રાજ્યમાં છેલ્લા કેટલાક લર્ષોથી ગમ-ગુવારની ખેતી કરતા ખેડૂતોનો વધારો થયો છે. ગમ-ગુવારના પાકને વધારે પાણીની જરૂરીયાત રહેતી નથી આ પાક સામાન્ય વરસાદથી પાકતો પાક છે અને ચોમાસાની ઋતુ દરમિયાન આ પાકની વાવણી કરવામાં આવતી હોય છે. આજે આપણે વાત કરીશુ કે ગમ-ગુવારના પાકમાં પિયતથી જીવાતનું સંકલિત કેવી રીતે કરવુ અને તેના વ્યવસ્થાપન વિશે ચર્ચા કરીશુ.
પિયત વ્યવસ્થા
ચોમાસા દરમ્યાન વરસાદનું પ્રમાણ અને વહેંચણી વ્યવસ્થિત હોય તો ગુવારના પાકને પાણીની જરૂરીયાત રહેતી નથી. પરંતુ વધુ વરસાદ પડે તો વધારાના પાણીનો નિકાલ કરવો જરૂરી બને છે. વરસાદની અનિયમિતતાના સંજોગોમાં ડાળી અવસ્થા અને શિંગો બેસવાની અવસ્થાએ પૂરક પિયત આપવું જરૂરી બને છે.
નીંદણ નિયંત્રણ
નીંદણ એ પાક સાથે પોષક તત્વો, પાણી માટે હરિફાઈ કરે છે એટલુ જ નહી પરંતુ રોગ જીવાત ફેલાવવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ગુવારનો પાક શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં વરસાદ આધારિત કરવામાં આવતો હોવાથી જમીનમાંથી ભેજનું બિન જરૂરી શોષણ અટકાવવા માટે પણ નીંદાણથી પાકને મુકત રાખવો જરૂરી છે. જેથી કરીને તેની માઠી અસર ઉત્પાદન ઉપર થાય નહી. આ માટે પાકને શરૂઆતના ૩૦ દિવસ સુધી નીંદણમુકત રાખવો જરૂરી છે. આ માટે એક થી બે વખત હાથથી નીંદામણ તેમજ બે થી ત્રણ વખત આંતરખેડ કરવી જરૂરી છે. આંતરખેડ કરવાથી બાષ્પીભવન ધ્વારા જમીનમાંથી થતા ભેજના વ્યયનું પ્રમાણ ઘટે છે.
ગુવારના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન ગુવારના પાકમાં સામાન્ય રીતે જીવાતોથી વધુ પડતું નુકસાન થતું નથી, પરંતુ નીચે જણાવેલ જીવાતોથી વત્તા-ઓછા પ્રમાણમાં નુકસાન થાય છે.
તડતડીયાં
બચ્ચાં અને પુખ્ત એમ બંને અવસ્થા પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. પરિણામે પાનની ટોચો તથા ધારો પીળો પડી સુકાઈ જાય છે. જો ઉપદ્રવ વધુ હોય તો છોડ ફિકકો પડી જાય છે અને પાન કોકડાઈને સુકાઈ જાય છે.
થડની માખી
પુખ્ત માખી ચળકતી અને લીલાશ પડતા કાળા રંગની અને આછા બદામી રંગની આંખો ધરાવે છે. માદા માખી અંડાકાર અને સફેદ રંગના ઈંડાં પાનની નીચેની બાજુએ મૂકે છે. પૂર્ણ વિકસિત ઈયળ ઘાટા પીળા રંગની હોય છે. આ જીવાતના કોશેટા પાકની શરૂઆતની અવસ્થાએ જમીનના નીચેના ભાગમાં જોવા મળે છે તથા પાક જયારે મોટો થાય ત્યારે સામાન્ય રીતે મુખ્ય થડ અથવા ડાળીઓમાં તેની ગેલેરી (બોગદું) માં જોવા મળે છે.
ઈયળ અવસ્થા નાજુક પ્રકાંડમાં કાણું પાડી કોરાણ કરી ગેલેરી (બોગદું) બનાવે છે. મોટા કરતાં નાના છોડમાં આ જીવાત વધુ પ્રમાણમાં જોવા મળે છે. કુમળા છોડના ઉપરના બે પાનનું નીચે તરફ વળી જવું અને પીળા પડી જવું એ ગંભીર નુકસાનની પ્રતીતિ કરાવે છે. ગુવારની મીંજ : ગુવારની ફૂલ અવસ્થાએ માદા મીંજ ફૂલમાં ઈંડાં મૂકે છે જેમાંથી નીકળતો કીડો અંદરનો ગર્ભ ખાય છે. જેના કારણે ફૂલમાંથી શિંગ ન બેસતા તેની વિકૃતી થઈ ગાંઠ જેવું થઈ જાય છે પરિણામે તેમાં દાણા પણ બેસતા નથી.
પાનનું ચાંચવું
પુખ્ત ચાંચવા ભૂખરાં કે રાખોડી રંગના હોય છે. તેના માથાનો ભાગ લાબો ચાંચ જેવો હોય છે. ઈયળ આછા સફેદ રંગની અને રતાશ પડતા માથાવાળી હોય છે. ચાંચવા પાનને ધારેથી કાપી ખાઈને નુકસાન કરે છે. જયારે ઈયળો જમીનમાં રહી છોડના મૂળ ખાય છે.
માહિતી સ્ત્રોત - જી. ડી. હડિયા, આર. વી. હજારી, સી. બી. ડામોર, એચ. આર. અડસૂલ, અને એ. કે. મહિડા કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, ડેરોલ - ૩૮૯ ૩૨૦
Share your comments