આ વર્ષે દિવાળી પછીથી સોયાબીનની બજારમાં ગજબની તેજી લાગું પડી છે. સપ્ટેમ્બર સિઝન પ્રારંભે બજાર સરેરાશ રૂ.750 આજુ બાજુ હતી, તે વધીને હાલના સમયે બમણી એટલે કે રૂ.1500ની સપાટીને પણ સર કરી જાય છે. સોયાખોળની વિદેશી માંગ વધતાં નિકાસમાં વધારો થયો છે.ગુજરાતમાં સોરઠ અને બનાસકાંઠા જેવા જુના વિસ્તારો ઉપરાંત નવા વિસ્તારમાં પણ સોયાબીન વાવેતરે પ્રગતી કરી છે.
કેન્દ્રિય કૃષિ મંત્રાલયના આંકડા
કેન્દ્રિય કૃષિ મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં આ સમયે 102.5 લાખ હેકટરમાં વાવેતર થયું છે. દેશમાં સોયાબીન વાવેતરમાં કાયમ મધ્યપ્રદેશ રાજ્ય ટોચ પર હોય છે, ત્યાં ઓછા વરસાદને કારણે આ વખતે વાવેતર ખોરવાયું છે. સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સોપા)ના મતે મધ્યપ્રદેશમાં ગત વર્ષેના કુલ 58.540 લાખ હેકટર વાવેતર સામે હાલ 48.516 લાખ હેકટરમાં વાવેતર થયું છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન સોયાબીન વાવેતરમાં બીજા અને ત્રીજા નંબરના રાજ્યો છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્રારા નોંધાયેલ આંકડા મુજબ ગત વર્ષે સોયાબીનનું આખરી વાવેતર 1.49 લાખ હેકટરે હતું, તે ચાલું વર્ષે એ વાવેતરમાં 51 ટકા જેવો વધારો થઇ 2.17 લાખ હેકટરે પહોંચ્યું છે. હજુ બે સપ્તાહ સુધી સોયાબીન વાવેતર થઇ શકે છે, તેથી આખરી આંકડો 3 લાખ હેકટરને આંબી શકે છે.
સૌરાષ્ટ્રમાં સોયાબીનના પાકનો જલવો જોઈ શકાશે
સૌરાષ્ટ્રના ખેતરોમાં છવાયેલો સોયાબીન પાકનો ઝલઝલો જોઇ શકાય છે. જૂનાગઢના વિસાવદર તાલુકાના ઢેબર ગામેથી કાંતિભાઇ વઘાસિયા (મો.96011 74377) કહે છે કે ગત ચોમાસે 12 વીઘામાં સોયાબીન હતું, તે આ વર્ષે વધારીને 25 વીઘામાં કર્યું છે. અંદાજે 40 દિવસનો પાક થયો છે. પાકમાં જોરદાર નરવાઇ છે.
એગ્રો બીજ વિક્રેતાના મત મુજબ
કેશોદના અજાબ ગામેથી એગ્રો બીજ વિક્રેતા મનોજભાઇ કાલરિયા (મો.99792 87409) કહે છે કે અમારા વિસ્તારમાં સોયાબીન વાવેતર વધવા સાથે પાક ખુબ સારી સ્થિતિમાં છે. આજના ફિલ્ડની રખડપટ્ટીમાં બોડી ગામેવિનોદભાઇ બુટાણી (મો.99130 68717) ના ખેતરમાં ઉભેલ સોયાબીનમાં ટ્રેકટર દ્રારા છેલ્લી આંતરખેડ થતી હતી.
રાજ્યમાં હાલમાં સોયાબનના ભાવ
અત્યારે સોયાબીનની બજારો બરોબર તેજીની પટરી પર ચડી છે. તા.29, જુલાઇ ગુરૂવારે રાજકોટ યાર્ડમાં પ્રતિ 20 કિલોમાં રૂ.1650 થી રૂ.1770ના ભાવ થયા હતા. વિસાવદર યાર્ડમાં રૂ.1162 થી રૂ.1600, ગોંડલ યાર્ડમાં રૂ.1581 થી રૂ.1681 અને મોડાસા યાર્ડમાં રૂ.1500 થી રૂ.1718 ભાવ થયા હતા. જો કે આ સમયે જૂજ ખેડૂતોના હાથમાં સોયાબીનનો પાક હોય છે.
Share your comments