નર્મદા જિલ્લામાં ખેડૂતો કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે જિલ્લામાં લગભગ 100 જેટલા ખેડૂતો ડ્રેગન ફ્રુટની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી રહ્યા છે. હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજીકના વિસ્તારમાં આ ખેતી કરવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લાના ખેડૂતો કમલમ એટલે કે ડ્રેગન ફ્રુટની ખેતી તરફ વળી રહ્યા છે. આ ખેડૂતોને સરકાર સહાય પણ કરી રહી છે. ફોરેસ્ટ વિભાગ ડ્રેગન ફ્રુટની ખેતી માટે ખેડૂતના ખેતરમાં છોડ,ડ્રિપ માટે પાઇપ અને થાંભલા આપે છે. ખેડૂતને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ખેતી કરવાની હોય છે. અને એનું જે વળતર મળે તે ખેડૂતે જ લેવાનું હોય છે. સરકારમાં એક રૂપિયો પણ આપવાનો રહેતો નથી.
નર્મદા જિલ્લાના સમારીયા વિસ્તારના ખેડૂત ઉપેન્દ્રસિંહ જણાવી રહ્યા છે કે બીજી બધી ખેતી કરતા કમલમની ખેતી ખૂબ લાભદાયી છે. ડ્રેગન ફ્રુટના બજાર ભાવ અને વધતી જતી માંગના કારણે ખેડૂતો ડ્રેગન ફ્રૂટની લાભદાયક ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની ખેતી ખેડૂતો માટે અનેક રીતે ફાયદાકારક તો છે જ સાથે લોકો માટે પણ ફાયદાકારક છે. લોકો ડ્રેગન ફૂટનું સેવન માત્ર સ્વાદ કે શોખ માટે જ નથી કરી રહ્યા. પણ ડ્રેગન ફ્રુટમાંથી મળતા ઔષધીય ગુણ અને બીમારી સામે લડવાના ગુણધર્મને કારણે પણ લોકોમાં ડ્રેગન ફ્રૂટની માંગ દિવસેને દિવસે વધી રહી છે
ડ્રેગન ફ્રુટનો 70 થી 80 ટકા ભાગ ખાઈ શકાય છે જેને પલ્પ કહેવામાં આવે છે. પલ્પમાં વિટામિન સી, એન્ટિ ઓક્સિડન્ટ, ફાઈબર, ફોસ્ફરસ અને કેલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. કુદરતી ઉપચારમાં તો ડ્રેગન ફૂટ ખૂબ જ લાભદાયી છે. બજારમાં ડ્રેગન ફ્રુટ 200થી 250 રૂપિયે કિલોના ભાવે વેચાઈ છે.
ત્રણ પ્રકારના ડ્રેગન ફ્રુટ જોવા મળે છે.
1) લાલ છાલ સફેદ પલ્પ
2) લાલ છાલ લાલ પલ્પ
3) પીળી છાલ સફેદ પલ્પ
ઉપેન્દ્રસિંહ જણાવે છે કે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવવામાં આવી છે. ત્યારે આ વિસ્તારમાં હજારો પ્રવાસીઓ આવે છે. જેથી આ કમલમ એટલે કે ડ્રેગન ફ્રુટ અમારે બહાર વેચવા જવાની જરૂર નહીં પડે. અને ખેડૂતો સ્ટેચ્યુ વિસ્તારમાં જ વેચી શકશે તેથી સારો ભાવ પણ મળી રહેશે. ફોરેસ્ટ વિભાગ દ્વારા એક મંડળી બનાવીને વેચાણ કરવામાં માટેની પણ તૈયારી બતાવી છે. ડ્રેગન ફ્રુટની એકવાર વાવણી કર્યા બાદ 25 વર્ષ સુધી ફળ આપે છે જેથી ખેડૂતોને ખૂબ ફાયદો થઈ રહ્યો છે
ડ્રેગન ફ્રુટના ફાયદા
વધતાં જતાં ઉદ્યોગો અને ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રદુષણ વધી રહ્યું છે. અને તેના કારણે બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટિસ, તણાવ જેવી બીમારીઓનું પ્રમાણ વધી ગયું છે. ડાયાબિટિસને રોકવામાં, ઝેરી દ્રવ્યો ઓછાં કરવામાં, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં ડ્રેગન ફ્રુટ ઉપયોગી સાબિત થયું છે. ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ થવા લાગ્યો છે. રસ, જામ, સીરપ, આઈસ્ક્રીમ, દહીં, સલાડ, સૂપ, જેલી, કેન્ડી અને પેસ્ટ્રીઝ સુધીની બનાવટોમાં ડ્રેગન ફ્રુટનો વપરાશ વધી રહ્યો છે. સાથે કુદરતી રંગો બનાવવામાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે.
Share your comments