હમણાં સાતેક મહિના પૂર્વે આખા દેશની પ્રજાને પોતપોતાનાં ઘરમાં પુરાઈ રહેવાના દિવસો આવ્યા. કોરોના વાઇરસ નામનો દૈત્ય આખી દુનિયામાં પ્રસરી ગયો અને COVID-19 નામની નવી જ સમસ્યા આપી ગયો. દુનિયાના લગભગ દરેક દેશના નાગરિકોને પોતપોતાના ઘરમાં પુરાઈને જીવવાની નોબત આવી. એ સમયે સૌથી વધારે યાદ કોઈ વસ્તુ આવી હોય તો તે હતી અનાજ. આ લૉકડાઉનના ગાળામાં કોઈને ન યાદ આવ્યા પૈસા, ન દોલત, ન સંપત્તિ... માત્ર અનાજની જ સૌને જરૂર હતી. આ એવો સમયગાળો હતો કે લોકોને અનાજનું મૂલ્ય સમજાયું હતું. ઘરમાં ખાવા-પીવાની ચીજો હોય તો બહાર નીકળવાની જરૂર ન પડે. અનાજના મૂલ્યની સાથોસાથ લોકોને ખેડૂત, ખેતર અને ખેતીલાયક જમીનની પણ કિંમત સમજાઈ.
વેદોમાં ખેડૂતનો મહિમાઃ શિક્ષકની અગત્ય વિશે તો ચાણક્યે એક વિધાન કરીને એ વિધાનને અમર કરી દીધું, પણ ખેડૂત માટે કોઈને કશું કહેવું પડતું નથી. સમાજમાં ખેડૂતની કેટલી અગત્ય છે, એ બાબત આપણા વેદોમાં કહેવામાં આવી છે. વેદો પોકારીને કહે છે કે, ખેડૂત ધરતીના ખોળામાંથી અનાજ પેદા કરી આપે છે, એટલે એને મહત્ત્વ આપો. ‘ઋગ્વેદ’માંથી એક શ્લોક નીચે રજૂ કર્યો છેઃ
“निराहावान्कृणोतन सं वरत्रा दधातम,
सिंहाजा अवत मुद्रिणं वयं सुषेकमनुपक्षितम्”
(‘ઋગ્વેદ’ 10-101-5) (ભૂમિના આધારે પેટનું
પાલન કરનારો ખેડૂત હોય છે,
એટલે સમાજમાં તેને શ્રેષ્ઠ સ્થાન મળવું જોઈએ.
શિક્ષિત લોકો જ સારા ખેડૂતો થઈ શકે છે.)
શિક્ષિત ખેડૂત દેશને તારેઃ હવે, વિચાર એ કરવાનો છે કે, છેક ઋગ્વેદકાળથી જ ખેડૂતને શિક્ષિત કરવાનો, આગળ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો ખેડૂત શા માટે પીછેહટ કરવી જોઈએ? ખેડૂતે સમજવાનું છે કે, પોતે કોઈનો ચાકર નથી, બલકે રાજા છે. ‘રામાયણ’માં રાજા જનકની વાત આવે છે. તેઓ ખેતરમાં હળ ચલાવીને ખેડૂતની ગરિમાને ઊંચી લાવવા મથ્યા હતા. રાજા હતા, એટલે તેમનામાં જ્ઞાન એટલે કે શિક્ષણનો કોઈ અંત નહોતો. સાધારણ ખેડૂતે પોતાના કલ્યાણની બાબતામાં વિચારીને આગળ વધવું જોઈએ, એ રાજા જનક કહેવા માગતા હતા.
ઉપર્યુક્ત શ્લોકમાં ઋગ્વેદના ઋષિ આપણને ખેડૂતની ગરિમાને વધારે ઊંચી કરવાનું શીખવે છે. તેઓ કહે છે કે, સારી ખેતી માટે ખેડૂત પાસે સારું શિક્ષણ હોવું જોઈએ. સારા શિક્ષણથી ખેડૂત નવી નવી યોજનાઓ વિશે, નવા પાક વિશે, નવી જીવનશૈલી વિશે જાણતો થાય છે. તેના ઉદ્ધારનો માર્ગ તેના શિક્ષણથી જ ખૂલે છે. શિક્ષિત ખેડૂત શોષણનો વિરોધ પણ કરી શકે છે. તે યોગ્ય ભાવ માગી શકે છે અને યોગ્ય રીતે પાકનું સ્વ-મૂલ્યાંકન પણ કરી શકે છે. વળી, શિક્ષિત ખેડૂત પાક પકવવાની પદ્ધતિઓ તથા નવી અત્યાધુનિક શોધખોળોનું જ્ઞાન મેળવીને ખેતીમાં વિવિધ પ્રયોગો કરી શકે છે. આમ થાય તો સમાજને તથા દેશને તો ફાયદો જ છે, પણ સાથોસાથ ખેડૂતની આર્થિક સ્થિતિ પણ વધારે સુદૃઢ બને છે.
