ છોડની કાપણી કરવી, પાકાં ખળામાં ધીમી ગતિએ ચાલતાં થેસરનો ઉપયોગ કરવો, ઝૂડણી માટે પશુનો ઉપયોગ ટાળવો.
આ પણ વાંચો : લીંબુના ઉત્પાદન માટે આ અદ્યતન ટેકનોલોજી અપનાવો
આ પણ વાંચો : સ્ટ્રોબેરીની ખેતી કેવી રીતે અને કયા મહિનામાં થાય તેની સંપૂર્ણ માહિતી
Share your comments