રાજ્યમાં શિયાળાની ઋતુમાં વાવણી કરવામાં આવે છે પરંતુ ઘણા ખેડૂત મિત્રો જેમ આવે તેમ આડેધળ રાઈનું વાવેતર કરી દેતા હોય છે આજે અમે તમને એ વિશે જણાવીશુ કે વૈજ્ઞાનિક પદ્ધતિથી રાઈની ખેતી કરીને કઈ રીતે બમણું ઉત્પાદન મળેવી શકો છો અને વૈજ્ઞનિક પદ્ધતિથી રાઈની ખેતી કરવા માટે કઈ – કઈ કાળજી રાખવાની જરૂર છે.
જમીનની પસંદગી અને તૈયારી
- રાઈ પાકને રેતાળ ગોરાળુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે.
- ભારે અને ઓછા નિતારવાળી જમીન રાઈના પાકને માફક આવતી નથી.
- વધુ સેન્દ્રિય પદાર્થ ધરાવતી અને સારા નિતારવાળી જમીન આ પાકના વાવેતર માટે વધુ અનુકૂળ આવે છે.
- મધ્યમ ક્ષારવાળી જમીનમાં પણ આ પાક સારી રીતે લઈ શકાય છે.
- રાઈના પાકનું બિનપિયત પાક તરીકે વાવેતર કરવાનું હોય ત્યારે ચોમાસુ ઋતુમાં ખેતર પડતર રાખી અવાર-નવાર જમીનના પ્રકાર પ્રમાણે વરાપ થયેથી હળ અને કરબડી વડે ખેડ કરી, સમાર મારી જમીનમાં વધુ ભેજ સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ અને પુરતા ભેજમાં દાણા પડે તે રીતે યોગ્ય સમયે વાવણી કરવી.
- સારા સ્કૂરણ માટે જમીન ભરભરી બનાવવી ખાસ જરૂરી છે.
રાઈની ખેતી કરવા માટે બીયારણની પસંદગી
- ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા રાઈની વરૂણા, ગુજરાત રાઈ-૧, ગુજરાત રાઈ-ર, ગુજરાત રાઈ-૩ અને ગુજરાત રાઈ દાંતીવાડા-૪ જેવી જાતો વિકસાવવામાં આવેલ છે.
- રાઈની બિનપિયત પાક તરીકે અથવા જયાં ઓછા પિયતની સગવડ હોય ત્યાં ગુજરાત રાઈ-૧ ની પસંદગી કરવી, કારણ કે આ જાતને ઓછા પિયતની જરૂરિયાત રહેતી હોય અને વહેલી પાકતી જાત છે.
- ગુજરાત રાઈ દાંતીવાડા-૪ ગુજરાત રાઈ-૩ કરતાં ૧૫ થી ૧૭ ટકા વધુ ઉત્પાદન આપતી નવી જાત છે, જયારે નવીન વિકસાવેલ ગુજરાત રાઈ-૪ જાતનું ઉત્પાદન ગુજરાત રાઈ-૩ કરતાં ૧૧.૧% જેટલું વધુ ધરાવે છે.
વાવણીનો યોગ્ય સમય
- રાઈની વાવણીનો ઉત્તમ સમય ઓકટોબર માસની ૧૫ થી રપ મી તારીખ ગણી શકાય.
- આ સમય દરમ્યાન દિવસનું ગરમીનું પ્રમાણ ઓછું હોય તે જોવું ખાસ જરૂરી છે.
- ઉપરોક્ત બતાવેલ સમયગાળા કરતા વહેલી વાવણી કરવાથી ગરમીને કારણે ખાણ પડવાથી હેટકર દીઠ જરૂરી છોડની સંખ્યા જાળવી શકાતી નથી અને સદર ગાળાથી મોડી વાવણી કરવાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ વધે છે.
- જેના પરિણામે ઉત્પાદન ઓછું મળે છે.
વાવણી અંતર
- બિયારણનું પ્રમાણ અને બીજ માવજત બે ચાસ વચ્ચે ૪૫ સે. મી.નું અંતર અને બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી.નું અંતર રાખી બીજ ૨ થી ૩ સે.મી.ની ઊંડાઈએ પડે તે રીતે દંતાળની મદદથી વાવણી કરવી.
- આ માટે હેકટરે ૩.૫ થી ૫.૦ કિલો બિયારણની જરૂરિયાત રહે છે.
- સામાન્ય રીતે રાઈનું વાવેતર ઉત્તર દક્ષિણ દિશામાં કરવાથી વધુ ઉત્પાદન મળતું હોય છે.
- આ ઉપરાંત મિક્ષ પાક તરીકે રાઈ સાથે રજકાનું બીજ ઉત્પાદન મિશ્ર પાક લઈ શકાય છે જેમાં રાઈનું ૩.૫ કિલો બીજ + રજકાનું પ કિલો બીજ મિશ્ર કરી ચાસમાં વાવણી કરવી અથવા રાઈને પ્રથમ પિયત આપતી વખતે હેકટર દીઠ પ કિલો રજકાનું બીજ રાઈના ઊભા પાકમાં પૂંખીને વાવવું.
- રાઈની કાપણી પછી રજકાની (લીલુ ઘાસ) કાપણી કરી હેકટર દીઠ ર૦ કિલો નાઈટ્રોજન આપી પિયત આપવું અને બીજ ઉત્પાદન માટે છોડી દેવા.
- આ પદ્ધતિથી રાઈના પછી ઉનાળુ બાજરીનો પાક લેવા કરતાં હેકટર દીઠ આર્થિક વળતર વધુ મળે છે અને પાણીનો બચાવ પણ થાય છે.
Share your comments