ગુજરાતના ખેડૂતની વર્તમાન સ્થિતિઃ ગુજરાતનો ખેડૂત આજે તો વર્તમાન સ્થિતિમાં લગભગ હાંસિયામાં ધકેલાઈ ગયેલો જણાય છે. તેનું સૌથી પ્રથમ કારણ શિક્ષણના અભાવનું છે. બીજું એ પણ ખરું કે, એકબીજાને સહયોગ આપવામાં પણ ખેડૂતો પાછા પડે છે. લાંબા ખેત-અનુભવનો લાભ લેવાની ઘડી આવે છે ત્યારે પણ ખેડૂત પાણીમાં બેસી જાય છે, એ પણ ખરું. બીજી તરફ, એક કારણ એ પણ જણાય છે કે, ખેડૂત કુદરતી સંસાધનોનો પૂરેપૂરો લાભ લેવાનું શીખ્યો નથી. આપણે ત્યાં વરસાદી પાણી વેડફાઈ જતું જણાય છે. સરકારે સારા પ્રયાસો કરીને સૌરઊર્જાથી વીજળી શરૂ કરાવીને નવો રાહ ચીંધ્યો છે, તો હવે આપણે વરસાદી પાણીના ઉપયોગનું પણ ખેડૂતને શીખવવું જોઈએ. તે ઉપરાંત છાણિયું ખાતર લગભગ અદૃશ્ય થવા માંડ્યું છે. પશુનાં મળમૂત્ર ખેતરો માટે અમૃત સમાન હોય છે. જો ખેતીને સુધારવી હશે, અને ભાવિ પેઢીને સધ્ધર બનાવવી હશે તો ખેતરોને અન્ય રાસાયણિક ખાતરોથી મુક્ત કરીને છાણિયું ખાતર વાપરવાની સલાહ ખેડૂતને આપવી પડશે.
મારે ભણવાની શી જરૂર! મારે ક્યાં સાહેબ બનવાનું છે! ગુજરાતના ખેડૂતની આ સૌથી મોટી સમસ્યા છે. ખેડૂત આખું વર્ષ ખેતરમાં મજૂરી કરે છે, પણ સરકારની યોજનાઓ વિશે લગભગ શૂન્ય ટકા જાણકારી ધરાવે છે. અમુક વર્ષે પાક નિષ્ફળ જાય ત્યારે સરકારી યોજનાઓ દ્વારા ખેડૂતને ટકી રહેવા માટે સહાય કરવામાં આવતી હોય છે. પરંતુ ઘણાખરા ખેડૂતો જાણકારીના અભાવે આ લાભોથી વંચિત રહી જાય છે. જો ખેડૂતમાં શિક્ષણ હોય તો આવી યોજનાઓ વિશે તે ઝડપથી જાણકારી મેળવી શકે અને તે લઈ શકે. “મારે ક્યાં મોટા સાહેબ બનવાનું છે, ભાઈ, મારે તો ખેતરમાં ટ્રેક્ટર જ લઈને જવાનુંને...! એટલે મારે ભણવાની શી જરૂર છે!” – આવી મનોવૃત્તિનો ત્યાગ કરીને ખેડૂતે પોતાના જ્ઞાનની ક્ષિતિજો (શેઢાઓ) વધારવાની જરૂર છે. ખેડૂતને જેમ પોતાના ખેતરના શેઢા વધારવાનું મન થાય છે એ જ રીતે તેણે પોતાની જાણકારી અને પોતાના જ્ઞાનના શેઢા પણ વધારવાનો સમય હવે આવી ગયો છે.
ખેડૂત જગતનો તાતઃ ગુજરાતમાં લગભગ 48.86 લાખ જેટલા ખેડૂતો છે, જેમની પાસે ખેતીલાયક જમીનોની માલિકી છે. આ પૈકીના ઘણા ખેડૂતો જાતમજૂરી પર જીવે છે, તો કેટલાક ઓછી જમીનો ધરાવે છે. કેટલાક ખેડૂતોની લાંબી-પહોળી જમીનો તેમના વારસોને મળવાથી નાના ખેડૂતોની સંખ્યા વધી છે. સરકારી આંકડા કહે છે કે, ગુજરાતમાં વર્ષ 2011થી ખેડૂતોની સંખ્યા 4 લાખ સુધી, એટલે કે 12 ટકા જેટલી વધી છે. હવે નવયુવાનો આ ક્ષેત્રમાં આવવાના કારણે ખેડૂતોમાં શિક્ષણનો પ્રભાવ વધતો જોવા મળે તો સારી નિશાની ગણાશે. ખેડૂતને ‘જગતનો તાત’ કહેવામાં આવે છે, તેની પાછળ કારણ એ છે કે, તે પોતે તો ખાય છે, પણ બીજાને માટે પણ ઉગાડે છે. જરાક કલ્પના કરીએ કે, જો ખેડૂત અનાજ વેચે જ નહીં તો શું થાય! કદાચ કોઈ બચે જ નહીં. કેમ કે, નાણાં ખિસ્સામાં હોય, પણ અનાજ ન હોય તો શું ખાવું! આ સમજી-વિચારીને જ આપણા રાષ્ટ્રના ઘડવૈયાઓએ તિરંગામાં પણ ખેતીને મહત્ત્વ આપીને લીલો રંગ રાખ્યો છે, અને ભારતને ખેતીપ્રધાન દેશ કહ્યો છે. હવે આપણે ખેડૂત થઈને જ ખેતીને મહત્ત્વ નહીં આપીએ તો ભાવિ પેઢીઓકેવી બનશે, તે વિચારવું રહ્યું.
Share your comments