તારાપુર, તા.11:
દરિયામાં ખેતી...! જાવ, જાવ, હવે...! હેં... ખરેખર? શું વાત કરો છો...!
જ્યારે તમે કોઈને કહો કે, ગુજરાતનો ખેડૂત હવે દરિયામાં ખેતી કરવા આગળ ધપી રહ્યો છે ત્યારે લગભગ આવા જ ઉદ્દગાર સાંભળવા મળે. તમને પોતાને પણ કદાચ આશ્ચર્ય થાય, કે દરિયાઈ ખેતીની આ કલ્પના કેવી રીતે શક્ય છે! પણ, વિજ્ઞાને અને ગુજરાતના ખેડૂતની ધગશે આ કલ્પનાજન્ય બાબતને પણ હવે શક્ય બનાવી દીધી છે. જી હા, હવે ગુજરાતનો 1600 કિ.મી.નો લાંબો દરિયાકિનારો માત્ર બંદરો માટે જ નહીં, બલકે ખેતી માટે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, અને આગામી સમયમાં, થોડાં જ વર્ષોમાં મબલક પાકના ઉતારા લેવાશે, એ પણ નક્કી.
કઈ રીતે આ બન્યું, એ વિશે વિગતવાર જોઈએ.
સૌથી લાંબો દરિયા-કિનારો ગુજરાતની મોટી સંપત્તિઃ ગુજરાત પાસે 1600 કિ.મી. જેટલો લાંબો અને વિશાળ દરિયા-કિનારો છે, જે મોટા ભાગે બંદરો સિવાય લગભગ અન્ય કશા કામમાં આવતો જણાતો નથી. આ દરિયા-કિનારો ખરેખર તો ગુજરાતની સંપત્તિ છે. જો આ વિસ્તારોનો ખરેખર ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતો દ્વારા મબલક કમાણી થઈ શકે. આ વિચાર પાછળ સરકાર અને વિજ્ઞાનીઓ લાંબા સમયથી વિચારતા હતા, તે હવે ધીમેધીમે સાર્થક દિશા તરફ આગળ વધ્યા છે અને હવે એનાં પરિણામો ધીમા પગલે ગુજરાતના ખેડૂતને જોવાનાં મળી રહ્યાં છે.
ઉદ્યોગો માટે જમીનો જતી રહેવાનો ડર જતો રહ્યોઃ અગાઉ એક સમયે ગુજરાતના ખેડૂતને ડર હતો કે જો ઉદ્યોગોનું આવું જ આક્રમણ રહેશે તો ખેતી માટે જમીનો નહીં બચે, પણ હવે એ ડર જતો રહ્યો છે. હવે દરિયામાં ખેતીનો વિકલ્પ ખૂલી ગયો છે. આ વિકલ્પ એવો ખુલ્લો છે કે તેમાં કોઈ પણ ખેડૂતને લાભ મળી શકે છે. વળી, દરિયાની જમીન બધી જ રીતે શ્રેષ્ઠ નીવડતી હોવાથી ખેડૂતને ખાતર-પાણીનો પ્રશ્ન પણ નડવાનો નથી. સાધારણ જમીન પર તો ખેડૂતને વરસે-દહાડે અનેક પ્રકારનાં ખાતરો નાખવાં પડે, પણ દરિયાઈ ખેતીમાં આ મહત્ત્વની અને મોંઘી સમસ્યા નડવાની જ નથી.
વિદેશોમાં જાણીતો છે દરિયાઈ-ખેતીનો પ્રકારઃ ચીનથી માંડીને ફિલીપાઇન્સ, જાપાન, કોરિયા અને ઇંડોનેશિયા જેવા દેશોમાં દરિયાઈ-ખેતીનો પ્રકાર ખેડાઈ રહ્યો છે. ત્યાંનો ખેડૂત સારો શિક્ષિત અને જાણકાર હોવાથી એ આવી અજાણી દિશાઓમાં પણ હળ ચલાવી શકે છે. તો, ગુજરાતનો ખેડૂત તો દરિયાખેડુ અને સાહસિક છે, એ શા માટે પાછો પડે!
ખરેખર તો વિદેશોમાં આવી મલ્ટીસ્ટોરી એગ્રીકલ્ચરની વાત બહુ જાણીતી છે. અંગ્રેજીમાં એને સી-વાઇડ ફાર્મિંગ નામે ઓળખવામાં આવે છે. આપણી પાસે 1600 કિ.મી.નો દરિયાકિનારો આ કૃષિ માટે ખૂબ જ અનુકૂળ છે, કહો કે, સોનાની લગડી છે.
18 ખેડૂતોને મળી તાલીમઃ ગુજરાતના ભાવનગર ખાતેની સેંટ્રલ સૉલ્ટ એંડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇંસ્ટીટ્યૂટે આ બીડું ઝડપી લીધું અને ભાવનગર જિલ્લાના 18 ખેડૂતોની પસંદગી કરીને તેમને દરિયાઈ ખેતી માટે તૈયાર કર્યા છે. આ ખેડૂતોને તાલીમથી સજ્જ કરીને તેમની પાસે ગીર-સોમનાથ પાસે સિમર અને રાજપરા ગામોમાં ઘાસની ખેતી કરાવી. આ ખેતીના એક ચક્રમાં (એટલે કે, સામાન્ય ખેડૂતની ભાષામાં એક સીઝનમાં) 40 દિવસ થાય છે. આ અઢાર ખેડૂતોએ આવાં બે ચક્ર પૂરાં કર્યાં અને 5.9 ટન ઘાસ ઉત્પન્ન કર્યું, જેમાંથી 1.15 લાખ રૂપિયાની અધધ... કમાણી થઈ.
આ ઇંસ્ટીટ્યૂટના એક વિશેષજ્ઞે જણાવ્યું કે, અમે હવે આગામી સમયમાં અન્ય જિલ્લાઓના 162 જેટલા ખેડૂતોને પસંદ કરીને તેમને આ ખેતીની સઘન તાલીમ આપીશું. સરકારે ખેડૂતોની તાલીમ માટે આ ઇંસ્ટીટ્યૂટ માટે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિકાસ બોર્ડને બે કરોડ રૂપિયાનું અનુદાન પણ આપ્યું છે, એમ એમણે જણાવ્યું.
ફળફળાદિ અને શાકભાજી પણ દરિયામાં ઊગશેઃ દરિયામાં ઘાસની ખેતીનો પ્રયોગ સફળ થયો છે અને ખેડૂતોને હવે દરિયામાં પાણી બતાવવાની તક મળી છે, ત્યારે વિજ્ઞાનીઓ છાતી ઠોકીને કહે છે કે, ગુજરાતનો હિમંતવાન ખેડૂત હવે આગામી સમયમાં દરિયામાં શાકભાજી અને ફળફળાદિ પણ ઉગાડશે. તે ઉપરાંત દરિયામાં જ ફૂલોની ખેતી પણ કરશે. આ અંગે ઇંસ્ટીટ્યૂટ દ્વારા એક એક્શન-પ્લાન તૈયાર કરાયો છે અને ટૂંક સમયમાં એના પર કામ શરૂ કરાશે. ખેડૂતોને સરકારની સહાયથી આ ઇંસ્ટીટ્યૂટ સારી એવી તાલીમથી સજ્જ કરશે. પછી આપણે કહી શકીશું કે, અમે ગુજરાતીઓ મરજીવાઓ ખરા, દરિયા ખૂંદીને અનાજ પેદા કરીએ એવા!
Share your comments